કૅપિટલ માર્કેટ અને કૉમોડિટી માર્કેટને વેગ આપવા સેબીના સંખ્યાબંધ નિર્ણય

મ્યુચ્યુઅલ ફન્ડની યોજનામાં ઈ-વૉલેટ મારફત રોકાણ કરી શકાશે, IPOનાં નાણાંના વપરાશ પર દેખરેખ માટે મૉનિટરિંગ એજન્સી, NBFCને પ્રોત્સાહન, બ્રોકરોને યુનિફાઇડ લાઇસન્સમૂડીબજાર-કૉમોડિટી માર્કેટની નિયમન સંસ્થા સેબીની બુધવારે મળેલી બોર્ડ મીટિંગમાં એકસાથે સંખ્યાબંધ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં અમુક નિર્ણય એવા હતા જેની લાંબા સમયથી પ્રતીક્ષા હતી. બ્રોકરોને યુનિફાઇડ લાઇસન્સ, મ્યુચ્યુઅલ ફન્ડમા ઈ-વૉલેટ મારફત રોકાણ, કૉમોડિટી માર્કેટમાં ઑપ્શન્સ ટ્રેડિંગની છૂટ, નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ (NBFC)ને પ્રોત્સાહન મારફત IPO માર્કેટને વેગ, ડેટ સાધનોની બજારને પ્રોત્સાહન, IPOના ફન્ડ વપરાશ પર મૉનિટરિંગ એજન્સી વગેરે જેવા નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ વખતની સેબી બોર્ડની મીટિંગ નવા ચૅરમૅન અજય ત્યાગીની પ્રથમ બોર્ડ મીટિંગ હતી, જેમાં આ તમામ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ

હવે પછી રોકાણકારો મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં રોકાણ કરવા માટે ઈ-વૉલેટનો ઉપયોગ કરી શકશે આ પ્રકારનો નિર્ણય સેબી દ્વારા લેવામાં આવ્યો છે. હાઉસહોલ્ડ સેવિંગ મ્યુચ્યુઅલ ફન્ડના માધ્યમથી મૂડીબજાર તરફ વળે એ હેતુ સાથે સેબીએ આ વિષયમાં પોતાનું ક્લિયરન્સ આપી દીધું છે. સેબી બોર્ડની બુધવારે યોજાયેલી મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ રોકાણ માટે ઇન્સ્ટન્ટ ઍક્સેસ ફૅસિલિટીનો ઉપયોગ કરવામાં આવશે. ઍસેટ મૅનેજમેન્ટ કંપની (AMC) રોકાણકારોને આ સુવિધા ઑફર કરશે.

કેટલી રકમ સુધી

સેબીએ આપેલી મંજૂરી મુજબ AMC અને મ્યુચ્યુઅલ ફન્ડ એની લિક્વિડ સ્કીમમાં રહીશ ભારતીયોને ૫૦,૦૦૦ અથવા ફોલિયો વૅલ્યુના ૯૦ ટકા, જે ઓછી હોય એ રકમ સુધી આ ઈ-વૉલેટની સુવિધા ઑફર કરી શકે છે. આ સુવિધા ઑફર કરવા માટે AMC ધિરાણ લઈ શકશે નહીં. AMCએ લિક્વિડિટીની ડિમાન્ડ પૂરી કરવાનું ખાસ મેકૅનિઝમ ઊભું કરવાનું રહેશે. જોકે પેમેન્ટ બૅન્ક સાથે મળી આવી વ્યવસ્થા ઊભી કરી શકાય છે. આ માટે રિઝર્વ બૅન્કની મંજૂરી મેળવવી જોઈશે. સેબીના જણાવ્યા અનુસાર હાલમાં જ મ્યુચ્યુઅલ ફન્ડ આવી સુવિધા ઑફર કરે છે. એમણે પોતાની મર્યાદા ૫૦,૦૦૦ સુધી લાવવી જોઈશે અને લિક્વિડ સ્કીમ સિવાયની સ્કીમમાં આવી સુવિધા અપાતી હોય તો સેબીના સર્ક્યુલરના એક મહિનામાં એ  બંધ કરી દેવી પડશે.

ચોક્કસ શરતો

સેબીએ ઈ-વૉલેટ ફૅસિલિટી માટે અમુક ખાસ ધોરણો પણ ઘડ્યાં છે, જે અનુસાર માત્ર વરસે પચાસ હજાર સુધીનું રોકાણ જ આ માર્ગે થઈ શકશે. જોકેએનું રિડમ્પ્શન માત્ર રોકાણકારનાબૅન્ક-અકાઉન્ટમાં જ થઈ શકશે. ઈ-વૉલેટ કંપની આમાં રોકાણકારોને કૅશ બૅક સહિતનાં કોઈ ઇન્સેન્ટિવ્સ આપી શકશે નહીં તેમ જ આ ઈ-વૉલેટ મારફત રોકાણ કરવા માટે જે ફન્ડ ટ્રાન્સફર થશે એે માત્ર મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ માટે જ વાપરી શકાશે, અન્ય હેતુસર નહીં.

કૉમોડિટીઝમાં ઑપ્શન્સ ટ્રેડિંગ


આ ઉપરાંત સેબીએ બજેટમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ કૉમોડિટીઝ માર્કેટમાં ઑપ્શન્સ ટ્રેડિંગને મંજૂરી આપી છે, જેની લાંબા સમયથી આ માર્કેટ રાહ જોઈ રહ્યું હતું. આ મંજૂરીને અગ્રણી કૉમોડિટી એક્સચેન્જિસે વધાવી લીધી છે અને આને પગલે વૉલ્યુમમાં વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરી છે. આ માટેની વિગતવાર માર્ગરેખા સેબી પછીથી બહાર પાડશે.

NBFCને નવો દરજ્જો

વધુમાં NBFCને પ્રોત્સાહન માટે સેબીએ તેમને ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યુશન બાયર્સ (QIB)ની કૅટેગરીમાં સ્થાન આપ્યું છે, જે NFBC રિઝર્વ બૅન્કમાં રજિસ્ટર્ડ હશે તેને આ સુવિધા મળશે. આ સુવિધા અત્યારે વીમા કંપનીઓ અને મ્યુચ્યુઅલ ફન્ડને મળે છે, જેથી તેઓ IPOઓમાં  ચોક્કસ ફાળવણી મેળવી શકે છે. હવે પછી આ સવલત NBFCને પણ મળતાં તેઓ પણ IPOમાં વધુ ફાળવણી માટે તક અજમાવી શકશે, કારણ કે તેમને QIBનો દરજજો મળશે. આમ થવાથી IPO લાવતી કંપનીઓને પણ લાભ થશે. આ સાથે IPO માર્કેટ વધુ મજબૂત બનશે. જોકે ૫૦૦ કરોડ રૂપિયાથી વધુ નેટવર્થ ધરાવતી NBFCને જ આ લાભ મળશે. આ ઉપરાંત સેબીએ પ્રેફરન્શિયલ અલૉટમેન્ટ માટે શિડ્યુલ્ડ બૅન્કો અને નાણાસંસ્થાઓને પણ  પાત્ર ઠરાવી  છે. આની પાછળનો એક ઉદ્દેશ બૅન્કોની NPA સામેની લડત મજબૂત બનાવવાનો પણ છે.

IPO માટે મૉનિટરિંગ એજન્સી

IPOનાં નાણાં ઊભાં કર્યા બાદ ક્યાં અને કઈ રીતે વપરાય છે એ નોંધવું મહત્વનું હોવાનું ધ્યાનમાં રાખીને સેબીએ હવે આ નાણાંના વપરાશ પર દેખરેખ રાખવા માટે મૉનિટરિંગ એજન્સી નીમવાની ફરજ પાડી છે. ૫૦૦ કરોડથી મોટી સાઇઝના ઇશ્યુ માટે આ લાગુ પડશે. આ એજન્સીની નિમણૂક જયાં ઇશ્યુ સાઇઝ ૧૦૦ કરોડથી વધુ હશે ત્યાં લાગુ પડશે. જોકે ઑફર ફોર સેલનો ભાગ આમાંથી બાકાત રહેશે. આ એજન્સીએ છ મહિનાને બદલે હવે દર ત્રણ મહિને એનો રિપોર્ટ સુપરત કરવાનો રહેશે. આ રિપોર્ટ સબંધિત કંપનીની  વેબસાઇટ અને સ્ટૉક એક્સચેન્જની વેબસાઇટ પર પણ મૂકવાનો રહેશે, જેથી મહત્તમ લોકો એને જોઈ શકે. એજન્સીએ કંપનીના મૅનેજેમન્ટ અને બોર્ડ ઑફ ડિરેક્ટર્સ પર કમેન્ટ કરવાની રહેશે. 

ડેટ માર્કેટ

સેકન્ડરી માર્કેટમાં પ્રવાહિતા વધે એ માટે સેબીએ ડેટ સિક્યોરિટીઝના રીઇશ્યોઅન્સ માટે માળખું તૈયાર કરવાનો નિર્ણય પણ લીધો છે, જેમાં વિવિધ સ્વરૂપના ડિબેન્ચર્સ અને બૉન્ડ્સનો સમાવેશ થાય છે.

ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર

ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સના રેગ્યુલેશનમાં સુધારા કરી સેબીએ ઑફશૉર ડેરિવેટિવ સાધનોમાં રહીશ ભારતીય, બિનરહીશ ભારતીયના રોકાણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ માર્ગે સેબી પાર્ટિસિપેટરી નોટ્સ (પી-નોટ્સ)માં થતા રોકાણ પર અંકુશ લાવવા માગે છે.

યુનિફાઇડ લાઇસન્સ

આ ઉપરાંત જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી એ ઇક્વિટી અને કૉમોડિટી માર્કેટ બન્નેમાં કામ કરતા બ્રોકરને હવે પછી સેબી એક છત્ર હેઠળ ગણવાનું શરૂ કરશે., અર્થાત અત્યારે આવા સભ્યે બન્ને માર્કેટ માટે જુદી-જુદી હસ્તી રાખવી પડે છે, જુદાં લાઇસન્સ લેવાં પડે છે, જ્યારે કે હવે જયારે સેબી અને કૉમોડિટી માર્કેટ રેગ્યુલેટર ફૉર્વર્ડ માર્કેટ કમિશનનું મર્જર થઈ ગયું છે અને અત્યારે જ્યારે એકલું સેબી જ બન્ને બજારો અને એના મધ્યસ્થીઓનું નિયમન કરે છે ત્યારે બન્ને એકછત્ર  હેઠળ એક નામે કે યુનિફાઇડ લાઇસન્સ  સાથે કામ કરી શકે છે. આ પગલાથી બ્રોકર તમામ સેગમેન્ટમાં એક નામે ભાગ લઈ શકશે, પરિણામે બિઝનેસ કરવાનું સરળ  બનશે. જોકે આ માટે ચોક્કસ ધોરણો ઘડાશે. આ પગલાથી શૅરદલાલો, સ્ટૉક એક્સચેન્જ, કૉમોડિટી એક્સચેન્જ માટે પણ સુવિધા અને  રાહત થશે.

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio