આઇટીસી અને એચડીએફસી ટ્વિન્સની નરમાઈથી બજારમાં ઘટાડો જારી

તમામ શૅરના સુધારા સાથે મેટલ ઇન્ડેક્સ દોઢ ટકા વધ્યો : રિયલ્ટીમાં રમખાણ, એફએમસીજી ઇન્ડેક્સ પણ ડાઉન : બેન્કિંગ શૅરમાં એકંદરે સુધારાતરફી માહોલ, સિમેન્ટ ઉદ્યોગમાં મિશ્ર વલણ

sensex


શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ઑલટાઇમ હાઈ લેવલથી શરૂ થયેલું પ્રૉફિટ-બુકિંગ બીજા દિવસે પણ જારી રહેતાં બજારમાં પીછેહઠ જોવા મળી હતી જેમાં સેન્સેક્સ ૧૧૧ પૉઇન્ટ ઘટીને ૨૯,૯૧૮ અને નિફ્ટી ૩૮ પૉઇન્ટની નરમાઈમાં ૯૩૦૦ના મક્કમ સપોર્ટ પર ૯૩૦૪ના મથાળે બંધ રહ્યા હતા. પૉઝિટિવ ઓપનિંગ સાથે સેન્સેક્સ આરંભિક સુધારામાં ૩૦,૦૬૭ની ટોચે પહોંચ્યો હતો, પણ ત્યાંથી સતત ઘટીને બેન્ચમાર્ક ઇન્ડેક્સ ૨૯,૮૪૮ના તળિયે ગયો હતો. નીચા મથાળે ફરી લેવાલીનો નજીવો સપોર્ટ મળ્યો એ બાદ મર્યાદિત ઘટાડે ૨૯,૯૧૮ બંધ રહ્યો હતો. તો નિફ્ટી સેશન દરમ્યાન ૯૨૮૨થી ૯૩૪૨ની રેન્જમાં અથડાયો હતો. વૈશ્વિક બજારોની નરમાઈથી પણ ભારતનું મોરલ સપોર્ટ નબળું પડ્યું છે. સેન્સેક્સની આજની ખરાબીમાં આઇટીસી અને એચડીએફસી ટ્વિન્સનું યોગદાન ૧૬૮ પૉઇન્ટ જેટલું હતું, પણ હેવીવેઇટ્સ બેન્ક-શૅરની મજબૂતીથી નુકસાની કંઈક અંશે ભરપાઈ થઈ ગઈ હતી. સેન્સેક્સના ૩૦માંથી ૧૯ અને નિફ્ટીના ૫૧માંથી ૨૮ હેવીવેઇટ્સ સ્ટૉક વધ્યા હતા જેમાં ઓએનજીસી ૩.૭ ટકા, સ્ટેટ બેન્ક ૨.૭ ટકા, મારુતિ સુઝુકી દોઢ ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક, એશિયન પેઇન્ટ્સ ૧.૬ ટકા, અદાણી પોર્ટ્સ, ગેઇલ સવા ટકા, હીરો મોટોકૉર્પ ૧ ટકો, સન ફાર્મા, કોલ ઇન્ડિયા, ઍક્સિસ બેન્ક, તાતા સ્ટીલ, ડૉ. રેડ્ડીઝના શૅર અડધાથી ૦.૯ ટકા જેટલા મજબૂત હતા. તો બીજી બાજુ આઇટીસી ૨.૩ ટકા, એચડીએફસી બે ટકા, એચડીએફસી બેન્ક ૧.૬ ટકા, ટીસીએસ, એચયુએલ સવા ટકા, ભારતી ઍરટેલ ૧.૧ ટકા, રિલાયન્સ ૧ ટકો, લાર્સન અને સિપ્લા પોણા ટકા નરમ હતા. નેગેટિવ માર્કેટ-બ્રેડ્થમાં ૧૩૯૬ શૅર વધ્યા હતા. સામે ૧૪૭૨ જેટલી જાતો ડાઉન હતી. બજાર ભલે ડાઉન હોય, પણ બીએસઈની માર્કેટકૅપ વધીને ૧૨૪.૮૨ લાખ કરોડ રૂપિયા થઈ હતી.

સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં એફએમસીજી ઇન્ડેક્સ સૌથી વધુ ૧.૨ ટકા ખરડાયો હતો. તો બીજી બાજુ મેટલ ઇન્ડેક્સ દોઢ ટકાની મજબૂતીમાં ટૉપ ગેઇનર હતો. એના તમામ શૅર વધ્યા હતા જેમાં વેદાન્ત ૪.૧ ટકા, નૅશનલ ઍલ્યુમિનિયમ, હિન્દાલ્કો સવા ટકા, સેઇલ ૧ ટકો, કોલ ઇન્ડિયા, હિન્દુસ્તાન ઝિન્ક, તાતા સ્ટીલ, એનએમડીસી, જિન્દલ સ્ટીલ અને જેએસડબ્લ્યુ સ્ટીલ અડધાથી પોણા ટકાની રેન્જમાં મજબૂત બન્યા હતા. તો રિયલ્ટી ઇન્ડેક્સ પોણાબે ટકાના ભૂકંપમાં ૧૯૨૩ બંધ હતો. ગોદરેજ પ્રૉપર્ટીઝ સિવાયના તમામ શૅર ડાઉન હતા જેમાં ઇન્ડિયાબુલ્સ રિયલ ૪.૩ ટકા, પ્રેસ્ટિજ ૪.૩ ટકા, ડીએલએફ ૧.૯ ટકા, એચડીઆઇએલ ૧.૪ ટકા, યુનિટેક, શોભા ડેવલપમેન્ટ પોણા ટકા જેટલા તૂટ્યા હતા.

ચાઇનીઝ માર્કેટનો વર્ષનો સૌથી ખરાબ દેખાવ

વૈશ્વિક નરમાઈ સાથે ચાઇનીઝ માર્કેટ પણ ડાઉન હતી. જોકે ચાલુ કૅલેન્ડર વર્ષ ૨૦૧૭નો સૌથી વર્સ્ટ પફોર્મન્સ રહ્યો છે. સરકાર અને રેગ્યુલેટરી દ્વારા સ્પેક્યુલેશન અને ફાઇનૅન્સ સંબંધિત નિયમો વધુ આકરા બનવાની દહેશત શૅરબજારને સતાવી રહી છે. ચીનનો બ્લુચિપ સીએસઆઇ-૩૦૦ ઇન્ડેક્સ આજે ઘટીને ૩૪૩૯ અને શાંઘાઈ કમ્પોઝિટ્સ ઇન્ડેક્સ નજીવો વધીને ૩૧૫૪.૬૬ મથાળે જોવા મળ્યા હતા. આમ ઉપરોક્ત બન્ને ઇન્ડેક્સ સપ્તાહ દરમ્યાન અનુક્રમે ૦.૮ ટકા અને ૦.૬ ટકા ઘટ્યા છે જે તેમનો સળંગ ત્રીજો સાપ્તાહિક ઘટાડો છે. આ સાથે એપ્રિલ મહિનામાં સીએસઆઇ-૩૦૦ ઇન્ડેક્સમાં અડધા ટકા અને શાંઘાઈ ઇન્ડેક્સમાં ૨.૧ ટકાનો કડાકો બોલાયો છે. ચાઇનીઝ ફન્ડ મૅનેજરોએ ઇક્વિટી માર્કેટમાં મોટાપાયે રિડમ્પ્શન કરતાં તેમનું એક્સપોઝર છ મહિનાને તળિયે પહોંચ્યું છે. પીપલ્સ બેન્ક ઑફ ચાઇનાએ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ઓપન માર્કેટ ઑપરેશન મારફતે ૮૧૫ અબજ યુઆન (અંદાજે ૧૧૮.૨૧ અબજ ડૉલર)નું નાણાકીય ભંડોળ પાછું ખેંચ્યું છે. આગામી રવિવારે ચીનના ફૅક્ટરી અને સર્વિસ સેક્ટરના આંકડા જાહેર થશે.

પાંચ જાહેર બેન્ક-શૅર રેકૉર્ડ હાઈ લેવલે

ડાઉનવર્ડ માર્કેટના સામા પ્રવાહે જાહેર ક્ષેત્રની પાંચ બેન્કો આજે કામકાજ દરમ્યાન ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી હતી જેમાં આંધ્ર બેન્ક, કૅનેરા બેન્ક, ઇન્ડિયન બેન્ક, ઓરિયેન્ટલ બેન્ક અને વિજયા બેન્કનો સમાવેશ થાય છે. આંધ્ર બેન્કનો શૅર ૬૯.૮ રૂપિયાનું રેકૉર્ડ હાઈ લેવલ બનાવી પાંચ ટકાની મજબૂતીમાં ૬૮.૭૫ રૂપિયા બંધ હતો. તો કૅનેરા બેન્કનો શૅર ૩૫૮.૫ રૂપિયાની વિક્રમી ટોચે પહોંચી અંતે ૮.૨ ટકાના ઉછાળામાં ૩૫૬ રૂપિયા રહ્યો હતો. ઇન્ડિયન બેન્ક ૩૨૫.૩૫ રૂપિયાની નવી ઊંચાઈએ પહોંચ્યા બાદ સાધારણ ઘટીને દોઢ ટકાના સુધારા સાથે ૩૧૮.૬૫ રૂપિયા થયો હતો. ઓરિયન્ટલ બેન્ક ૧૭૨.૧૫ રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચી ૪.૨ ટકાની તેજીમાં ૧૬૯.૨૫ રૂપિયા અને વિજ્યા બેન્કનો શૅર ૮૨.૯૫ રૂપિયાનું ઑલટાઇમ હાઈ લેવલ બનાવીને ૮ ટકાની તેજીમાં ત્યાં જ બંધ થયું હતું. એ ઉપરાંત પંજાબ બેન્ક, પંજાબ-સિંધ બેન્ક, યુનિયન બેન્ક, કૉર્પોરેશન બેન્ક, મહારાષ્ટ્ર બેન્ક અને સિન્ડિકેટ બેન્કના શૅરમાં ઇન્ટ્રા-ડે ત્રણથી પાંચેક ટકા જેટલા ઊંચકાઈ તેમની ઐતિહાસિક ટોચની નજીક પહોંચ્યા હતા. ઇન્ટ્રા-ડે ૨૨,૩૮૩ની નવી ટોચે પહોંચી સેશનના અંતે સાધારણ સુધારામાં ૨૨,૧૮૨ના ક્લોઝિંગ સાથે બેન્ક નિફ્ટી સેકન્ડ ગૅઇનર હતો. તો બેન્કેક્સ પણ ૨૫,૩૮૩નું ઑલટાઇમ હાઈ બનાવી અંતે ૨૫,૩૨૫ના મથાળે બંધ રહ્યો હતો. બેન્કિંગ સેક્ટરના ૩૯માંથી ૩૫ શેર વધ્યા હતા જેમાંથી મોટા ભાગની સરકારી બેન્ક હતી. ઘટાડે બંધ રહેનાર બેન્કિંગ શૅરમાં ઇન્ડ્સઇન્ડ બેન્ક બે ટકા, એચડીએફસી બેન્ક ૧.૬ ટકા, કોટક મહિન્દ્ર બેન્ક દોઢ ટકા અને યસ બેન્કનો શૅર અડધા ટકાની નરમાઈમાં ૧૬૩૦ રૂપિયાના મથાળે બંધ થયો હતો. માર્કેટ ન્યુ હાઈ થવાની સાથે બેન્કિંગ સ્ટૉકને પણ એનો ફાયદો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં ઇન્ડિયન બેન્ક, બેન્ક ઓફ ઇન્ડિયા, વિજયા બેન્ક, આંધ્ર બેન્ક, સિન્ડિકેટ બેન્ક, યુકો બેન્ક, ઓરિયેન્ટલ બેન્ક, કૉર્પોરેશન બેન્ક, પંજાબ-સિંધ બેન્ક, પીએનબી, યુનિયન બેન્ક, કૅનેરા બેન્ક, બરોડા બેન્ક અને મહારાષ્ટ્ર બેન્કના શૅરમાં પાંચથી ૨૩ ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે.

પ્રીઝમ સિમેન્ટ નવી ઊંચાઈએ

ભારે લેવાલીને પગલે નરમ બજારમાં પણ પ્રીઝમ સિમેન્ટનો શૅર સાતેક ટકાના ઉછાળામાં ૧૨૯.૧૦ રૂપિયાની નવી ઊંચાઈએ પહોંચી સેશનના અંતે ૩.૪ ટકાની મજબૂતીમાં ૧૨૨ રૂપિયાના મથાળે બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે રોજના સરેરાશ ૧.૩૪ લાખ શૅર સામે આજે ૪.૫ લાખ શૅરના કામકાજ થયા હતા. આ તેજીનું કારણ મધ્ય પ્રદેશ તરફથી કંપનીને સિમેન્ટ ગ્રેડ લાઇટસ્ટોનના માઇનિંગ લીઝનો મળેલ લેટર છે જેમાં ૫૦ વર્ષની લીઝ મળશે. સિમેન્ટ સ્ટૉકમાં એકંદરે મિશ્ર વલણ જોવા મળ્યું હતું જેમાં આંધ્ર સિમેન્ટ ૪.૮ ટકા, દાલિમયા સિમેન્ટ સવાત્રણ ટકા, હેડલબર્ગ સિમેન્ટ ૩.૩ ટકા, જેકે સિમેન્ટ, ઇન્ડિયા સિમેન્ટ ૨.૧ ટકા, ઓસીએલ ઇન્ડિયા ૨.૪ ટકા, ઓરિયન્ટ સિમેન્ટ સવાપાંચ ટકા, રેઇન ઇન્ડસ્ટ્રીઝ ૧.૩ ટકા અને બુરહાનપુર સિમેન્ટ અડધા ટકા જેટલા વધ્યા હતા. તો બીજી બાજુ એસીસી, અંબુજા સિમેન્ટ, બરાક વૅલી સિમેન્ટ, બિરલા કૉર્પ, ગુજરાત સિદ્ધિ સિમેન્ટ, જેકે લક્ષ્મી સિમેન્ટ, કેસીપી, મંગલમ્ સિમેન્ટ, રામકો સિમેન્ટ, શ્રી સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના શૅરમાં સાધારણથી બે ટકા સુધીની નરમાઈ જોવા મળી હતી.

મારુતિનો શૅર ટૉપ ગિયરમાં

પ્રોત્સાહક પરિણામની જાહેરાત બાદ મારુતિ સુઝુકીનો શૅર ટૉપ ગિયરમાં ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યો હતો, સાથે-સાથે માર્કેટકૅપ પણ ઇન્ટ્રા-ડે બે લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચી હતી. મારુતિનો શૅર ઇન્ટ્રા-ડે ૩.૩ ટકાની તેજીમાં ૬૫૮૫.૦૫ રૂપિયાના ઑલટાઇમ હાઈ લેવલે પહોંચી સેશનના અંતે ૨.૪ ટકાની મજબૂતીમાં ૬૫૨૫.૫ રૂપિયાના મથાળે બંધ થયો હતો. બીએસઈ ખાતે રોજના સરેરાશ ૪૧ હજાર શૅર સામે આજે બમણા વૉલ્યુમ સાથે ૮૭ હજાર શૅરના કામકાજ થયા હતા. બંધ બજારે આ ઑટો કંપનીની માર્કેટકૅપ ૧,૯૭,૧૨૨ કરોડ રૂપિયા રહી હતી. બ્રોકરેજ ફમર્‍ એચડીએફસી સિક્યૉરિટીઝે બાયના રેટિંગ સાથે મારુતિમાં ૭૦૭૦ રૂપિયાનો ટાગેર્ટ આપ્યો છે. વર્ષ પૂર્વે શૅરનો ભાવ ૩૭૩૦ રૂપિયાના તળિયે હતો. તો કટ્ટર હરીફ કંપની તાતા મોટર્સનો શૅર ૪૬૧.૪૫ રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચ બનાવી અંતે સાધારણ સુધારામાં ૪૫૭.૮ રૂપિયાના મથાળે બંધ રહ્યો હતો. એની માર્કેટકૅપ ૧.૩૨ લાખ કરોડ રૂપિયા રહી હતી. જોકે શૅર વૉલ્યુમ સરેરાશ કરતાં ઓછું હતું. ગયા વર્ષની ૭ સપ્ટેમ્બરે તાતા મોટર્સના શૅરમાં ૫૯૮.૬ રૂપિયાની વર્ષની ટોચ બની હતી. ૧૩માંથી ૧૦ શૅરની આગેકૂચમાં ઑટો ઇન્ડેક્સ સાધારણ વધીને ૨૨૭૮૨ હતો. મધરસન સુમી ૩.૩ ટકા, એક્સાઇડ ૧.૧ ટકા, હીરો મોટોકૉર્પ, બૉશ ૧ ટકો, ભારત ર્ફોજ, બજાજ ઑટો, આઇસર મોટર્સ અને મહિન્દ્ર- મહિન્દ્રના શૅર સાધારણથી ૦.૯ ટકાની રેન્જમાં વધ્યા હતા. તો બીજી બાજુ ક્યુમિન્સ ઇન્ડસ્ટ્રીઝ અઢી ટકા, એમઆરએફ અને અશોક લેલૅન્ડનો શૅર દોઢ ટકા જેટલા ખરડાયા હતા. ટૂ-થþી વ્હીલર્સ સેગમેન્ટનાં ૧૨માંથી ૯ કાઉન્ટર પ્લસ હતાં જેમાં કાઇનેટિક ૫.૯ ટકા, સ્કૂટર્સ ઇન્ડિયા પાંચ ટકા, એન્ડુરન્સ ટેક્નૉલૉજી ૧.૮ ટકા, ઍટલસ સાઇકલ દોઢ ટકા વધ્યા હતા. ટીવીએસ મોટરનો શૅર દોઠ ટકાની ખરાબીમાં ૪૯૫.૬ રૂપિયાના મથાળે બંધ રહી ટૉપ લૂઝર બન્યો હતો.

ભારે વૉલ્યુમથી ઓએનજીસીમાં મજબૂતી

સરકારી ઑઇલ કંપની ઓએનજીસીનો શૅર ભારે વૉલ્યુમ સાથે ઇન્ટ્રા-ડે ચારેક ટકાના ઉછાળામાં ૧૮૭.૨૫ રૂપિયાની ટોચે પહોંચી અંતે પોણાચાર ટકાની મજબૂતીમાં ૧૮૬.૩ રૂપિયાના મથાળે બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે ડેઇલી ઍવરેજ ૩.૮૯ લાખ શૅર સામે ૧૬.૨૫ લાખ શૅરના કામકાજ થયા હતા. આ તેજીનું કારણ કંપની દ્વારા ગયા નાણાકીય વર્ષે ૨૩ ઑઇલ ઍન્ડ ગૅસ સાઇટની શોધ કરવામાં આવી છે જે અત્યાર સુધીનો સૌથી મોટો રેકૉર્ડ મનાય છે. ૩૧ જાન્યુઆરીએ આ ઑઇલ શૅરમાં ૨૧૨ રૂપિયાની ઊંચી સપાટી બની હતી. ૧૦માંથી ૬ શૅરની નરમાઈમાં ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧૪,૪૫૫ બંધ હતો. બીપીસીએલ ૨.૨ ટકા, પેટ્રોનેટ ૧.૬ ટકા, એચપીસીએલ સવા ટકો, રિલાયન્સ ૧ ટકો, ઇન્ડિયન ઑઇલ અને ઇન્દ્રપ્રસ્થ ગૅસનો શૅર અડધા ટકાની આસપાસ ડાઉન હતા. તો બીજી બાજુ ગેઇલ સવા ટકો, ઑઇલ ઇન્ડિયા ૧.૨ ટકા અને કૅસ્ટ્રોલ ઇન્ડિયાનો શૅર નામ માત્ર વધ્યો હતો.

લુપિન લિમિટેડ વર્ષના તળિયે

શૅરમાં સતત ઘટાડાને કારણે ફાર્મા કંપની લુપિનનો શૅર આજે પાછલા બંધથી ૧.૩ ટકાની ખરાબીમાં ૧૩૧૯.૬ રૂપિયાની વર્ષની નીચી સપાટીએ ગયો હતો, પણ નીચા મથાળેથી નોંધપાત્ર બાઉન્સ-બેકમાં રિકવરીની ચાલમાં ૧૩૭૧.૨૫ રૂપિયાથી ટોચ બનાવી નામ માત્ર સુધારામાં ૧૩૩૭.૮ રૂપિયા બંધ થયો હતો. બીએસઈ ખાતે રોજના સરેરાશ ૬૩ હજાર શૅર સામે આજે ૧.૫૯ લાખ શૅરના કામકાજ થયા હતા. આ ખરાબીનું કારણ યુએસએફડીએનું ઑબ્ઝવેશન છે. આ સાથે ચાલુ સપ્તાહમાં આ ફાર્મા સ્ટૉક ૬.૪ ટકા તૂટ્યો છે. ૭૦માંથી ૩૯ શૅરની બીમારીમાં હેલ્થકૅર ઇન્ડેક્સ ૧૫,૦૧૯ બંધ હતો જેમાં સિન્જેન ૩.૭ ટકા, ઇન્ડો રૅમેડીઝ ૩.૨ ટકા, ન્યુલૅન્ડ ૩ ટકા, ઍલેમ્બિક ૨.૪ ટકા, ગ્લોક્સો સવાબે ટકા, યુનિકેમ ૨.૧ ટકા, મંગલમ્ ૧.૮ ટકા, સિક્વન્ટ, એનઈસી લાઇફ ૧.૬ ટકા, દિશમાન, માર્કસન્સ દોઢ ટકા, થાયોકૅર ૧.૩ ટકા, બાયોકોન, સુવેન સવા ટકા, કૅડિલા હેલ્થકૅર, નાટકો ફાર્મા, ઑપ્ટો સર્કિટ અને ઇપ્કા લૅબના શૅરમાં સવા ટકાની આસપાસ ઘટાડો જોવા મળ્યો હતો.

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio