મોટો દીકરો મીઠું બોલીને બધું પડાવવા માગે છે અને નાનાને કશું આપતો નથી

મારે બે સંતાનો છે. પતિ પાંચ વર્ષ પહેલાં ગુજરી ગયા છે અને હું એકલી પડી ગઈ છું. બન્ને દીકરાઓ જુદા રહે છે. મારો મોટો દીકરો-વહુ બહુ જ જબરાં છે.

depress


સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : મારે બે સંતાનો છે. પતિ પાંચ વર્ષ પહેલાં ગુજરી ગયા છે અને હું એકલી પડી ગઈ છું. બન્ને દીકરાઓ જુદા રહે છે. મારો મોટો દીકરો-વહુ બહુ જ જબરાં છે. પહેલાં તો તેમણે મને તેમની સાથે રહેવા બોલાવી અને પછી હું જે ઘરમાં રહેતી હતી એ ઘર ભાડે આપી દીધું. આ ઘરનું ભાડું તે પોતાની પાસે જ રાખે છે. નાના દીકરાને એમાંથી એક રૂપિયો પણ નથી આપતો. મને એમ કે હું તેને ત્યાં રહું છું એટલે ભલે ખર્ચાપેટે તે ભાડું લઈ લેતો. જોકે છ મહિના પછી તેણે મને કહ્યું કે હવે છ મહિના તમારે નાનાને ત્યાં રહેવાનું. નાનો મને આવીને લઈ ગયો. તે પૈસેટકે એટલો બે પાંદડે નથી એટલે મેં મોટાને કહ્યું કે હવે ભાડાની રકમ નાનાને આપવી જોઈએ. તે ચોખ્ખી હા કે ના નથી કહેતો, પણ ભાડું નાના દીકરાને આપતો પણ નથી. છ મહિના ઉપર થઈ ગયું એટલે મેં કહ્યું કે હવે હું તારા ઘરે આવું? તો કહે કે હમણાં દીકરાની પરીક્ષા ચાલે છે, એ પતે પછી આવજે. એ પછી વહુની તબિયત સારી નથી રહેતી એનું બહાનું કાઢ્યું. એ પછી ઘરમાં રિપેરિંગ કરાવવું છે એમ કહીને વાત ટાળી. હું ત્યાં રહેતી હતી ત્યારે તેણે મારી પાસેથી ઘણાં કાગળિયાંઓ પર સહી કરાવી હતી. મને ચિંતા એ છે કે તેણે બધું પચાવી તો નહીં પાડ્યું હોયને? અત્યાર સુધી ચૂપ રહેલી નાના દીકરાની વહુ પણ હવે મને સંભળાવે છે કે હવે મિલકતના ભાગ પાડી દો. મિલકતના ભાગની વાત કાઢીએ ત્યારે મોટો મીઠો બને છે અને કહે છે કે બધું આપણું જ છેને, માની હયાતીમાં આપણે મિલકત માટે લડવું ન જોઈએ. તે બોલવામાં બહુ સારો છે, પણ નાનાને અન્યાય કરી રહ્યો છે. હું અસહાય છું એટલે કંઈ કરી શકું એમ નથી.

જવાબ : તમારા પત્રમાં લખેલી તમામ માહિતી જો સાચી હોય તો મોટા દીકરાની નીયત સારી નથી એ વાત નિãત છે. નાની વહુના મનમાં જે અસંતોષ પેદા થયો છે એ ખોટો નથી. મોટો દીકરો મીઠું બોલીને સિફતપૂર્વક બધું પોતાનું કરી લેવા માગતો હોય તો તમારે સજાગ થઈ જવું જરૂરી છે. અત્યાર સુધીમાં કોઈ પણ જગ્યાએ સહી કરાવીને તેણે ખરેખર કશું ખોટી રીતે સેરવી લીધું છે કે કેમ એ પણ જાણવું જરૂરી છે.

તમારો નાનો દીકરો કદાચ અત્યારે ચૂપ છે, પણ જો તેને ખબર પડશે કે મોટા ભાઈએ પોતાની રીતે મિલકત સગેવગે કરી લીધી છે તો બની શકે કે તે પણ ગિન્નાય. અત્યારે જ્યારે મોટો દીકરો મીઠું-મીઠું બોલે છે ત્યારે બન્નેને સાથે બેસાડીને સંપત્તિ બાબતે ખુલાસો કરી દેવો જરૂરી છે. જો તે ઘરનું ભાડું નાના દીકરાને આપતો ન હોય તો સૌથી પહેલાં તો એ બાબતે સ્ટ્રિક્ટ થાઓ. એમ છતાં ન આપે તો ભાડાનો કૉન્ટ્રૅક્ટ પૂરો થાય એ પછી રિન્યુ કરો જ નહીં.

તમારા પરિવારમાં અન્ય કોઈ તટસ્થ સભ્ય હોય તેનું માર્ગદર્શન લો. મોટો દીકરો લાભ ખાટી ન જાય અને નાનાને અન્યાય ન થાય એ તમારે જ જોવું જોઈએ. જો તમે અત્યારે નહીં જાગો તો મોટો દીકરો તમને ખબર પણ ન પડે એ રીતે બધું હડપ કરી જશે. એવા સંજોગોમાં તમારું ઘડપણ રોળાશે. તમને ડરાવવા માટે નહીં, પણ જલદીથી ઍક્શન લઈને વિલ બનાવી નાખો એ માટે આ કહું છું.

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio