એફઍન્ડઓની રસાકસી અને નફાવસૂલીથી માર્કેટ ડાઉન

ઇન્ટ્રા-ડે સેન્સેક્સમાં ૩૦,૧૮૪ અને નિફ્ટીમાં ૯૩૬૭ની નવી ઐતિહાસિક ટોચ બની : મિડ કૅપ અને સ્મૉલ કૅપ સ્ટૉકમાં ભારે વેચવાલીની દહેશત, ઑટો શૅરમાં નરમાઈ : એસ. ચાંદ ઍન્ડ કંપનીનો પબ્લિક ઇશ્યુ ઓવર-સબસ્ક્રાઇબ થયો

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ફ્યુચર ઍન્ડ ઑપ્શન્સની રસાકસીથી સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડા સાથે એપ્રિલ વલણની વિદાય થઈ છે જેમાં સેન્સેક્સ ૧૦૪ પૉઇન્ટની પીછેહઠમાં ૩૦,૦૩૦ અને નિફ્ટી ૧૦ પૉઇન્ટના ઘટાડામાં ૯૩૪૨ના મથાળે બંધ રહ્યા હતા. આ ઘટાડાનું એક કારણ ઊંચા મથાળે નફાવસૂલી પણ છે. અહીં એ વાતનો સંતોષ રાખવો કે સેન્સેક્સ ૩૦,૦૦૦ના લેવલ ઉપર બંધ રહ્યો છે. પાછલા બંધથી સાધારણ ઊંચા ગૅપમાં સુસ્તી સાથે ઓપનિંગ બાદ બજારમાં બપોર સુધી ટકેલું વલણ હતું જેમાં સેન્સેક્સમાં વધીને ૩૦,૧૮૪ અને નિફ્ટીમાં ૯૩૭૭ની નવી વિક્રમી ટોચ બની હતી, પણ ઊંચા મથાળે બૅન્કિંગ, ઑટો અને ફાર્મા સ્ટૉકમાં હેવી સેલિંગથી ટોચથી ૨૦૦ પૉઇન્ટની ખરાબીમાં સેન્સેક્સ ૩૦,૦૦૦નું લેવલ તોડીને ૨૯,૯૭૩ના તળિયે ગયો હતો. આ દરમ્યાન નિફ્ટીમાં ૯૩૪૨ની ઇન્ટ્રા-ડે બૉટમ બની હતી. આજે પણ માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ રહી હતી જેમાં ૧૩૦૦ શૅરના સુધારા સામે ૧૫૭૬ સ્ક્રિપ્સ ઘટાડે બંધ રહી હતી. બીએસઈની માર્કેટકૅપ પણ ઘટીને ૧૨૪.૭૫ લાખ કરોડ રૂપિયા રહી હતી.

મેટલમાં ભંગાણ

૧૦માંથી ૯ શૅરમાં પીછેહઠના પ્રેશરમાં મેટલ ઇન્ડેક્સ ૧ ટકો ઘટીને ૧૧,૧૩૬ બંધ હતો. એનએમડીસી ૨.૪ ટકા, હિન્દુસ્તાન ઝિન્ક સવાબે ટકા, તાતા સ્ટીલ ૧.૯ ટકા, હિન્દાલ્કો ૧.૧ ટકા, સેઇલ, કોલ ઇન્ડિયા, નૅશનલ ઍલ્યુમિનિયમ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને વેદાન્તનો શૅર અડધાથી પોણા ટકા જેટલા ડાઉન હતા. એક માત્ર જિન્દલ સ્ટીલનો શૅર અડધા ટકાની મજબૂતીમાં ૧૧૩ રૂપિયા ઉપર બંધ હતો. સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં ઑટો, ટેલિકૉમ, હેલ્થકૅર, એફએમસીજી ઇન્ડેક્સ અડધા ટકાની આસપાસ નરમ હતા. મિડ કૅપના મક્કમ વલણ સામે સ્મૉલ કૅપ ઇન્ડેક્સ નામ માત્ર નરમ હતો. જોકે માર્કેટ ઍનલિસ્ટો મિડ કૅપ અને સ્મૉલ કૅપ સ્ટૉકમાં ભારે સેલિંગની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

ઍક્સિસ બૅન્કમાં પરિણામનો વસવસો

ત્રિમાસિક નેટ પ્રૉફિટમાં મોટું ગાબડું અને બજારમાં નરમાઈને પગલે ઍક્સિસ બૅન્કનો શૅર અન્ડર પ્રેશર રહ્યો હતો. કામકાજ દરમ્યાન ૫૦૩.૬ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી અંતે ૨.૨ ટકાની ખરાબીમાં ૫૦૬ રૂપિયાની નજીક બંધ થયો હતો. બીએસઈ ખાતે રોજના સરેરાશ ૫.૩૪ લાખ શૅર સામે આજે ૨૧.૩૫ લાખ શૅરના કામકાજ થયા હતા. માર્ચ ક્વૉર્ટરમાં બૅન્કનો નેટ પ્રૉફિટ ૪૩ ટકા ઘટીને ૧૨૨૫.૧૦ કરોડ રૂપિયા થયો છે, જ્યારે વર્ષ અગાઉના સમાન ક્વૉર્ટરમાં બૅન્કે ૨૧૫૪.૨૮ કરોડ રૂપિયા અને ગયા ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૫૭૯.૫૭ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. માર્કેટ ઍનલિસ્ટોએ ૮૭૨.૯૦ કરોડ રૂપિયાના ચોખ્ખા નફાની ધારણા મૂકી હતી. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ૩.૯ ટકા વધીને ૪૭૨૯ કરોડ રૂપિયા થઈ છે. અન્ય આવક ૧૧.૯ ટકા વધીને ૩૦૧૩.૧૬ કરોડ રૂપિયા થઈ છે. બૅડ લોન પેટે બૅન્કે ૨૫૮૧.૨૫ કરોડ રૂપિયાનું પ્રોવિઝન કર્યું છે જે વાર્ષિક અને ત્રિમાસિક તુલનાએ અનુક્રમે ૧૨૧ ટકાનો વધારો અને ૩૨ ટકાનો ઘટાડો દર્શાવે છે. બૅન્કની ગ્રોસ એનપીએ વધીને ૨૧,૨૮૦.૪૮ કરોડ રૂપિયા થઈ છે જે ડિસેમ્બર ક્વૉર્ટરના અંતે ૨૦,૪૬૬.૮૨ કરોડ રૂપિયા અને વર્ષ પહેલાંના સમાન ક્વૉર્ટરમાં ૬૦૮૭.૫૧ કરોડ રૂપિયાની નોંધાઈ હતી. ટકાવારીની રીતે નોંધપાત્ર વૃદ્ધિમાં ગ્રોસ એનપીએ ૫.૦૪ ટકા અને નેટ એનપીએ ૨.૧૧ ટકા થઈ છે. કૅપિટલ ઍડિક્વસી રેશિયો ૧૪.૯૫ ટકા રહ્યો છે.

તો સારાં પરિણામોને પગલે કોટક મહિન્દ્ર બૅન્કનો શૅર ૮૯૦.૮ રૂપિયાના તળિયેથી રિકવરીની ચાલમાં ૯૧૮ રૂપિયાની ટોચ બનાવી અંતે ૧.૬ ટકાની મજબૂતીમાં ૯૧૪.૫૫ રૂપિયા બંધ હતો. કોટક મહિન્દ્ર બૅન્કનો માર્ચ ક્વૉર્ટરમાં ચોખ્ખો નફો વાર્ષિક તુલનાએ ૪૦.૩ ટકાના જમ્પમાં ૯૭૬.૫ કરોડ રૂપિયા નોંધાયો છે. માર્કેટ ઍનલિસ્ટોએ ૯૭૨.૭ કરોડ રૂપિયાના નફાની ધારણા મૂકી હતી. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ૧૬.૪ ટકા વધીને ૨૧૬૧.૪ કરોડ રૂપિયા અને લોન બુક ૧૫ ટકા વધીને ૧.૩૬ કરોડ રૂપિયા અને અન્ય આવક ૪૭ ટકા વધીને ૧૦૦૨ કરોડ રૂપિયા થઈ છે. ગ્રોસ એનપીએ ૧૨.૬ ટકાની વૃદ્ધિમાં ૩૫૭૮.૬૧ કરોડ રૂપિયા પહોંચી છે. ટકાવારીની રીતે ગ્રોસ એનપીએ ડિસેમ્બર ક્વૉર્ટરના ૨.૪૨ ટકા અને વર્ષ અગાઉના ૨.૩૬ ટકાથી વધીને આ વખતે ૨.૫૯ ટકા થઈ છે તો નેટ એનપીએ પણ ચિંતાજનક રીતે વધીને ૧.૨૬ ટકા થઈ છે. વાર્ષિક તુલનાએ બૅન્ક દ્વારા ૩૯.૨ ટકાના વધારામાં ૨૬૭.૩૭ કરોડ રૂપિયાનું પ્રોવિઝન કરવામાં આવ્યું છે.

એનબીસીસી રેકૉર્ડ હાઈ થયો

સરકારી કન્સ્ટ્રક્શન અને એન્જિનિયરિંગ કંપની એનબીસીસીનો શૅર આજે તેજીની ચાલમાં ઇન્ટ્રા-ડે ચારેક ટકાના ઉછાળામાં ૨૦૧.૭૫ રૂપિયાના ઑલટાઇમ હાઈ લેવલે પહોંચી અંતે ૨.૯ ટકાના સુધારામાં ૧૯૯.૭૫ રૂપિયા બંધ હતો. બીએસઈ ખાતે ડેઇલી ઍવરેજ ૨.૩ લાખ શૅર સામે આજે ૪.૧૫ લાખ શૅરનું વૉલ્યુમ નોંધાયું હતું. છેલ્લા એક મહિનામાં આ કાઉન્ટર ૧૬ ટકા વધ્યું છે. તેજીનું કારણ સરકાર દ્વારા લૅન્ડ મૅનેજમેન્ટ એજન્સી તરીકે કંપનીની નિમણૂક છે. નામ માત્ર વધીને પીએસયુ ઇન્ડેક્સ ૮૯૦૯ બંધ હતો. એના ૫૪માંથી ૨૪ પીએસયુ યુનિટ વધ્યા હતા જેમાં બૅન્ક ઑફ ઇન્ડિયા ૮.૭ ટકા, એમઆરપીએલ પાંચ ટકા, આંધþ બૅન્ક ૨.૭ ટકા, સિન્ડિકેટ બૅન્ક, વિજ્યા બૅન્ક અઢી ટકા, આઇઓસી ૨.૩ ટકા, ઇન્ડિયન બૅન્ક સવાબે ટકા, અલાહાબાદ બૅન્ક ૧.૮ ટકા, બાલમેલ, ઓરિયન્ટ બૅન્ક ૧.૬ ટકા, યુકો બૅન્ક, ગેઇલ દોઢ ટકા, પાવર ગ્રિડ, એચપીસીએલ, ચેન્નઈ પેટ્રો, આરસીએફ, એચજેવીએન, બીપીસીએલ, હિન્દુસ્તાન કોપર જેવા પીએસયુ શૅર સાધારણથી ૧ ટકાની આસપાસ વધ્યા હતા. તો બીજી બાજુ એનએમડીસી ૨.૪ ટકા, એસબીઆઇ, એસસીઆઇ ૧.૫ ટકા, બીઈએમએલ ૧.૧ ટકા, એમટીએનએલ, યુનિયન બૅન્ક, પીએનબી, આઇએફસીઆઇ જેવી સ્ક્રિપ્સ ૧ ટકાની આસપાસ ડાઉન હતી.

પેટ્રોન એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન કંપનીને ૧૧૦ કરોડ રૂપિયાનો ઑર્ડર મળ્યાના અહેવાલે કંપનીનો શૅર ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૭૬.૪ રૂપિયાના મથાળે બંધ રહ્યો હતો. વર્ષ પહેલાં શૅરનો ઊંચો ભાવ ૨૨૦ રૂપિયા હતો તો ૨૧મી નવેમ્બરે આ શૅરમાં ૧૨૨ રૂપિયાની વર્ષની બૉટમ બની હતી.

એસ. ચાંદ કંપનીનો ઇશ્યુ દોઢ ગણો ભરાયો

શૅરદીઠ ૬૬૦થી ૬૭૦ રૂપિયાની પ્રાઇસ બૅન્ડ સાથે મૂડીબજારમાં આવેલી એસ. ચાંદ ઍન્ડ કંપનીનો આઇપીઓ ઇશ્યુ ખૂલ્યાના બીજા દિવસે દોઢ ગણો ભરાઈ ગયો છે. પ્રાથિમક આંકડા મુજબ કંપનીને ૭૬,૮૫,૨૮૪ની કુલ ઇશ્યુ સાઇઝ સામે ૧,૦૯,૬૪,૬૨૪ શૅર માટેની અરજી મળી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ઇશ્યુનો ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યુશન બાયર્સનો પોર્શન ૨.૬૮ ગણો છલકાયો છે જેની સામે નાના રોકાણકારોનો પોર્શન ૨૪ ટકા સબસ્ક્રાઇબ થયો છે. મંગળવારે કંપનીએ ઍન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી ૨૧૯ કરોડ રૂપિયાનું ભંડોળ મેળવ્યું છે. આ પબ્લિક ઇશ્યુ મારફતે કંપની ૭૦૦થી ૭૫૦ કરોડ રૂપિયા સુધીનું નાણાકીય ભંડોળ એકત્ર કરવા ધારે છે. કંપની જાહેર ભરણામાં ૩૨૫ કરોડ રૂપિયાના શૅરનો ફ્રેશ ઇશ્યુ થશે જેમાં પ્રાઇવેટ ઇક્વિટી પ્લેયર્સ એવરસ્ટોન કૅપિટલ અને આઇએફસી પોતાના લગભગ ૬૦ લાખ શૅરનું વેચાણ કરશે. રોકાણકારે મિનિમમ બાવીસ અને પછીના ગુણાંકમાં ઇક્વિટી શૅર માટે અરજી કરવાની રહેશે. ઑફર ફૉર સેલથી મળનારા ભંડોળની કોઈ રકમ કંપનીને મળશે નહીં. ફ્રેશ ઇશ્યુ થકી મળનારા ફન્ડનો ઉપયોગ કંપની રીપેમેન્ટ અને પ્રી-પેમેન્ટ તથા કાર્યકારી મૂડીની જરૂરિયાત સંતોષવા માટે કરશે. કંપનીએ ગયા વર્ષે છાયા પ્રકાશન પ્રાઇવેટ લિમિટેડનો ૭૪ ટકા હિસ્સો હસ્તગત કર્યો છે.

એચડીએફસીની માર્કેટકૅપ ૪ લાખ કરોડ થઈ


બજારના સામા પ્રવાહે એચડીએફસી બૅન્કનો શૅર તેજીની ચાલમાં એકાદ ટકો વધીને ૧૫૭૨.૩ રૂપિયાની નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો, ત્યારે બૅન્કની માર્કેટકૅપ પણ વધીને ચાર લાખ કરોડ રૂપિયાની સપાટી ક્રૉસ કરી ગઈ હતી, પણ કામકાજના છેલ્લા કલાકમાં ઊંચા મથાળેથી આ બૅન્ક શૅર ગગડીને માંડ અડધા ટકાના સુધારામાં ૧૫૫૪ રૂપિયા બંધ રહ્યો હતો. આમ બંધ બજારે એચડીએફસી બૅન્કની માર્કેટકૅપ ૩,૯૮,૨૧૯ કરોડ રૂપિયા રહી હતી. છેલ્લા એક સપ્તાહમાં આ બૅન્કિંગ સ્ક્રિપમાં ૮ ટકાનો ઉછાળો નોંધાયો છે. હવે ટૂંક સમયમાં એચડીએફસી બૅન્કની પણ ૪ લાખ કરોડ રૂપિયાની માર્કેટ કૅપ ક્લબમાં એન્ટ્રી થવાની છે. અત્યારે તો આ ક્લબમાં ૪.૫૩ લાખ કરોડ રૂપિયા સાથે ટીસીએસ અને ૪.૫૭ લાખ કરોડ રૂપિયાની માર્કેટકૅપ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. બજારમાં છેલ્લી ઘડીની વેચવાલીથી ટીસીએસનો શૅર ૨૩૨૯ રૂપિયાની ટોચથી સતત ગગડીને નીચામાં ૨૨૮૫ રૂપિયાની બૉટમ બનાવી સેશનના અંતે સાધારણ ઘટાડામાં ૨૩૦૧ રૂપિયા બંધ હતો. માર્કેટકૅપની રીતે સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શૅર પણ આરંભથી અંત સુધી રેડ ઝોનમાં ટ્રેડિંગમાં ૧૪૦૨ રૂપિયાનું ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી ૦.૬ ટકાની નરમાઈમાં ૧૪૦૮ રૂપિયા બંધ હતો. બીએસઈ ખાતે ડેઇલી ઍવરેજ કરતાં આજે શૅર-વૉલ્યુમ અડધું હતું. હેવીવેઇટ્સ સ્ટૉકમાં લુપિન અઢી ટકા, ઍક્સિસ બૅન્ક ૨.૨ ટકા, તાતા સ્ટીલ ૧.૯ ટકા, એસબીઆઇ ૧.૬ ટકા, એચડીએફસી ૧.૧ ટકા, બજાજ ઑટો, આઇસીઆઇસીઆઇ બૅન્ક, મહિન્દ્ર ૧ ટકા, સન ફાર્મા, કોલ ઇન્ડિયા, એનટીપીસી, ડૉ. રેડ્ડીઝ, એશિયન પેઇન્ટ્સ, મારુતિ સુઝુકી, ઓએનજીસી, હીરો મોટોકૉર્પ, અદાણી પોર્ટનો શૅર અડધાથી ૧ ટકાની રેન્જમાં ઘટ્યા હતા. તો બીજી બાજુ ગેઇલ, તાતા મોટર્સ, સિપ્લા, ઇન્ફોસિસ, વિપ્રો અને પાવર ગ્રિડના શૅર એક ટકાની આસપાસ વધ્યા હતા.

મારુતિ સુઝુકી : નફો વધ્યો પણ શૅરમાં પીછેહઠ


ઑટો કંપની મારુતિ સુઝુકી દ્વારા સારાં પરિણામો અને ડિવિડન્ડની જાહેરાત કરવા છતાં પણ શૅર ભારે વેચવાલીના પ્રેશરથી ૬૩૪૨.૩ રૂપિયાનું ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી સેશનના અંતે અડધા ટકાની પીછેહઠમાં ૬૩૭૧ રૂપિયાના મથાળે બંધ થયો હતો. બીએસઈ ખાતે રોજના સરેરાશ કરતાં બમણું શૅર-વૉલ્યુમ નોંધાયું હતું. ૧૩માંથી ૯ શૅરની નરમાઈમાં ઑટો ઇન્ડેક્સ ૨૨,૬૩૪ બંધ હતો જેમાં એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ સવા ટકો, અશોક લેલૅન્ડ, બજાજ ઑટો, મહિન્દ્ર-મહિન્દ્ર ૧ ટકો, બૉશ લિમિટેડ, આઇશર મોટર્સ, હીરો મોટોકૉર્પ અને એમઆરએફનો શૅર અડધા ટકાની આસપાસ ખરડાયા હતા. તો બીજી બાજુ ભારત ફોર્જ ૧.૫ ટકા, તાતા મોટર્સ ૧.૨ ટકા, ક્યુમિન્સ ૦.૮ ટકા અને મધરસન સુમીનો શૅર અડધા ટકા જેટલા વધ્યા હતા.

અગ્રણી ઑટો કંપની મારુતિ સુઝુકીએ એકંદરે પ્રોત્સાહક પરિણામો જાહેર કર્યા છે. માર્ચ ક્વૉર્ટરમાં કંપનીનો નેટ પ્રૉફિટ ૧૫.૮ ટકા વધીને ૧૭૦૯ કરોડ રૂપિયા નોંધાયો છે. તો રેવન્યુ ૨૦.૪ ટકાના જમ્પમાં ૨૦,૭૫૧.૨ કરોડ રૂપિયા પહોંચી છે. જોકે માર્કેટ ઍનલિસ્ટોના અંદાજની સરખામણીએ કંપનીની કામગીરી નબળી રહી છે. ઑપરેટિંગ પ્રૉફિટ-માર્જિન વાર્ષિક તુલનાએ ૯.૯ ટકાના ગ્રોથમાં ૨૫૬૦.૭ કરોડ રૂપિયા જ્યારે માર્જિન વાર્ષિક અને ત્રિમાસિક તુલનાએ અનુક્રમે ૧૪૦ બેસિસ પૉઇન્ટ અને ૮૦ બેસિસ પૉઇન્ટ ઘટીને ૧૪.૨ ટકા નોંધાયું છે. બોર્ડ ઑફ ડિરેક્ટર્સ પાંચ રૂપિયાની ફેસવૅલ્યુવાળા ઇક્વિટી શૅરદીઠ ઉપર ૭૫ રૂપિયાના ડિવિડન્ડની ભલામણ કરી છે. આ ક્વૉર્ટરમાં વાહનોનું કુલ વેચાણ ૧૫ ટકા વધીને ૪,૧૪,૪૩૯ નંગ અને નિકાસમાં ૧૭.૬ ટકાની વૃદ્ધિ થઈ છે. આ સાથે કંપનીનો કુલ પ્રૉફિટ ૩૭ ટકાના ગ્રોથમાં ૭૩૩૭.૭ કરોડ રૂપિયા અને રેવન્યુ ૧૮.૮ ટકા વધીને ૭૭,૨૬૬.૨ કરોડ રૂપિયા થઈ છે. તો ઑપરેટિંગ પ્રૉફિટ ૧૬.૫ ટકાની વૃદ્ધિમાં ૧૦,૩૫૩ કરોડ રૂપિયા થયું છે, પણ માર્જિન ૨૦ બેઝિસ પૉઇન્ટ ઘટીને ૧૫.૫ ટકા રહ્યું છે. ગયા વર્ષે કંપનીએ કુલ ૧૫.૬૮ લાખ વાહનોનું વેચાણ કર્યું છે જે ૯.૮ ટકાનો સેલ્સ ગ્રોથ દર્શાવે છે. તો ડોમેસ્ટિક સેલ્સમાં ૧૦.૬ ટકાનો વધારો થયો છે.

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio