“હવે હિન્દુઓના અગ્નિસંસ્કાર પર બૅન આવશે”

દિવાળી પર ફટાકડા ફોડવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ત્રિપુરાના ગવર્નર ભડક્યા

 

 

tathagata


સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર વારંવાર વિવાદાસ્પદ બયાનો પોસ્ટ કરવા માટે જાણીતા ત્રિપુરાના રાજ્યપાલ તથાગત રૉયે ટ્વિટર પર વધુ એક પોસ્ટ મૂકીને ઊહાપોહ જગાવ્યો છે. વિવાદાસ્પદ બયાનમાં તથાગત રૉયે જણાવ્યું છે કે સર્વોચ્ચ અદાલતે ફટાકડા ફોડવા અને વેચવા પર પ્રતિબંધ મૂક્યા પછી હવે પ્રતિબંધ મૂકવાની હરોળમાં હિન્દુઓની મરણોત્તર અગ્નિસંસ્કારની પ્રથા હોઈ શકે છે.

સર્વોચ્ચ અદાલતના ચુકાદાના અનુસંધાનમાં એક પછી એક હિન્દુ તહેવારો અને વિધિવિધાનોને નિશાન બનાવવાને કોમવાદી કાવતરું ગણાવતાં તથાગત રૉયે ટ્વિટરની પોસ્ટમાં લખ્યું હતું કે ‘પહેલાં દહીહંડી અને હવે ફટાકડા. આ નિયંત્રણો અને પ્રતિબંધોની હરોળમાં આગળ શું હશે એ નક્કી નથી. અવૉર્ડ-વાપસી બ્રિગેડ અને મીણબત્તી-મોરચા કાઢનારાઓ કદાચ હિન્દુઓના મરણોત્તર અગ્નિસંસ્કારની વિધિ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરે એવી શક્યતા નકારી ન શકાય.’

તથાગત રૉયે મીડિયાને જણાવ્યું હતું કે ‘હિન્દુ તરીકે ફટાકડા ફોડવા પર પ્રતિબંધથી ખેદ થાય, પરંતુ મેં મારી બંધારણીય મર્યાદાઓ ઓળંગી નથી. મને મારો અભિપ્રાય વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે.’

દિલ્હીમાં વકરતી વાયુપ્રદૂષણની સમસ્યાથી તમે ચિંતિત નથી? એવા સવાલના જવાબમાં તથાગત રૉયે જણાવ્યું હતું કે હું પરિસ્થિતિ જાણું છું, પરંતુ દિવાળી વર્ષમાં ફક્ત એક વખત આવે છે.

સોમવારે સર્વોચ્ચ અદાલતે દિલ્હી-NCRમાં પહેલી નવેમ્બર સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ જાહેર કર્યો હતો. ગયા વર્ષે દિલ્હી શહેરના વાતાવરણમાં ઝેરી ધુમાડો ફેલાયો હતો. એ ઘટનાનું પુનરાવર્તન ટાળવા માટે ફટાડકાના વેચાણ પર અને ફોડવા પર પ્રતિબંધ જાહેર કરતાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે એકાદ દિવાળીમાં આપણે ફટાકડા વગરની ઉજવણીનો અનુભવ લેવો જોઈએ.

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio