કથા-સપ્તાહ - રાતરાણી (મૈં કૌન હૂં... : 2)

વધુ એક રાત, ફરી એક શિકાર!

kareena

અન્ય ભાગ વાંચો

1  |  2  | 3પોતાની સ્મૉલ કારને મુંબઈના ટ્રાફિકમાં કોલાબા તરફ સરકાવતી અનામિકાએ હોઠ ભીડ્યો.

જિંદગી આવો વળાંક પણ લેશે એવું કોણે ધાર્યું હતુ? અનામિકા ગતખંડ સાંભરી રહી.

૦ ૦ ૦

‘દાદરના ‘મનપસંદ’ ગેસ્ટહાઉસ પર દરોડો. ચાર યુગલ કઢંગી અવસ્થામાં ઝડપાયાં!’

અખબારના મથાળા પર નજર પડતાં અનામિકાની કીકી પહોળી થઈ...

એ ચાર જુવાનોમાં એક નામ આસ્તિક મહેતાનુ હતું! ઇન્સેટમાં છપાયેલી તસવીર નિહાળીને તમ્મર આવ્યાં : આ તો ખરે જ આસ્તિક!

‘તારાં માધુરીમાએ શું કહ્યું હોત ખબર નથી, પણ ખબર જાણ્યા પછી હું તો એટલું જ કહીશ કે ચારિત્ર્યના ઢીલા માણસ સાથે લગ્નનો સંબંધ ન જ બંધાય...’ સરોજબહેને શબ્દો ચોર્યા વિના આપેલી સલાહ સોનાની હતી, પરંતુ એમ તો અનામિકાનું હૈયું એને સ્વીકારે?

નહીં. જરૂર ક્યાંક કાચું કપાયું છે.

અરે, આસ્તિકે કશે જવાની જરૂર પણ કેમ પડે? હું તેની પ્રિયતમા... આસ્તિકમાં એટલો જ કામાગ્નિ હોય તો એની ઝાળ પહેલાં મને ન સ્પર્શે! પણ આસ્તિક તો હંમેશાં, વિના કહ્યે મર્યાદામાં રહ્યા છે. વેશ્યાને તેડાવીને ગેસ્ટહાઉસમાં રંગરેલી માણવાના આસ્તિકના સંસ્કાર નથી. આ સમાચાર ખોટા છે, આમાં છપાયેલું આસ્તિકનું નામ ખોટું છે. આજકાલના પત્રકારોમાં ચોકસાઈનો ગુણ રહ્યો જ ક્યાં છે? યા તો કોઈ વિઘ્નસંતોષીએ આસ્તિકને ભેળવ્યા છે...

આ એક ઉમ્મીદના ઑક્સિજન પર તે આસ્તિકના ફ્લૅટ પર ગઈ. બારણે તાળું હતું. પાડોશીઓની નજર બદલાયેલી લાગી.

‘આસ્તિકને મળવા તું ખોટા સરનામે આવી.’ સામેવાળાં મીનાભાભીએ કહી દીધું, ‘થાણામાં તપાસ કર.’

અનામિકા સહેમી ઊઠી. હું આ શું સાંભળું છું, લોકો શું બોલે છે મારા આસ્તિક માટે.

‘મા જતાં જ દીકરાનું પોત પ્રકાશ્યું. રામ રાવણ બની ગયો!’

‘નહીં, મારા આસ્તિક એવા નથી.’ ચીસ નાખીને કહેવાના શબ્દો પાતળા અવાજે માંડ નીકળ્યા. ટૅક્સી કરી તે સીધી થાણે પહોંચી... પણ છેવટે તો સત્ય સત્યરૂપે જ ઊઘડે છે...

થાણામાં દાખલ થઈને બહાવરી નજર દોડાવતાં જ તે દેખાયો...

લૉક-અપના સળિયા પાછળ!

અનામિકાને જોતાં જ આસ્તિકની નજર ઝૂકી ગઈ. હોઠ ફફડીને રહી ગયા.

‘શું થયું આસ્તિક, વેશ્યાએ તમારી વાચા પણ ઉલેચી લીધી?’ અનામિકાના કટાક્ષમાં ધગધગતો લાવા હતો, ‘તમે કદી કહ્યું નહીં કે તમને વેશ્યાગમનનો શોખ છે.’

‘એવું નથી અનામિકા, હું તો...’ આસ્તિક વધુ બોલી ન શક્યો.

‘હં! ઘરથી દૂરના પરામાં, મામૂલી ગેસ્ટહાઉસમાં તનનો વેપાર કરતી બાઈ સાથે તમે રામાયણની ચોપાઈ ગાવા તો ન જ ગયા હો...’

અનામિકાએ લૉક-અપના સળિયા વચ્ચેથી હાથ સરકાવીને આસ્તિકનો કૉલર પકડ્યો, ‘તમારી એબ તમે છુપાવી કેમ, મને અંધારામાં રાખી કેમ?’

આસ્તિક નિરુત્તર. અનામિકા તેના ચહેરા પર થૂંકી, ‘આઇ હેટ યુ. સારું થયું કે લગ્ન પહેલાં તમારું પાપ ઊઘડી ગયું, નહીંતર મારી જિંદગી જહન્નમ બની જાત...’

આસ્તિકને ધકેલીને ધમધમાટભેર બહાર નીકળેલી અનામિકા થાણાના પ્રાંગણમાં જ ભાંગી પડી. ન પ્યાર રહ્યો, ન સુખી જીવનની ઉમ્મીદ. સર્વ કંઈ તૂટ્યાના બોજથી બેવડ વળી ગયેલું લાગણીતંત્ર અશ્રુધારા વહાવી રહ્યું.

‘ચિલ યાર...’

સ્ત્રીસ્વરે અનામિકા ચમકી. આંસુ લૂછીને જોયું તો પચીસેક વરસની, ભપકાદાર વસ્ત્રો ને ભડકીલા મેકઅપવાળી બાઈ પોતાને કહેતી જણાઈ, ‘તેરે થૂંકને સે તેરા મરદ સુધરનેવાલા નહીં હૈ.’

અનામિકા ચમકતાં તે ખંધું હસી, ‘હું ત્યારે થાણામાં જ હતી...’ કહીને હળવેથી ઉમેર્યું, ‘અને રાત્રે તારા મરદ સાથે’

હેં. અનામિકાનાં નેણાં ફૂલી ગયાં.

‘હમારે ધંધે મેં યે સબ ચલતા રહતા હૈ. પોલીસને હપ્તો ખવડાવીને હું છૂટી ગઈ છું. તારો મરદ પણ છૂટી જશે. બે દહાડામાં કિસ્સો ભુલાઈ પણ જશે.’

‘નહીં.’ અનામિકા બોલી ઊઠી ‘હું જીવનના અંતિમ fવાસ સુધી નહીં ભૂલું!’

જવાબમાં તે એવું જ ખંધું મલકી, ‘તારા મરદની બેવફાઈ યાદ રાખીને તને મળવાનું શું?’

બહુ વેધક પ્રશ્ન હતો. અનામિકા છટપટાઈ, ‘તે મારો મરદ નથી.’

‘તો પછી આ આંસુ શાનાં વહાવે છે! છોડ તેને.’

કેટલી સરળતાથી કહી ગઈ તે! અનામિકાના હોઠ વંકાયા, ‘તે મારો ગ્રાહક પણ નથી.’

તેણે ખોટું ન લગાડ્યું, ‘સાચું કહ્યું તેં... ગ્રાહકને દિલમાં જકડી રાખવાની અમારી ફિતરત નથી, જે દિવસે એ થયું ધંધો ચૌપટ!’

‘ધંધો...’ અનામિકાએ કડવાશ ઠાલવી, ‘પરપુરુષને ચારિત્ર્યભ્રષ્ટ કરવાનો ધંધો.’

‘હા, એ જ અમારો ધંધો.’ તે સહેજ હાંફી ગઈ, ‘પણ અમને ધંધે બેસાડે છે કોણ? આજે સૌ મને ચમેલીબાઈ તરીકે ઓળખે છે. મારું અસલી નામ હું ખુદ ભૂલી ગઈ છું એ મારા શોખથી નહીં, પુરુષોની ખદબદતી વાસના થકી!’ ચમેલીબાઈએ ઉપાલંભ કર્યો‍, ‘જવા દે, ધંધે બેઠા વગર કોઈને અમારી વેદના નહીં પરખાય...’

તેના પ્રત્યે સહાનુભૂતિ જાગી એથી વધુ રોષ પુરુષોની બદચલની બદલ જાગ્યો.

જતા પહેલાં ચમેલીબાઈએ દૃષ્ટિ મેળવી, ‘બાકી તારી તસલ્લી ખાતર કહી દઉં કે તારા મનના માનેલાને મેં બોટ્યો નથી. વાત વધે એ પહેલાં દરોડો પડતાં તે કોરો જ રહ્યો છે...’ ચમેલીએ હમદર્દી દાખવી, ‘ચાહે તો તેની ખતા બક્ષી દે.’

નહીં.

અનામિકાની ભીતર પડઘો ઊઠ્યો : મારો એ સ્વભાવ નથી. મારો હક પરસ્ત્રીને દેવાની ચેષ્ટા હું બક્ષી શકું નહીં. એક વાર કોરો રહેલો પુરુષ અગાઉ ક્યાં-ક્યાં ભીનો ન થયો હોય એ કોણે જાણ્યું? પ્રણયમાં છેતરપિંડીની માફી ન હોય.

- સજા હોય.

થાણામાંથી નીકળીને દિશાશૂન્ય ભટકતી અનામિકા દરિયાના ઘુઘવાટે કિનારા તરફ વળી. તાપ માથે ચડ્યો હતો. તપ્ત રેતીમાં તે બેઠી, એકલી-અટૂલી. માધુરીમા હોત તો મને યાદ અપાવત કે સ્ત્રીત્વના ભોગે પ્રણય ન હોય... અવંતિકામા હોત તો મને સંભાળી જાણત. જેને કણ-કણથી ચાહ્યો તે પુરુષ પણ મારો ન રહ્યો. પણ કદાચ આમ વેરવિખેર થવાની જ મારી નિયતિ હશે?

નહીં, મારી નિયતિ નહીં, આસ્તિકનો અપરાધ છે આ. તેને દંડ દીધા વિના મારી ભીતરનો જ્વાળામુખી શમશે નહીં...

તો શું કરું? આસ્તિકને ભુલાવામાં નાખીને વાસનાના મૂળ જેવી ઇãન્દ્રય વાઢી નાખું?

પણ એ તો એક પુરુષની સજા થઈ. મારું ચાલે તો દુનિયાના દરેક વાસનાઘેલા પુરુષને નપુંસક કરી દઉં, ફરી કોઈ વેશ્યા પાસે જવાનો કોઈને હરખ કે હામ ન રહે એવો હાહાકાર સર્જી‍ દઉં... તો જ ફરી કોઈ અનામિકાનું ભવિષ્ય નંદવાશે નહીં, હૈયું તૂટશે નહીં, સમણાં રોળાશે નહીં.

આઘાતમાંથી સ્ફુરેલો પ્રત્યાઘાત અનામિકાને જચતો ગયો.

પ્રણયમાં પહેલો ધોકો ખાધા પછી ફરી એ માર્ગે જવાવાનું નહોતું. સુખનો છાંયડો હટતાં રણ જેવી બની ગયેલી જિંદગી કોઈ પણ રાહે જાય, શી દરકાર! બસ, એટલું ખરું કે હવે પછીની સફરમાં પુરુષોને હું એવા પાઠ ભણાવીશ કે તેઓ વેશ્યાગમનની ખો ભૂલી જાય... તમે મારી એકની જિંદગીમાં ઝંઝાવાત આણ્યો આસ્તિક, હું અનેક પુરુષોના સંસારમાં વાવાઝોડું ફૂંકી દેવાની.

ઘવાયેલા હૈયામાં નિર્ણય ઘડાઈ ગયો પછી પીછેહઠ કેવી! આશ્રમ પહોંચીને તેણે બેગમાં કપડાં ભયાર઼્.

‘તું ક્યાં જાય છે અનામિકા? શું કરવા માગે છે?’ સરોજબહેન ચિંતાવશ પૂછતાં રહ્યાં.

‘આશ્રમ સાથે લેણદેણ પૂરી થઈ માસી...’ વધુ કંઈ કહ્યા વિના તે ઉંબરો ઓળંગી ગઈ...

હવે? ક્યાં જવું? શું કરવું?

પળમાં આ પ્રશ્નનો જવાબ ખોળી કાઢ્યો. પોલીસચોકીની વાટ પકડી. વળી તેને ભાળીને આસ્તિક ઊભો થઈ ગયો.

‘મારે તમારું કામ હતું આસ્તિક. મને ચમેલીબાઈનો નંબર જોઈએ. શું છે કે હું પણ હવે ધંધે બેસી રહી છું.’

હેં.

‘મારા ગુનાની સજા ખુદ કેમ ઓઢે છે અનામિકા?’

‘ગલત. તમારા અપરાધની સજા દેવા હું આ માર્ગે‍ જઈ રહી છું આસ્તિક, પણ એ અત્યારે તમને નહીં સમજાય... અને મને વારવાનું નાટક શા માટે? કદી મારા ગ્રાહક બનીને આવશો તો થોડું ડિસ્કાઉન્ટ તો આમ પણ કરી આપીશ.’

શબ્દોના ડામે દાઝ્યો હોય એમ આસ્તિક સિસકારી ઊઠ્યો, ‘હું તારી નજરમાંથી ઊતરી ચૂક્યો છું અનામિકા. મારી કોઈ વાત, કોઈ ખુલાસો તને નહીં સ્પર્શે; પણ એથી ચમેલીનો નંબર તને દઈને તારા વિનીપાતમાં નિમિત્ત હું તો નહીં જ બનું.’

‘નિમિત્ત તો તમે ઠરી ચૂક્યા આસ્તિક... મારી હવે પછીની એક-એક રાતના!’

હાડોહાડ ધિક્કાર દાખવીને અનામિકાએ મોં ફેરવી લીધેલું. ત્યાર પછી આસ્તિકને કોણે જોયો?

ચમેલીબાઈ સાચું કહેતી હતી. પૈસા ખવડાવીને રંગરેલી મનાવનારા છૂટી ગયા, કિસ્સો ભુલાઈ પણ ગયો! છેલ્લે એટલી જાણ હતી કે બદનામીથી ત્રાસેલો આસ્તિક ઘરબાર વેચીને ક્યાંક બીજે શિફ્ટ થયો છે, નોકરી પણ બદલી નાખી છે... ખેર, તે જ્યાં પણ હોય, હું કૅર્સ!

બાકી તેણે ચમેલીનો નંબર ન આપવાથી મારી શરૂઆત અટકવાની નહોતી... ધંધો શરૂ કરવાનો બીજો રસ્તો પણ હતો...

અનામિકાએ દાદરના ‘મનપસંદ’ ગેસ્ટહાઉસ પહોંચીને પાધરકું મૅનેજરને જ પૂછેલું : મને કોઈ ગ્રાહક શોધી આપશો?

પોલીસે જ્યાં દરોડો પાડ્યો, આસ્તિક જ્યાં રંગેહાથ ઝડપાયો એ ગેસ્ટહાઉસમાં આડા ધંધા ચાલતા જ હોય ને મૅનેજર એનો ભોમિયો હોય એ ધારણા ખોટી નહોતી. પહેલાં તો આધેડ વયના મૅનેજર શિવદાસાણીએ આનાકાની કરી, પણ અનામિકા તેને કન્વિન્સ કરી શકી : હું ગુપ્તચર નથી, મજબૂર યુવતી છું. પેટનો ખાડો પૂરવા મારી પાસે બીજો કોઈ ઉપચાર નથી રહ્યો...

ઠેઠ ત્યારે તેણે ગ્રાહકનો

બંદોબસ્ત કરી આપ્યો... કેવી હતી એ પહેલી રાત?

અનામિકાનાં કોરાં અરમાન સુહાગસેજ પર નહીં, ગેસ્ટહાઉસની ગંધાતી ઓરડીના ખખડધજ પલંગ પર કચડાયાં હતાં. પાંત્રીસેક વરસના બેડોળ શેઠિયાએ તેની નથ ઉતારવાનો ઓડકાર ખાધો ત્યારે અનામિકાની પાંપણે બે બૂંદ જામી ગઈ : આ મેં શું થવા દીધું, હું કયા માર્ગે વળી ગઈ? એક પુરુષની બેવફાઈનું વેર સમગ્ર પુરુષજાતિ સાથે લેવાની લાયમાં વેશ્યા બનવાનું પગલું કોઈને પણ ગળે કેમ ઊતરે!

નહીં.

પૈસા ચૂકવી ઘટતું કામ પતાવીને શેઠિયો ઘોરવા માંડ્યો કે અનામિકાની જ્વાળા ધગધગી : બીજાને જે લાગવું હોય એ લાગે, મને મારા ફેંસલામાં શ્રદ્ધા છે; જે ધાર્યું છે એ હું કરીને રહેવાની...

- એ યાદે અત્યારે પણ તમતમી ગઈ અનામિકા.

૦ ૦ ૦

અનામિકા કોલાબાના બંગલે જઈ રહી છે ત્યારે...

‘ડૅડી ત્રણ વીક માટે સિંગાપોર-જપાનની બિઝનેસ-ટૂરે ગઈ કાલે નીકળ્યા છે, તેમના પાછા આવતાં પહેલાં આપણે આપણા માર્ગનો કાંટો ખેરવી નાખવાનો છે!’ સ્ત્રીએ પુરુષને કહ્યું ને બેઉની જાણબહાર તેમના સંવાદ સાંભળતો તેનો પતિ નિ:fવાસ જ નાખી શક્યો!

(ક્રમશ:

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio