હું જેને પ્રેમ કરતો હતો તે મારી સાથે મજબૂરીમાં લગ્ન કરવા તૈયાર થઈ છે

મારી ઉંમર ૨૭ વર્ષ છે. મારા જ એરિયામાં રહેતી એક છોકરી મને ખૂબ ગમતી હતી.

depress


સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : મારી ઉંમર ૨૭ વર્ષ છે. મારા જ એરિયામાં રહેતી એક છોકરી મને ખૂબ ગમતી હતી. અમે અવારનવાર દોસ્તોની સાથે બહાર પણ જતા. જોકે તે મારી સાથે બહુ ઓછું બોલતી. વરસેક પહેલાં મેં તેની સાથે સ્પેશ્યલ ફ્રેન્ડશિપ કરવાનું પ્રપોઝ કર્યું તો તેણે વાત સાવ જ હસવામાં ઉડાડી દીધી. તેણે કહેલું કે આપણું મૅચ નહીં થાય. મને તેના માટે ખૂબ પ્રેમ હતો, પણ નાછૂટકે તેને ભૂલવાની કોશિશ કરી. વચ્ચે એક વાર ફરી કૉમન ફ્રેન્ડના ફંક્શનમાં મળેલી, પણ એ વખતે હું તેની સામે હસી પણ ન શક્યો. એ પછી તો તેનો આખો પરિવાર સુરત શિફ્ટ થઈ ગયો. એ પછી તો મેં મમ્મીને અરેન્જ્ડ મૅરેજ માટે હા પાડી દીધી. બે-ત્રણ છોકરીઓ જોઈ, પણ મમ્મીને જ પસંદ ન આવી. હમણાં મારાં મામી એક માગું લઈને આવ્યાં હતાં. છોકરીને અરેન્જ્ડ મીટિંગમાં સામે જોઈને હું એકદમ જ બઘવાઈ ગયેલો. મીટિંગ દરમ્યાન તેણે પહેલી વાર મારી સાથે દિલ ખોલીને વાત કરી. તેણે કહ્યું કે આ પહેલાં તે એક છોકરાના પ્રેમમાં હતી ને એટલે જ તેણે મારી પ્રપોઝલને ગંભીરતાથી નહોતી લીધી. જોકે એક વરસમાં તેને પેલા છોકરાની અસલિયત સમજાઈ છે અને હવે તેમની વચ્ચે બ્રેક-અપ થઈ ગયું છે. હવે તે અરેન્જ્ડ મૅરેજ કરી લેવા માગે છે. એનો મતલબ એ કે જેને હું પ્રેમ કરતો હતો તે મને પ્રેમ કરે છે માટે નહીં, મજબૂરીથી પરણવા તૈયાર થઈ છે. પહેલા પ્રેમને ભૂલવા માટે થઈને તે મારી સાથે લગ્ન કરીને મારા પર ઉપકાર કરી રહી હોય એવું મને લાગે છે.

જવાબ : તમે તે યુવતીને પ્રપોઝ કર્યું ત્યારે રિસ્પૉન્સ ન મળ્યો અને હવે જ્યારે તેને ભુલાવવા માગો છો ત્યારે સામેથી તે આવી છે. જોકે એનો મતલબ એ નથી કે તે યુવતી કોઈ મજબૂરીને કારણે તમારી પાસે આવી છે. તમે પણ આ છોકરીને ભૂલવા માટે થઈને જ તો મમ્મીએ બતાવેલી છોકરી સાથે લગ્ન કરવા માગતા હતા. જેમ તમને પ્રેમમાં પહેલી વાર સફળતા નહોતી મળી એમ તેને પણ પ્રેમમાં સફળતા નથી મળી. તમારી જેમ તેણે પણ સ્વીકારી લીધું છે અને એ રસ્તેથી આગળ વધી જવાનો નિર્ણય લીધો છે. તે ધારે તો અરેન્જ્ડ મૅરેજમાં પણ બીજા ઉમેદવારની પસંદગી કરી જ શકે છે. તેણે તમારી સામે પોતાના જૂના સંબંધની વાત રજૂ કરી દીધી છે એ બતાવે છે કે તે આ બાબતે કશું છુપાવવા નથી માગતી. તમને સવાલ છે કે શું તે તમને પ્રેમ કરી શકશે? આની ગૅરન્ટી તો લવમૅરેજ કરનારાં કપલમાં પણ નથી હોતી. બાકી એટલું જરૂર કહી શકું કે અરેન્જ્ડ મૅરેજ થતાં હોય છે ત્યારે કેટલાંય પાત્રો પોતાના અસફળ પ્રેમની યાદો હૈયામાં ધરબી જ દેતાં હોય છેને? તે લોકો પણ સફળ અને હૂંફાળું લગ્નજીવન જીવે જ છે.

પ્રેમમાં સફળતા ન મળે ત્યારે કેવી પીડા થાય એ તમે અનુભવી ચૂક્યા છો ને એટલે જ તમે આ છોકરીને પણ સમજી શકશો. તમારે તો ખુશ થવાનું હોય કે એક વાર આશા ગુમાવી દીધા પછીયે તમે જેને પ્રેમ કરતા હતા તેની સાથે જિંદગી જીવવાની તક મળી રહી છે. તો પછી એ શા માટે ગુમાવવી?

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio