હેલિકૉપ્ટરના ક્રૅશ-લૅન્ડિંગ વખતે આ યુવકે દેવેન્દ્ર ફડણવીસને બહાર કાઢ્યા

નીલંગા ખાતે ગુરુવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું હેલિકૉપ્ટર તૂટી પડ્યું હતું અને સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા.

 

CM

હેલિકૉપ્ટરમાં વિસ્ફોટ થશે એવા ભયથી પોલીસો સહિત ઘટનાસ્થળે હાજર રહેલા અધિકારીઓ પોતાનો જીવ બચાવવા નાસભાગ કરવા લાગ્યા હતા, પરંતુ નીલંગામાં ભંગારની દુકાન ધરાવતો ૨૮ વર્ષનો ઇરફાન શેખ હેલિકૉપ્ટર તરફ દોડ્યો હતો. હેલિકૉપ્ટરનો દરવાજો ખૂલતો ન હોવાથી મુખ્ય પ્રધાન ફસાઈ ગયા હતા. ઇરફાને મહામહેનતે દરવાજો ખોલીને મુખ્ય પ્રધાનને બહાર કાઢ્યા હતા. મુખ્ય પ્રધાને ઇરફાનને કહ્યું હતું કે હું ઠીક છું અને મારી સાથેના લોકોને હેલિકૉપ્ટરમાંથી બહાર કાઢો. મુખ્ય પ્રધાનની સૂચના અનુસાર ઇરફાને પાઇલટ સહિત તમામ લોકોને બહાર કાઢીને રાહતનો શ્વાસ લીધો હતો. ઇરફાનની દુકાન દુર્ઘટનાસ્થળની પાસે જ આવી છે અને એ સમયે તે દુકાનની બહાર ઊભો હતો. તેની આંખો સામે જ આ અકસ્માત થયો હતો.

મુખ્ય પ્રધાન અને તેમના સહયોગીઓને હેલિકૉપ્ટરમાંથી સુખરૂપ બહાર નીકળેલા જોઈને અધિકારીઓ અને પોલીસોએ મુખ્ય પ્રધાનને ઘેરી લીધા હતા. ઇરફાને મુખ્ય પ્રધાનને ભેટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેને એમ કરવાથી રોક્યો હતો. ઇરફાનને આશા હતી કે પ્રશાસનમાંથી કોઈ તેનો આભાર માનવા સંપર્ક કરશે, પરંતુ મુખ્ય પ્રધાન સહિત પ્રશાસનમાંથી કોઈએ તેનો સંપર્ક કર્યો નહોતો. આ બાબતનો ઇરફાનને રંજ છે.Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio