રોકાણકારો શૅરબજારની તેજીમાં સાવચેત રહે : BSE

રોકાણકારોને પેની સ્ટૉક્સથી દૂર રહીને સારી કંપનીઓમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો અનુરોધ

BSE1

સેન્સેક્સ ગઈ કાલે ૩૦,૦૦૦ની સપાટી ક્રૉસ કરીને એની ઉપર બંધ આવ્યા બાદ શૅરબજારમાં તેજીના માહોલને ધ્યાનમાં રાખીને BSEએ રોકાણકારોને સાવધ અને સાવચેત રહેવાને અનુરોધ કર્યો છે. આ તેજીના સમયમાં યુફોરિયામાં તણાઈ ન જવાનું જણાવીને BSEના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આશિષ ચૌહાણે કહ્યું હતું કે ‘રોકાણકારો આવા સમયમાં પેની સ્ટૉક્સ પ્રત્યે ખેંચાઈ ન જાય એ માટે સાવધ રહે એ જરૂરી છે. આવા સમયમાં માર્કેટમાં વધુ જાગૃતિ અને અવેરનેસ રાખવી પડતી હોય છે, જ્યાં ઑપરેટરો રોકાણકારોને આકર્ષવા તેજીનો લાભ લઈને જુદી-જુદી રમત રમતા હોય છે.’

આશિષ ચૌહાણે કહ્યું હતું કે રોકાણકારો સારી કંપનીઓમાં જ રોકાણ કરવાનો અભિગમ રાખે, અન્યથા મ્યુચ્યુઅલ ફન્ડ્સ મારફત આગળ વધી શકે છે.

BSEનું માર્કેટ-કૅપ પણ ગઈ કાલે એની નવી ઊંચી સપાટી પર પહોંચીને ૧૨૪.૮૩ લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગયું હતું.

BSE

આર્થિક વિકાસ, સ્થાનિક તેમ જ વિદેશી રોકાણકારોનો સતત પ્રવાહ સહિતનાં વિવિધ કારણોસર શૅરબજાર તેજીના ટ્રેન્ડ સાથે આગળ વધી નવી ઊંચાઈ હાંસલ કરી રહ્યું છે ત્યારે ગઈ કાલે BSEએ કામકાજના કલાકો બાદ તેજી નિમિત્તે નવા વિક્રમોની ઉજવણી પણ કરી હતી. આ દરમ્યાન આશિષ ચૌહાણે પત્રકારો સાથેની વાતચીતમાં રોકાણકારોને સંબોધતાં કહ્યું હતું કે આ સમયમાં પેની સ્ટૉક્સ તેમ જ ફ્લાય બાય નાઇટ ઑપરેટરો અને કંપનીઓના શૅરોથી દૂર રહેવું જોઈએ.

હજી બજાર માટે વધુ સારો સમય આવવાની આશા જણાવતાં આશિષ ચૌહાણે કહ્યું હતું કે ‘તેજીને જોઈ વધુ ને વધુ રોકાણકારો બજાર તરફ ખેંચાશે. આ સંજોગોમાં તેમણે સજાગતા અને વિવેક સાથે રોકાણ કરવાનો નિર્ણય લેવો સલાહભર્યું રહેશે.’

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio