ડૉક્ટરોની ગેરહાજરીને કારણે મહિલાએ પોતાનું પહેલું બાળક ગુમાવ્યું

કાંદિવલીમાં આવેલી શતાબ્દી હૉસ્પિટલ ફરી વિવાદમાં

 

Baby selling racket


કાંદિવલીમાં આવેલી BMCની શતાબ્દી હૉસ્પિટલમાં ઉંદરો મહિલા પેશન્ટોને કરડી ગયા હોવાનો બનાવ હજી તાજો જ છે ત્યાં મહિલાની ડિલિવરીમાં બેદરકારીને કારણે બાળક મૃત્યુ પામ્યું હોવાથી ફરી હૉસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. જોકે મહિલાએ પોતાનું બાળક ગુમાવી દીધું છે એ બાબતે હજી તેને જાણ કરવામાં નથી આવી.

શનિવારે શતાબ્દી હૉસ્પિટલમાં ૨૫ વર્ષની ગર્ભવતી મહિલા ગૌરી કાંબળેને લેબર-પેઇન શરૂ થવાથી ડિલિવરી માટે લાવવામાં આવી હતી. કપલનાં ૨૦૧૩માં લગ્ન થયાં હતાં અને તેઓ પહેલા બાળકના આગમનની તૈયારી કરી રહ્યાં હતાં. એવામાં હૉસ્પિટલની બેદરકારીને કારણે આઘાતજનક દુર્ઘટના બની છે.

ગૌરીને સવારે સાત વાગ્યે હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી. આખા દિવસ દરમ્યાન તેને જરૂરી સારવાર આપવાને બદલે પીડામાં કણસતી રહેવા દીધી હતી. રાતે ૧૦ વાગ્યે હૉસ્પિટલમાં હાજર બન્ને જુનિયર ડૉક્ટરો એકસાથે ડિનર માટે ગયા હતા ત્યારે સિનિયર ડૉક્ટરે ગૌરીની તપાસ કરી અને સ્થિતિ ચિંતાજનક લાગતાં તરત જ તેને સિઝેરિયન માટે લઈ જવાનો ઑર્ડર આપ્યો હતો.

cry woman1

મૉલમાં સિનિયર અસોસિએટ તરીકે કામ કરતા ગૌરીના પતિ વિશ્વજિત કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગૌરીને પીડામાં મૂકી રાખવા અને કોઈ પણ સારવાર ન આપવા બદલ સિનિયર ડૉક્ટર હૉસ્પિટલના સ્ટાફ પર ગુસ્સે થયા હતા. તેને તરત જ ઑપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી હતી અને સિઝેરિયન દ્વારા બાળક જન્મ્યું હતું, પરંતુ જન્મ્યા પછીની ૧૫ જ મિનિટમાં મારું બાળક મૃત્યુ પામ્યું હતું, કારણ કે જ્યારે મારી પત્ની હૉસ્પિટલમાં બેડ પર પડી હતી ને પીડામાં ચીસો પાડી રહી હતી ત્યારે બાળકની શ્વાસોશ્વાસની કૅપેસિટી ૬૦ ટકા જેટલી ઓછી થઈ ગઈ હતી. બાળકના મૃત્યુ બાબતે મેં હજી મારી પત્નીને જાણ નથી કરી. મેં તેને ખોટું કહ્યું છે કે બાળકને બચાવી લેવામાં આવ્યું છે અને તે હાલમાં સારવાર હેઠળ છે. મેં મારું બાળક તો ગુમાવ્યું છે, હવે મારે પત્નીને ગુમાવવી નથી.’

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio