લેડીઝલોગ પાસેથી પુરુષોએ શું શીખવાની જરૂર છે?

આજે સિક્કાની બીજી બાજુની ચર્ચા કરીશું. પુરુષો પણ સ્ત્રીઓની કેટલીક વિશેષતાઓને આત્મસાત કરી લે તો તમારા ઘરમાં જ નહીં, આખા વિશ્વમાં કાયમ માટે રામરાજ્ય સ્થપાઈ જાય એમ છે

kajol srk

રુચિતા શાહ

ગઈ કાલે આપણે પુરુષો પાસેથી સ્ત્રીઓએ શું શીખવા જેવું છે એની વિગતવાર ચર્ચા કરી હતી. આજે એનાથી વિપરીત, પણ કામની વાત કરવાના છીએ. એક સ્ત્રી પાસેથી પુરુષ શું શીખી શકે? સ્ત્રી ત્યાગની અને સહનશીલતાની મૂર્તિ છે અને તે મલ્ટિટાસ્કર છે, તે સમર્પિત થઈને જાત ઘસી નાખે છે જેવી સદીઓથી કહેવાઈ રહેલી ટિપિકલ વાતોથી ઉપર ઊઠીને આજે વાત કરીશું આજની સ્ત્રીઓની એવી સિમ્પલ છતાં મહત્વની ખૂબીઓ, આદતો, સ્વભાવ અને રહેણીકરણીની; જે પુરુષ અપનાવે તો તેના લાભમાં છે. સ્ત્રીઓમાં આવેલા બદલાવ સાથે પણ તેના વ્યક્તિત્વ અને સ્વભાવ સાથે જોડાયેલી મૂળભૂત બાબતો ખાસ નથી બદલાઈ. સ્ત્રીઓના કેસમાં લાગણીઓ સવોર્પરી રહી છે. એ પછી પણ આજે પ્રૅક્ટિકલ વિશ્વ સાથે તે જે રીતે તાલથી તાલ મેળવીને આગળ વધી છે એમાં તેનામાં રહેલી બીજી ખાસિયતોનો મહત્વનો ફાળો છે. આજે એની ચર્ચા કરીએ.

વાતની શરૂઆત કરીએ જાણીતાં લેખિકા અને વક્તા કાજલ ઓઝા વૈદ્યના વિચારો સાથે. કાજલબહેનનું માનવું છે કે સ્ત્રીઓ જેટલું ઍક્સેપ્ટન્સ-લેવલ પુરુષોમાં નથી. વાતને વધુ સ્પષ્ટતા સાથે સમજાવતાં તેઓ કહે છે, ‘એક સ્ત્રી લગ્ન કરીને પોતાની આદતો, રહેણીકરણી પોતે જે નવા ઘરમાં જાય છે એ ઘરની રીતભાતો પ્રમાણે ઢાળી દે છે. આ સ્તર પર પોતાની આદતોને છોડીને બદલાવને સ્વીકારવાની ક્ષમતા પુરુષોમાં નથી. નવા લોકોને અપનાવવાની બાબતમાં પણ પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ સહજ અને તૈયાર હોય છે. ધારો કે સ્ત્રી અને પુરુષ બીજાં લગ્ન કરે અને પહેલાં લગ્નથી થયેલું બાળક પણ સાથે રહેવાનું હોય તો પુરુષ બીજાના સંતાનને સ્વીકારી નથી શકતો, પણ સ્ત્રીઓ પુરુષની પહેલી પત્નીના બાળકને સ્વીકારી શકે છે. બીજું, સ્ત્રીઓ બચતની બાબતમાં શ્રેષ્ઠ છે. તે ખૂબ સરસ રીતે સેવિંગ કરે છે, જે પુરુષોએ શીખવાની જરૂર છે. પરિવાર માટે પોતાનો આખેઆખો પગાર સ્ત્રી વાપરી નાખશે, જે પુરુષો માટે શક્ય નથી.’

કમલેશ મોતાની દૃષ્ટિએ સ્ત્રીઓ પાસેથી એટલુંબધું શીખવા જેવું છે કે આખી જિંદગી પુરુષ પ્રયત્ન કરે તો પણ એ પૂરું નહીં થાય. પોતાના દરેક કાર્યને ચીવટ અને સ્વચ્છતા સાથે કેવી રીતે કરવું એ વાત સ્ત્રીઓ પાસેથી દરેકે દરેક પુરુષે શીખવી જોઈએ એમ જણાવીને કમલેશભાઈ કહે છે, ‘લગભગ દરેક પુરુષના જીવનની પહેલી સ્ત્રી તેની માતા હોય છે અને તે જે કંઈ બને છે એના ફાઉન્ડેશનમાં સ્ત્રીનો સૌથી મોટો ફાળો હોય છે. મને યાદ છે કે મેં જ્યારે નક્કી કર્યું કે મારે થિયેટર કરવું છે તો આખા પરિવારમાં મારી મમ્મી મારા સપોર્ટમાં ઊભી હતી. મારા પહેલા ઑડિશનમાં તે મારી સાથે હતી અને ઑડિશન પૂરું થયા પછી મારે કેવું કામ કરવાનું છે એની શીખ પણ તેણે મને અનોખી રીતે આપી હતી. ઑડિશન પછી ચોપાટી પર ખાઈ-પીને તે મને ભાંગવાડી લઈ આવી હતી અને ત્યાંનો હાથીવાળો દરવાજો દેખાડીને મને કહે કે તું નાનો હતો એ સમયે હું અને તારા પપ્પા અહીં નાટક જોવા આવતાં. એ સમયે ભતૃર્હરી નાટક પૂરું થાય પછી ભાંગવાડીની બહાર બસો લોકોની જનમેદની ભતૃર્હરી બનેલા ઍક્ટરની રાહ જોતા ઊભા હોય. પોતાનો ડ્રેસ બદલીને જેવા તે બહાર આવે કે લોકો પોતાને પણ સંન્યાસ લેવો છે અને અમને દીક્ષા આપો એવો પોકાર લગાવતા. ત્યારે ઍક્ટરે લોકોને હાથ જોડીને સમજાવવા પડતા કે ભાઈ, હું તો એક કલાકાર છું. તારી ઍક્ટિંગ આ સ્તર સુધી લોકોને સ્પર્શે એટલી મહેનત તું કરવાનો હોય તો જ ઍક્ટર બનજે એવી પહેલી શીખ એક સ્ત્રી પાસેથી, મારી મા પાસેથી મળી હતી. સ્ત્રીઓમાં ઊંડાણ હોય છે એ પુરુષોએ શીખવા જેવું છે. લગ્ન પછી પણ કરીઅરવાઇઝ ખૂબ સંઘર્ષ કયોર્ છે અને ઓછી આવક હતી એ સમયે મારી પત્નીએ ટ્યુશન લઈને ઘર ચલાવ્યું હતું. આ ગુણ પણ સ્ત્રી પાસેથી શીખવાનો છે. ગમેતેવા દિવસોમાં પરિવારનો સપોર્ટ બની જવા માટે તમામ ક્ષમતાઓને કામે લગાડીને સમય સાચવી લેવાની કળા સ્ત્રીઓમાં હોય છે. સ્ત્રીઓ બેસ્ટ સપોર્ટર બની શકે છે. તેની અંદર પારાવાર પ્રમાણમાં સંતુલન હોય છે. કદાચ આ જ કારણ છે કે જ્યારે પત્નીનું મૃત્યુ થાય તો પુરુષની કફોડી હાલત થતી હોય છે. પુરુષ રફેદફે થઈ જતો હોય છે, જે સ્ત્રીઓમાં નથી થતું.’

કમલેશભાઈની દૃષ્ટિએ સ્ત્રીઓમાં અલર્ટનેસ અને કહ્યા વિના સામેવાળાની જરૂરિયાત સમજીને પૂરી કરવાની તત્પરતા હોય છે. પોતાનો જ દાખલો ટાંકતાં તેઓ કહે છે, ‘માત્ર પતિની જ નહીં, પણ બાળકોની અને પરિવારના બીજા સભ્યોની જરૂરિયાત તે ઝડપથી સમજી શકે છે. તેને કહેવાની જરૂર નથી પડતી. તે અતિશય કૅરિંગ હોય છે, જે પુરુષોએ શીખવું જોઈએ. આંખોથી અને ઇશારાથી સાનમાં સમજાવવાની કળા સ્ત્રીઓ પાસેથી શીખવા જેવી છે. મને યાદ છે કે અમે બધા જ કઝિન સાથે માસીના ઘરે ભેગા થયા હતા. એ સમયે અમે તો જમવા પર તૂટી પડ્યા હતા અને અંદર વાસણો ખાલી થવા માંડ્યાં હતાં ત્યારે મમ્મીએ આંખોથી અને ઇશારાથી હવે પૂરું કરો અને બહાર બીજું ખવડાવીશ એ વાત સમજાવી દીધી હતી. આ કળા પુરુષોમાં નથી હોતી, જે કેળવવી જોઈએ. ક્યારે શું બોલવું અને ક્યારે શું નહીં, વ્યવહારકુશળતા, પ્રેમની જગ્યાએ પ્રેમ અને ફિટકારની જગ્યાએ ફિટકાર ક્યારે આપવો જેવી અઢળક બાબતો છે; જે સ્ત્રીઓ પાસેથી પુરુષો શીખી શકે છે.’

સ્ત્રીઓ પાસેથી પુરુષો શું શીખી શકે?

પોતાની લાગણીઓને સરળતા સાથે કેવી રીતે અભિવ્યક્ત કરવી અને લાગણીઓને કેવી રીતે મહત્વ આપવું.

જુદાં-જુદાં પાકીટમાં અને અલગ-અલગ જગ્યાએ થોડા રોકડા પૈસા કેવી રીતે સાચવી રાખવા.

ખરાબ દિવસો માટે અલગથી પૈસા કેવી રીતે બચાવીને રાખવા.

ગૉસિપ કેવી રીતે કરવી અને પછી પણ સંપીને કેવી રીતે રહેવું. કહેવાય છે કે જે પરિવારો મળીને ગૉસિપ કરે છે એ લોકો સાથે રહી શકે છે. 

નકામી અને નાની-નાની હળવાશભરી વાતો કેવી રીતે કરવી.

ઘર ચોખ્ખું કેવી રીતે રાખવું અને રસોઈ કેવી રીતે બનાવવી.

પતિ ઉપરાંતના ઘરના બીજા પુરુષોને (પિતા, ભાઈ, દીકરો) કેવી રીતે ગોટાળો કર્યા વિના હૅન્ડલ કરવા.

સ્ત્રીઓનું ઇન્ટ્યુશન ખૂબ સારું હોય છે. શું સારું છે, શું ખરાબ છે એ બાબતમાં તેમની આંતરિક સમજ શીખવા જેવી છે.

ઉપવાસ કેવી રીતે કરવા એ.

હગ કેવી રીતે કરાય અને પ્રિય વ્યક્તિને પંપાળવું કેવી રીતે એ પણ.

સ્પર્શનો ઇફેક્ટિવ વેથી ઉપયોગ કેવી રીતે કરવો એ સ્ત્રીઓ પાસેથી શીખવા જેવું છે.

બીજાની ફૅમિલી સાથે કેવી રીતે જોડાઈ જવું. જેમ કે સોસાયટીમાં થતા પ્રોગ્રામનું સંચાલન કરવું, એમાં પાર્ટિસિપેટ કરવું અને એને એન્જૉય કરવું.

આલ્કોહૉલથી કેવી રીતે દૂર રહેવું.

ઘરની ઇજ્જતની રક્ષા કેવી રીતે કરવી એ સ્ત્રીઓ પાસેથી શીખી શકાય.

નાની-નાની બાબતોનું કૅલ્ક્યુલેશન સ્ત્રીઓ ખૂબ શ્રેષ્ઠ રીતે કરી શકે છે. અડધો કિલો શાક પરિવારના કેટલા લોકોને થઈ શકશે અને એની ક્વૉન્ટિટી થોડીક વધારવી હોય તો શું કરવું એની ગણતરીઓ તે પર્ફેક્ટ રીતે કરી શકે છે. આ ગુણ પુરુષો સ્ત્રીઓ પાસેથી શીખી શકે છે.

વસ્તુઓ અને ખાવાની આઇટમોનો ખોટો વ્યય કેવી રીતે ન કરવો એ શીખવા જેવું છે.

ડિપ્લોમૅટિક થઈને કેવી રીતે રહેવું એ સ્ત્રીઓ પાસેથી શીખી શકાય. ક્યાં શું બોલવું અને ક્યાં શું નહીં એની પૂરતી સમજદારી સ્ત્રીઓમાં હોય છે.

- હરીશ શેટ્ટી, સાઇકિયાટ્રિસ્ટ

Joomla SEF URLs by Artio