કથા-સપ્તાહ - રાતરાણી (મૈં કૌન હૂં... : ૧)

લગ જા ગલે...

 

kareena


અન્ય ભાગ વાંચો

1  |  2  |

 

- સમીત (પૂર્વેશ) શ્રોફ

સેલફોનમાં પોતાને બહુ ગમતું લતાજીનું ગીત પ્લે કરીને તે વરલીના સી-ફેસ ફ્લૅટની બાલ્કનીમાં ઊભી રહી.

આભમાં સંધ્યાની રતાશ ફેલાઈ હતી. દિવસભર અગનઝાળ વરસાવી આજનો ખેલ પૂરો કરતા હોય એમ સૂર્યદેવ સમંદરના પેટાળમાં પોઢવા જઈ રહ્યા હતા. અજવાળાની વિદાય ટાણે સમુદ્ર જાણે વધુ ગહન બની ગયો હતો.

પણ થોડી વારમાં ચંદ્ર ચાંદની રેલાવતો આવી પહોંચશે, તારલા ટમટમી ઊઠશે ને સૂરજના ડૂબવાનો કોઈને ગમ નહીં રહે... જિંદગીનો આ જ શિરસ્તો છે. કોઈ સુખની વિદાય તમને કાયમ રડાવતી નથી. હા, સુખનું જવું જીવનનો પ્રવાહ પલટી નાખે એવું બને ખરું...

જેમ મારી જિંદગીનું વહેણ બદલાયું...

હળવો નિ:શ્વાસ નખાઈ ગયો અનામિકાથી.

‘તું પરણીને જે ઘરમાં પણ જશે અનામિકા, ત્યાં સ્વર્ગ રચી દેશે.’

મલાડના બાલિકા આશ્રમનાં સંચાલિકા માધુરીબહેન કહેતાં... સમંદરને તાકતી અનામિકા પોતાની જીવનયાત્રા વાગોળી રહી:

સમજ ફૂટવાની ક્ષણ બહુ પીડાદાયક હતી અનામિકા માટે. પોતે અનાથ હતી, જેને પોતાનું ઘર સમજતી રહી એ અનાથ બાળાઓ માટેનો આશ્રમ હોવાનું સત્ય કાળજું ચીરી ગયેલો. આશ્રમમાં સૌ જેમને દાઈમા કહે છે એ માધુરીબહેન અમારાં મા નથી?

‘હું મા ખરી બેટા, પણ પાલક મા.’ ખોળામાં બેસાડીને વત્સલ માધુરીબહેને છ વરસની બાળકીનાં અશ્રુ લૂછેલાં, ‘દેવકી બનવાનું સૌભાગ્ય મને સાંપડ્યું નહીં, પણ તમારા સૌની જશોદા બન્યા પછી મને માતૃત્વની અધૂરપ લાગતી નથી.’

આનો ભાવાર્થ થોડી મોટી થઈ એ પછી સમજાયેલો અનામિકાને.

ઉત્તર ગુજરાતના ઇડર ગામે માધુરીબહેનનાં લગ્ન થયેલાં. પતિ, સાસુ, સસરા અને નણંદનો બહોળો પરિવાર હતો તેમનો. સાસરીમાં પોતાના ચાકરીગુણથી સૌનું મન જીતનારાં માધુરીબહેનને અઘરણી રહી ત્યારે સુખની ચરમસીમા વર્તાયેલી, પણ...

‘જોજે વહુ, અમને તો પહેલા ખોળે દીકરો જ જોઈએ.’ ગર્ભાવસ્થાના મહિના ઉમેરાતા ગયા એમ સાસુમાની મનસા બળજબરી બનતી ગઈ. સસરા-પતિના સૂર પણ એમાં ભળ્યા. નણંદની જાતિપરીક્ષણની સલાહ સામે માધુરી દલીલ કરતાં તો મારઝૂડ થવા લાગી. પિયરમાં માબાપ રહ્યાં નહીં એટલે બીજો આશરો પણ કોનો?

‘છતાં મેં ક્યારેય ઈશ્વરને મને દીકરો જ દેજોની પ્રાર્થના નહોતી કરી...’ અનામિકા સમક્ષ હૈયું હળવું કરતાં માધુરીબહેન ભાવુક બનતાં. હવે તેરની થયેલી, દૂર બેસતી થયેલી અનામિકા તેમની વિશેષ પ્રિય બની ગયેલી.

એનું કારણ હતું. અનાથ હોવાના સાક્ષાત્કાર પછી અનામિકાએ બહુ ઝડપભેર સત્ય સ્વીકારી લીધેલું : મારા પિતા મૃત્યુ પામ્યા, મને જન્મ આપીને મા સ્વર્ગે સિધાવતાં દવાખાનાવાળાએ મને અહીં ભરતી કરી તો મને માધુરીમા મળ્યાંને! માબાપે જાણીને મને ત્યજ્યાનું દુ:ખ નથી, પછી જે મળ્યું એ સુખને કેમ ન માણવું!

પરિણામે તે હસતી, રમતી, ટહુકતી રહેતી. ભણવામાં પણ હોશિયાર. પોતાનાથી નાની બાળકીઓનું ધ્યાન પણ રાખી જાણે. પ્રૌઢ વયનાં થયેલાં માધુરીબહેન તેની સાથે પોતાની જીવનઝરમર વહેંચી શકતાં.

‘ખેર, પછી જે ન થવું જોઈતું’તું એ જ થયું....’ માધુરીબહેન હાંફી જતાં, ‘કપટથી તેમણે મારું ગર્ભપરીક્ષણ કરાવ્યું ને અંદર દીકરી શ્વસતી હોવાનું જાણીને ઊંટવૈદ્ય પાસે ગર્ભપાત કરાવવાના થયા એમાં મેં ન જન્મેલી બાળકી સાથે મારું માતૃત્વ પણ હંમેશ માટે ગુમાવ્યું!’

અરેરેરે.. સંસારમાં આવા ઘાતકીઓ પણ વસે છે!

‘દુનિયા બહુ જાલિમ છે દીકરી. મા ન બની શકનારી હું સાસરિયાંને કશા ખપની ન રહી, ગડદાપાટુ મારીને મને હાંકી કઢાઈ... આ દુ:ખે પણ મને મરવા ન દીધી અનામિકા, કેમ કે મારી મમતા વરસ્યા વિનાની હતી. થોડુંઘણું ભટક્યા પછી અહીં મમત્વ વિખેરવાનો મોકો મળ્યો ને હું તમારા સૌની માધુરીમા બની ગઈ!’ તે ઉમેરતાં, ‘અહીં વસ્યા પછી મને કોઈ ફરિયાદ રહી નથી. એક દીકરી ગુમાવનારીને અનેક દીકરીઓનો સ્નેહ સાંપડ્યો એ નાનીસૂની વાત છે?’

તેમની હકારાત્મકતા વખાણવાયોગ્ય હતી, પણ અનામિકાને કશુંક ખટકતું. અઢાર-ઓગણીસના ઉંબરે એ ખટકો સ્પષ્ટ બનતો ગયો, ‘અમારા માટે તો એ લાભની વાત થઈ મા, પણ જેમણે તમને અપાર દુ:ખ દીધાં તેમને શું કામ બક્ષ્યા?’

તેના રોષ સામે મા મૃદુ મલકતાં, ‘આપણે બક્ષીએ કે ન બક્ષીએ, પાપીને તેનું પાપ બક્ષતું નથી... પાછલી ઉંમરે મારાં સાસુ-સસરા માંદગીમાં બહુ રિબાયાં. નવી પરણેતર લફરેબાજ નીકળતાં વગોવણીથી ત્રાસીને પતિદેવે કૂવો પૂર્યો ને નણંદ નાની વયે વિધવા થતાં તેના જીવનમાં પણ સુખ શું રહ્યું?’

અનામિકા ડોક ધુણાવતી, ‘નહીં મા, આ તો તેમનો ભાગ્યદોષ પણ હોય. આપણા ગુનેગારોને આપણે તેમના ભાગ્યના ભરોસે શું કામ છોડવા જોઈએ? તમારી જગ્યાએ હું હોત તો જેલના સળિયા પાછળ ધકેલ્યા હોત સૌને...’

તેને નિહાળી લઈને માધુરીબહેન અદૃશ્યને તાકતાં, ‘અત્યારે તું આમ કહી શકે અનામિકા, કેમ કે જે બંધને હું બંધાઈ હતી એમાં તું હજી જકડાઈ નથી...’

તેમના હોઠ થરથર્યા, ‘પ્રણયનું બંધન, સમર્પણનું બંધન!’

અનામિકા સ્તબ્ધ. તેના અંગે યૌવન પુરબહાર મહોરી ચૂકેલું. આયનો તેની ખૂબસૂરતીની ગવાહી દેતો. હૃદયમાં ઊઠતાં મીઠાં સ્પંદનો ઠંડી રાત્રિની બેકરારી વધારી દે એ અવસ્થા હવે સાવ નવી નહોતી તેના માટે.

આમ પણ કન્યા ૨૦-૨૧ની થાય કે તેને પરણાવી દેવાનો આશ્રમનો રિવાજ હતો. મોટા ભાગે સમૂહલગ્નમાં તેમનો મેળ પડતો. એ સુખ જેવુંતેવું નહોતું. પોતાના સંસારમાં પરોવાયા પછી ભાગ્યે જ કોઈ આશ્રમ તરફ જોતું. માધુરીમાની એમાં સંમતિ હતી : નવું સુખ માણવાને બદલે શીદ અનાથપણાને સાંભરીને દુ:ખી થવું?

એ હિસાબે પોતે પણ વરસેકમાં વિદાય લેવાની થશે. એમ હું પણ પતિનો સ્નેહ પામીશ એ કલ્પના રોમાંચ જગાવી જતી.

પણ એ પ્યાર બંધન બનીને પ્રિયજનની ગુસ્તાખી પણ ક્ષમ્ય બનાવી દેતો હશે? હું નથી માનતી, નથી સ્વીકારતી.

‘સ્વીકારીશ પણ નહીં અનામિકા... સ્ત્રીત્વનો, સન્માનનો ભોગ માગે એ પ્યાર ન હોય એની સમજ મને મોડી ફૂટી. બાકી પતિના પહેલા તમાચે મેં અવાજ ઉઠાવ્યો હોત તો કદાચ મારી જીવનગાથા પણ જુદી હોત... ’ કહીને તે અનામિકાના માથે હાથ ફેરવતાં, ‘ઈશ્વર કરે તારી સાથે આવું કંઈ ન થાય. તને પ્યારના બદલામાં વધુ પ્યાર જ મળે.’

આમ જુઓ તો માધુરીમાના આર્શીવાદ અડધા સાચા પડ્યા ગણાય... મને પ્યાર મળ્યો, પણ ફળ્યો નહીં!

અત્યારે પણ એની કડવાશ ઘૂંટતી અનામિકાના ચિત્તમાં નામ ઝબૂક્યું : આસ્તિક! ધૂંધવાતા હૈયે તે વાગોળી રહી :

સાડાત્રણ-ચાર વરસ અગાઉની વાત. આસ્તિકના મેળાપમાં નિમિત્ત બની હતી માધુરીમાની માંદગી... સારવાર માટે તેમણે પખવાડિયું આશ્રમ નજીકની હૉસ્પિટલમાં રહેવું પડ્યું ને તેમની ચાકરીની જવાબદારી અનામિકાએ સંભાળી હતી.

આશ્રમની અનાથ બાળામાં આવી સૂઝ! માના સેમી-સ્પેશ્યલ રૂમમાં રહેતાં બીજા બેડ પરનાં પેશન્ટ એવાં સુલોચનાબહેન અનામિકા વિશે જાણીને પ્રભાવિત બન્યાં : અનામિકા ઓશિયાળી નથી, આત્મવિશ્વાસુ છે; તેનામાં ભારોભાર આત્મસન્માન પણ છે...

આસ્તિક તેમનો દીકરો.

‘હમણાં જ એન્જિનિયર થયો. મલ્ટિનૅશનલમાં કામ કરે છે. મારા પતિના દેહાંત બાદ અમે મા-દીકરો જ છીએ સંસારમાં. ઈશ્વરકૃપાથી સ્થિતિ સધ્ધર છે...’ અવંતિકાબહેનનો જીવ માધુરીમા સાથે ભળી ગયો હતો. તેમની વાતો મૂક શ્રોતા જેવી અનામિકા સાંભળતી રહેતી. ‘અહીં સ્પેશ્યલ રૂમ ખાલી હોત તો ત્યાં જ રોકાણી હોત... પણ હવે મેં આસ્તિકને કહ્યું છે કે મારે આવો સારો પાડોશ છોડવો નથી!’

‘માસી, હવે ચૂપ.’ અનામિકાએ કહેવું પડતું. ‘ડૉક્ટરે વાતોની મનાઈ કરી છેને.’

તેની મીઠી વઢ પણ તેમને ગમતી. નોકરીને કારણે આસ્તિક મોડી સાંજ પછી જ આવી શકતો. માને સાચવતી અનામિકા પ્રત્યે તેને ભાવ જાગ્યો, ‘તમારા કારણે મને માની ચિંતા નથી.’

ચોવીસેક વરસનો અત્યંત સોહામણો જુવાન મિલનસાર હતો. આનંદી એવો કે તેની હાજરીથી હોઠો પર સ્મિત આવી જાય. રોજ સાંજે આવે ત્યારે ઢગલાબંધ ફ્રૂટ્સ માધુરીમા માટે પણ લેતો આવે. સંસ્કાર છૂપા ન રહે.

રાત્રે બેઉ પેશન્ટ્સના પોઢી ગયા બાદ બહાર કૉરિડોરમાં કૉફી પીતાં-પીતાં બન્ને વચ્ચે ઘણી વાતો થતી. ધીરે-ધીરે એમાં આત્મીયતા ભળવા માંડી. માધુરીમાને ડિસ્ચાર્જ મળ્યો ત્યારે અનામિકાએ આસ્તિકને કહ્યું હતું : અવંતિકામાની ચિંતા ન કરશો. હું છુંને તેમને જોવાવાળી...

અને ખરેખર તેણે સ્વજનની ખોટ વર્તાવા ન દીધી. મા-દીકરો એથી અભિભૂત થયાં. માધુરીમાથી કશું છૂપું નહોતું.

‘હું તો કહેતી જ હોઉં છું કે અનામિકા પરણીને જે ઘરમાં પણ જશે ત્યાં સ્વર્ગ રચી દેશે. આવી ચાકરી તો દીકરી કરે ક્યાં વહુ.’ હૉસ્પિટલમાં ખબર કાઢવા આવતાં રહેતાં માધુરીમાએ દાણો ચાંપ્યો ને અવંતિકાબહેને ઇશારો ઝડપી લીધો.

‘મારે પણ એ જ કહેવું હતું બહેન, તમારી દીકરીને મારી વહુ બનાવી દો!’

અનામિકા શરમાઈને બહાર દોડી ગયેલી. હૈયું આખું તો ધડક-ધડક થઈ રહ્યું. 

માના કહેણમાં દીકરાની પણ સંમતિ ભળી. સાંજે અનામિકાને હૉસ્પિટલથી આશ્રમ મૂકવા જતાં આસ્તિકે અંતર ઉઘાડ્યું હતું, ‘હું તને ચાહવા લાગ્યો છું અનામિકા. તારો સાથ મારું સદ્ભાગ્ય હશે.’

આમાં દંભ નહોતો લાગ્યો,

બનાવટ નહોતી લાગી. લજ્જાસભર અનામિકાએ હકાર ભણતાં કેવો ખીલી ઊઠuો હતો આસ્તિક!

બન્નેની માતાઓ પણ રાજી થઈ, પરંતુ બેઉના નસીબમાં કદાચ આ દિવસ જોવાનો લખાયો નહોતો... અવંતિકામા સાજાં ન થયાં ને માધુરીમાની માંદગીએ ઊથલો મારતાં તેમણે પણ પ્રાણ ત્યજ્યા. ઉપરાઉપરી આઘાતે શોકમગ્ન જુવાન હૈયાંએ એકમેકને જાળવી જાણ્યાં. અનામિકા ઘણી વાર આસ્તિકના મલાડના ઘરે જતી. બહુ લક્ઝુરિયસ ફ્લૅટ હતો તેનો. માની વિદાય પછી ઉદાસ આસ્તિક ક્યારેક મૂંઝાયેલા પણ લાગતા. મંડી પડું ત્યારે એટલું કહેતા કે બહુ એકલવાયું લાગે છે...

‘તો ચાલો, પરણી જઈએ...’ અનામિકા કહેતી, પણ આસ્તિક ટાળી જતો. કદાચ માની વિદાય હજીયે ૫જવતી હોય...

પણ માના અવસાનને હવે તો ત્રણ મહિના વીતી ચૂક્યા છે... આસ્તિકને પૂછીને અનામિકા વિવાહનું શુભ મુરત કઢાવવાનું વિચારતી હતી ત્યાં....

રોજની જેમ એ સવારે આશ્રમના સંચાલકની ઑફિસમાં મૂકેલા માધુરીમાના ફોટોને પુષ્પહાર ચડાવીને અનામિકા કૅબિનની બહાર નીકળી કે સંચાલિકા તરીકે નવી નિમણૂક પામેલાં સરોજબહેન ભટકાઈ ગયાં. સરોજબહેન પ્રેમાળ ખરાં, પણ મારાં મા તો મા જ!

‘હું તને જ શોધતી હતી અનામિકા.’

તેમનું મુખ ગંભીર હતું. સાદગીમાં માનનારાં, એકલપંડા વિધવા એવાં સરોજબહેન આમેય થોડાં ધીરગંભીર પ્રકૃતિનાં.

‘તેં આજનું અખબાર વાંચ્યું?’

‘ના.’ અનામિકાને દેશ-દુનિયાની ખબરમાં રસ પણ નહોતો, ‘મારે મોડું થાય છે માસી, જઈને આસ્તિકને મળવાનું છે.’

તેમની પ્રણયગાથા આશ્રમમાં

છૂપી-છાની નહોતી. માધુરીમાના જેમાં આશિષ રહ્યા હોય એ ઘટના છુપાવવી પણ કેમ? સરોજબહેન પણ આસ્તિકને મળી ચૂક્યાં છે...

‘તે તને આજે બહાર નહીં મળે.’

અનામિકા ચમકી. સરોજબહેન કેવું ખાતરીપૂર્વક બોલી ગયાં!

‘સિવાય કે તું તેને જામીન પર છોડાવે.’

જા....મી...ન... અનામિકા ખળભળી ગઈ, ‘આ તમે શું કહો છો માસી?’

‘હું નહીં આજનું છાપું બોલે છે.’ હાથ પકડીને અનામિકાને ટેબલ તરફ દોરી તેમણે સવારનાં છાપાં ઉખેળ્યાં, ‘આપણી કૅન્ટીનમાં મેં મહારાજને ગૉસિપ કરતા સાંભળ્યા... વિશ્વાસ ન બેઠો. પણ....’

તેમનાં વાક્યો અનામિકાનું ભીતર થથરાવી રહ્યાં. આખરે થયું છે શું?

‘આ જો...’ અંદરના પાનાની

બૉક્સ-આઇટમ તેમણે દેખાડી, ‘વાંચ.’

ધþૂજતા હાથે અનામિકાએ અખબાર ગ્રહ્યું. ચીંધેલા સમાચારના મથાળા પર નજર પડતાં કીકી પહોળી થઈ, ‘દાદરના ‘મનપસંદ’ ગેસ્ટહાઉસ પર દરોડો. ચાર યુગલ કઢંગી અવસ્થામાં ઝડપાયાં!’

- અને એ ચાર જુવાનોમાં એક નામ આસ્તિક મહેતાનું હતું! એ એક ઘટનાએ મારો જીવનપ્રવાહ જ બદલી નાખ્યો... ખાનદાન કુટુંબની વહુ બનવા માગતી હું રાતની રાણી - વેશ્યા બનીને રહી ગઈ!

એ યાદે અત્યારે પણ સમસમી ગઈ અનામિકા.

ત્યાં મોબાઇલમાં બજેલા અલાર્મે સમયની પાબંદી યાદ અપાવી : મારે હવે નીકળવું જોઈએ... ક્લાયન્ટના કોલાબાના બંગલે પહોંચતાંમાં સમય પણ લાગશે... વધુ એક રાત માટે રાતની રાણી બની જાઓ અનામિકાદેવી.

ફટાફટ તૈયાર થઈને તેણે દમ ઘૂંટ્યો : હું આવી રહી છું મિસ્ટર આનંદમૂર્તિ. આજે જે કંઈ બનવાનું એ જોઈને તમે ડઘાઈ જવાના!

(ક્રમશ:)

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio