ફટાકડાના મામલે કડાકાભડાકા

સુપ્રીમ કોર્ટે દિવાળીના તહેવાર નિમિત્તે દિલ્હીના એનસીઆરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવતા દેશભરમાં ઉઠાવા લાગ્યા વિરોધના સૂર

 

firecrackers


દિલ્હી પછી મહારાષ્ટ્રમાં પણ ફટાકડા પર પ્રતિબંધ?

દિલ્હી બાદ હવે મહારાષ્ટ્રમાં પણ ફટાકડા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે એવી શક્યતા નિર્માણ થઈ છે. ફટાકડા પર પ્રતિબંધ બાબતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચા કરીને ફાઇનલ નિર્ણય લેવામાં આવશે એવી માહિતી આપતાં પર્યાવરણપ્રધાન રામદાસ કદમે રાજ્યમાં આવો પ્રતિબંધ મૂકવામાં આવે એના સંકેત આપ્યા છે. બીજી તરફ તેમની જ પાર્ટી શિવસેનાના નેતા સંજય રાઉતે ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવા સામે વિરોધ વ્યક્ત કર્યો છે. એને કારણે ફટાકડાના પ્રતિબંધ પર શિવસેનામાં જ બે ભાગ પડ્યા હોવાનું જણાઈ રહ્યું છે.

સુપ્રીમ કોર્ટે મંગળવારે દિલ્હીમાં ફટાકડાના વેચાણ પરનો પ્રતિબંધ કાયમ રાખ્યો છે. દિલ્હીમાં પહેલી નવેમ્બર સુધી ફટાકડાના વેચાણ પર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધનો આદેશ આપવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રમાં પણ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી રહી છે. પ્રદૂષણમુક્ત દિવાળી ઊજવવાથી રાજ્યમાં હવામાન સુધરશે અને આખરે ખેડૂતોને જ આનો ફાયદો થશે એવું રામદાસ કદમે કહ્યું છે.

  • રાજ્યના પર્યાવરણ ખાતાના પ્રધાને પ્રતિબંધ મૂકવાનો વિચાર હોવાનો આપ્યો સંકેત


બીજી તરફ ગઈ કાલે મુંબઈમાં રાજ્ય સરકાર તરફથી પ્રદૂષણમુક્ત દિવાળી સંકલ્પ અભિયાન ૨૦૧૭નું આયોજન કરવામાં આવ્યું હતું. ફટાકડાને કારણે હવા અને અવાજનું પ્રદૂષણ મોટા પ્રમાણમાં થાય છે. એ માટે વિદ્યાર્થીઓમાં જનજાગૃતિ ફેલાવવા માટે રાજ્યના પર્યાવરણ વિભાગે આ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ મંત્રાલયમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં વિદ્યાર્થીઓને પ્રદૂષણમુક્ત દિવાળી ઊજવવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે ‘અનેક ફૅમિલી ફટાકડાના ધંધા પર આધારિત છે. તેમના કાનૂની અધિકારો શા માટે છીનવી લેવામાં આવે છે? આખરે તેઓ લાઇસન્સ ધરાવતા વિક્રેતાઓ છે. આપણે જોઈ રહ્યા છીએ કે હાઇવેની આસપાસની હોટેલોમાં દારૂ પર લગાવેલા પ્રતિબંધનું શું પરિણામ છે. લોકો તેમની નોકરી ગુમાવી રહ્યા છે અને બિઝનેસમેન તેમનો ધંધો.’

*****

ફટાકડા શું ફક્ત વૉટ્સઍપ પર જ ફોડવાના? : રાજ ઠાકરે

ફટાકડાના વેચાણના વિવાદમાં MNSના અધ્યક્ષ રાજ ઠાકરેએ પણ ઝંપલાવ્યું હતું અને હિન્દુ તહેવાર પર જ પ્રતિબંધ કેમ એવો સવાલ કરીને ફટાકડા શું ફક્ત વૉટ્સઍપ પર જ ફોડવાના એવી પ્રતિક્રિયા આપી છે.

ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવા બાબતે મારો સખત વિરોધ છે એવું રાજ ઠાકરેએ કહ્યું હતું. દિવાળીનો તહેવાર જેવી રીતે ઊજવવામાં આવે છે એવી જ રીતે લોકોએ ઊજવવો જોઈએ અને ફટાકડા પર જો પ્રતિબંધ મૂકવામાં આવશે તો દિવાળીની ઉજવણી કેવી રીતે કરી શકાશે એવો પ્રશ્ન પણ તેમણે કર્યો હતો.

રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘સિનિયર સિટિઝનોને જ્યાં ત્રાસ થાય છે ત્યાં ફટાકડા ફોડવામાં લોકોએ ધ્યાન રાખવું જોઈએ, પરંતુ વર્ષોથી ઊજવવામાં આવતા તહેવાર પર આવી રીતે બંધનો મૂકવાનાં હોય તો બધા તહેવારો કાયમી ધોરણે બંધ કરી નાખો અને બધા તહેવારોની રજાઓ પણ રદ કરી નાખો. આગામી દિવસોમાં ફટાકડા પણ વૉટ્સઍપ પર જ ફોડવાના? વાસ્તવમાં તો સુપ્રીમ કોર્ટે આતંકવાદીઓને કહેવું જોઈએ કે અહીં બૉમ્બ ન ફોડો.’


*****

બકરી ઈદે બકરાઓની કુરબાની પર મનાઈ ફરમાવી શકાય? : ચેતન ભગત

સોશ્યલ મીડિયા પર સંખ્યાબંધ લોકોએ સર્વોચ્ચ અદાલતના ચુકાદા સામે વિરોધ દર્શાવ્યો હતો. ઘણા લોકોએ એ ચુકાદાને ઇસ્લામી કાયદા જેવો વર્ણવ્યો હતો. ઇંગ્લિશ નૉવેલિસ્ટ ચેતન ભગતે જણાવ્યું હતું કે દિવાળીમાં ફટાકડા વેચવા અને ફોડવા પર પ્રતિબંધ મૂકતો ચુકાદો ક્રિસમસના દિવસે ક્રિસમસ ટ્રી પર પ્રતિબંધ અને બકરી ઈદના દિવસે બકરીઓની કતલ પર પ્રતિબંધ સમાન છે.

ચેતન ભગતે જણાવ્યું હતું કે ‘પ્રદૂષણને નાથવા માટે વધારે સારા ઉપાયો છે. વર્ષમાં દિવાળીનો એક જ દિવસ હોય છે. આપણો સૌથી મોટો તહેવાર દિવાળી છે. પ્રદૂષણ ડામવાના નવા ઉપાયો શોધો. પ્રતિબંધો મૂકવાથી કંઈ નહીં વળે. જે લોકો દિવાળી જેવા તહેવારમાં સુધારો લાવવા ઇચ્છે છે એ લોકોએ લોહિયાળ અને કમકમાટીભર્યા તહેવારોમાં પણ સુધારા લાવવામાં એટલો જ જોશ અને ઉત્સાહ બતાવવાની જરૂર છે.’


*****

રેસિડેન્શ્યલ વિસ્તારોમાં વેચાણ પર પ્રતિબંધ

સુરક્ષાના હેતુથી રેસિડેન્શ્યલ વિસ્તારમાં ફટાકડાઓનું ખુલ્લેઆમ વેચાણ કરવા પર મુંબઈ હાઈ કોર્ટે મનાઈ ફરમાવી છે. દિવાળી આવી રહી છે એવા સમયે હાઈ કોર્ટે આ મહત્વનો નિર્ણય લીધો છે અને આ નિયમનું ઉલ્લંઘન કરનારા વિક્રેતા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

ફટાકડાનું વેચાણ કરતા ગેરકાયદે સ્ટૉલ અને રેસિડેન્શ્યલ વિસ્તારોમાં ફટાકડાના સ્ટૉલ્સ સંબંધે સુપ્રીમ કોર્ટનો આદેશ બધે જ લાગુ કરવો એવો આદેશ મુંબઈ હાઈ કોર્ટે રાજ્ય સરકારને આપ્યો છે. એ પ્રમાણે રેસિડેન્શ્યલ વિસ્તારોમાં ફટાકડાના વેચાણ પર પૂર્ણપણે પ્રતિબંધ મૂકવો અને જેમને વેચાણની પરવાનગી રેસિડેન્શ્યલ વિસ્તારમાં છે તેમની પરવાનગી તાત્કાલિક રદ કરવામાં આવે એવું કોર્ટે કહ્યું છે.

નવી પરવાનગીઓ ન આપતાં જેમને અત્યાર સુધી પરવાનગી આપવામાં આવતી હતી એવા લોકોની સંખ્યાને પચાસ ટકા સુધી લાવો એવો નિર્દેશ પણ કોર્ટે રજૂ કર્યો છે. આ સર્વ પ્રક્રિયા પર પોલીસે ધ્યાન આપી અધિકાર પ્રમાણે ગેરકાયદે દુકાનો વિરુદ્ધ કાર્યવાહી કરવી એવું પણ કોર્ટે સ્પષ્ટ કર્યું છે.

મલાડ વિસ્તારમાં ફટાકડાની દુકાનો વર્ષો જૂની હોવાથી એ ફરી શરૂ કરવા માટે અમને પરવાનગી આપો એવી વિનંતી મલાડ ફાયરવક્ર્સ વેલ્ફેર અસોસિએશને હાઈ કોર્ટમાં કરી હતી. તેમની વિનંતી અમાન્ય કરીને હાઈ કોર્ટે ઉપરોક્ત આદેશ આપ્યો હતો.

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio