પુરુષોત્તમ ઉપાધ્યાય - ગુજરાતી સુગમ સંગીતના સૂરસરતાજ

દિવસો સુધી સ્કૂલ ન જઈને ક્યાં જતા, શું કરતા?

purushottam


સેજલ પોન્દા : પ્રકરણ  1 : બાળપણ

ઉત્તરસંડા, નડિયાદના પશાભાઈ

૧૯૩૪ની ૧૫ ઑગસ્ટે ઉત્તરસંડા ગામે જન્મેલા પુરુષોત્તમભાઈને નાનપણમાં લાલો, પશાભાઈ, દાસ કહી ઘર-પરિવાર અને ગામમાં સૌકોઈ બોલાવે. સંગીતનો વારસો તેમને માતા વિદ્યાબા પાસેથી મળ્યો છે. વિદ્યાબાનો અવાજ એટલો મોહક હતો કે ગામમાં તેમને ભજન ગાવા બોલાવે ત્યારે નાના પશાભાઈ પણ તેમની સાથે ગાવા જાય. લગભગ ત્રણ વર્ષની ઉંમરથી પશાભાઈ એટલે કે પુરુષોત્તમભાઈએ ગાવાનું શરૂ કર્ય઼ું. ગાવાની મજા આવતી બસ, એ સિવાય બીજી કોઈ ગતાગમ નહીં. હા, પણ ગાવા જાય ત્યાં ભાતભાતના પ્રસાદ અને ખાસ તો લાડુ મળે એની લાલચ ખરી. ભજન ગાયા પછી પ્રસાદ મળે એટલે પશાભાઈ તો ખુશ-ખુશ થઈ જાય.

તોફાની બારકસ લાલો

વિદ્યાબાને બે દીકરી પછી ત્રીજું સંતાન એટલે પુરુષોત્તમભાઈનો જન્મ. ઘરમાં બધા તેમને લાલો કહી બોલાવે. આ લાલો એટલોબધો તોફાની કે વિદ્યાબાને રોજ તેમના નામની કમ્પ્લેઇન્ટ આવે. લાલાને પતંગનો જબરો શોખ. ઉતરાણમાં તો એક છાપરેથી બીજા છાપરે કૂદકા મારી પતંગની ઝપાઝપી કરે. બીજાની પતંગ કાપે. શાકવાળીની ટોકરીમાંથી હળવેકથી શાક લઈ છાપરે ચડી જાય. છાપરું તેમની મસ્તી-તોફાન કર્યા પછીની પકડાઈ ન જવાની જગ્યા. મિત્રો સાથે હુતુતુ, ક્રિકેટ, લંગડી, ખોખો, આંબલી-પીપળીની રમત રમવામાં માહેર પશાભાઈને કોઈ પકડી ન શકે.

ગણિતમાં ભમરડો

પુરુષોત્તમભાઈને ગણિત વિષય જરાય ગમતો નહીં. ગણિતના આંક કરતાં તોફાનમાં તેમનું ચિત્ત વધારે ચોંટતું. ગણિતના વિષયમાં હંમેશાં નાપાસ થાય. જેમના ગળે સુરીલો કંઠ ઊતર્યો હોય તેમને ગણિત તો ગળે કેવી રીતે ઊતરે! સ્કૂલમાં પાછા ગાયક તરીકે બહુ પ્રખ્યાત હોવાને કારણે બધા શિક્ષકમાં પ્રિય ખરા. એટલે ગણિતમાં નાપાસ થવાની માફી મળી જતી, પણ ગણિતના માસ્તર ખૂબ સ્ટ્રિક્ટ. ફુટપટ્ટી લઈ હથેળીએ ફટકારે. તોફાની પશાભાઈ દરેક વખતે હાથ પાછળ ખેંચી લે, પણ ક્યારેક તો સોટી વાગી જ જાય. તોફાની હોવાને કારણે બીજા વિષયના માસ્તર પાસેથીય સજા મળે, પણ સજાનું દદર્‍ ફરી બીજાં તોફાનોમાં ઓગળી જાય. તેમની મેમરી બહુ શાર્પ એટલે બીજા વિષય કડકડાટ આવડે. વર્ગમાં બીજા છોકરાને પૂછેલા સવાલના જવાબ પોતે આપે એટલે દોઢડાહ્યા થવા બદલ માસ્તર તરફથી જોરદાર સોટી પડે.

બારીમાંથી કૂદકો

વર્ગમાં પશાભાઈની ધાક એવી કે વર્ગના તમામ છોકરાઓ તેમનાથી ફફડે. નાસ્તાના ડબ્બા તેમને ખાવા આપી જાય. તેમની બેન્ચ પર બેસવાની બીજા વિદ્યાર્થી હિંમત ન કરી શકે. તેમ જ પશાભાઈના કહ્યા પછી જો કોઈ બેસવાની ના પાડે તો તેને પશાભાઈનો માર પણ ખાવો પડે. પશાભાઈનો વર્ગ ગ્રાઉન્ડ ફ્લોર પર. વર્ગમાં પશાભાઈ બારી પાસે જ બેસે જેથી મન ફાવે ત્યારે બારીમાંથી કૂદી બહાર નીકળી જવાય. તેમને પકડવા બહુ અઘરા. જો એવું લાગે કે પકડાઈ જવાની તૈયારી છે તો મેઇન ડોરથી પાછા વર્ગમાં ઘૂસી જગ્યા પર બેસી જાય. ક્યારેક વર્ગમાં ભણવાનો કંટાળો આવે તો વર્ગમાંથી છટકી બીજા કોઈ ધોરણના વર્ગમાં બેસી જાય. આમ પશાભાઈ શિક્ષકોનેય દોડાવે.

શિક્ષક સામે શરત

અંગ્રેજી સ્કૂલમાં ભણતા પશાભાઈ સારું ગાય એટલે સ્કૂલના દરેક કાર્યક્રમમાં શિક્ષકો તેમની પાસે જ ગવડાવે. દર વર્ષે તેમના નામની ટ્રોફી અને મેડલ તૈયાર જ હોય. સ્કૂલના ફંક્શનમાં ગાવા માટે તેમની જ પસંદગી થાય ત્યારે પશાભાઈ પહેલાં તો ગાવાની ના પાડે. શિક્ષકો તેમને સમજાવે ત્યારે પશાભાઈ લુચ્ચાઈ કરી શિક્ષકો સામે શરત મૂકે કે મને ગણિતમાં પાસ કરો તો જ ગાઉં અને શિક્ષકોને તેમની શરત સામે ઝૂકવુંય પડે.

દાદાનો લાડકવાયો પુરુષોત્તમ

દાદા અંબાલાલ ઉપાધ્યાયનો લાડકવાયો પૌત્ર એટલે પુરુષોત્તમ. દાદાએ પોતાના ચાર રૂપિયાના પગારમાંથી ધીરે-ધીરે કરી મોટું મકાન બનાવેલું. દાદા સાથેનાં સ્મરણો યાદ કરતાં પુરુષોત્તમભાઈ કહે છે, ‘મારે મોટી બે બહેનો અને એક નાનો ભાઈ. બધાંમાં હું સૌથી તોફાની. રાત્રે દાદાના પગ દબાવવા હું અને મારો નાનો ભાઈ ભેગા થઈએ. દાદા અમને મહાભારત, રામાયણના પ્રસંગો સંભળાવે. પ્રેમાનંદનાં આખ્યાન સંભળાવે. વિદ્યાબા દાદા પાસે રોજ ફરિયાદ કરે કે પુરુષોત્તમ ભણતો નથી. દાદા ચકાસણી કરવા બે-ત્રણ દિવસ પછી મને રામાયણ અને મહાભારતના પ્રસંગો સંભળાવવા કહે અને હું તો સડસડાટ બધા જ પ્રસંગો બોલી જાઉં. એટલે દાદાને એમ જ લાગે કે હું તો બહુ સારું ભણતો હોઈશ. દાદા વિદ્યાબાને કહે કે પુરુષોત્તમ તો બહુ હોશિયાર છે, નાહક તેને સજા આપો છો તમે. અને હું મનોમન ખુશ થયા કરું. આ મારી ચાલાકીનો એક ભાગ હતો. મારી મેમરી શાર્પ, પણ મારે જે યાદ રાખવું હોય એ જ યાદ રાખું. મને પ્રેમાનંદનાં પદો કડકડાટ યાદ રહી જાય અને જાતેપોતે એની ધૂન બનાવી એ ધૂનમાં ગાયા કરું.’

ફરી-ફરી ફરિયાદ

સ્કૂલમાંથી રોજ પશાભાઈની કમ્પ્લેઇન્ટ આવે કે બહુ તોફાન કરે છે, ભણતો નથી, સ્કૂલમાં આવતો નથી. આસપાડોશમાંથીય રોજ તેમની કમ્પ્લેઇન્ટ હોય. એક પણ દિવસ એવો ન હોય કે પશાભાઈ લોહીલુહાણ ન થયા હોય. ગામના લોકો તો પોતાના છોકરાઓને એમ કહેતા કે પશાભાઈની બાજુમાં બેસીશ તો તેની જેમ જ નાપાસ થઈશ. આવી અનેક ફરિયાદથી કંટાળી વિદ્યાબા તેમને મકાનના છેલ્લા ઓરડામાં પૂરી દે. જેવાં વિદ્યાબા કામમાં પરોવાય કે દાદા તેમના લાડકવાયા પૌત્રને થોડી વાર પછી ઓરડામાંથી છોડાવી દે. દાદાનું આ વ્યાજ ફરી નવાં તોફાન કરવા મંડી પડે.

સ્કૂલના બહાને બસની સફર

બાર વર્ષના પશાભાઈની સ્કૂલ ઘરથી સાવ નજીક. ચાલીને જઈ શકાય એટલું અંતર, પણ પશાભાઈ ઘરેથી તો સ્કૂલ જાઉં છું એમ કહીને જ નીકળે અને જુદાં-જુદાં ગામમાં ફરતી એક બસમાં ચુપકેથી બેસી જાય. બસના ડ્રાઇવર અને કન્ડક્ટર પશાભાઈની ગાયકીના ફૅન. એમાંય પશાભાઈ તો ફિલ્મી ગીતો ગાવાના શોખીન અને ડ્રાઇવર સાંભળવાના શોખીન. એટલે પશાભાઈ પાસે જુદાં-જુદાં ફિલ્મી ગીતો ગવડાવે. ગીતના બદલામાં તેમને દૂધ, ફ્રૂટ્સ ખાવા આપે. બસમાં જુદાં-જુદાં ગામની સફરની સાથે ગીત અને ખાવાનો જલસો પશાભાઈ ભરપૂર માણે. સાંજે એ જ બસ તેમને ઘર સુધી છોડી દે. અને પશાભાઈ ઘરમાં આવી ડાહ્યાડમરા થઈ બેસી જાય, જાણે સ્કૂલમાંથી કેટલુંય ભણીને આવ્યા હોય. એ તો જ્યારે માસ્તરની ચિઠ્ઠી આવે કે પશાભાઈ ઘણા દિવસથી સ્કૂલમાં આવતા નથી ત્યારે ઘરના લોકોને ખબર પડે અને પછી તો વિદ્યાબા સોટીએ-સોટીએ ફટકારે.

મા તે મા

વિદ્યાબા પશાભાઈને સજા આપે પછી તેમનેય મનમાં દુ:ખ તો થાય એટલે જે દિવસે સજા આપી હોય એ રાતે પશાભાઈને પોતાના ખોળામાં લઈ માથે હાથ ફેરવે. ખૂબ વહાલ કરે અને ભજન સંભળાવે. પશાભાઈ ભજન સાંભળતાં-સાંભળતાં માનું વહાલ માણતાં-માણતાં પોઢી જાય. મા સાથેની વાત વાગોળતાં પુરુષોત્તમભાઈ કહે છે, વિદ્યાબાના હાથના લાડુથી લઈ તેમના હાથનો માર સુધીનું બધું જ મને ભાવે.

દાદાની સિક્સ્થ સેન્સ

પુરુષોત્તમભાઈ દાદાની વાત યાદ કરતાં કહે છે, ‘મારા દાદાની સિક્સ્થ સેન્સ જબરદસ્ત હતી. કેટલાય લોકોનું ભવિષ્ય તેમણે ભાખ્યું હતું અને એ સો ટકા સાચું પડતું. જ્યારે મારાં વિદ્યાબા દાદાને ફરિયાદ કરે કે પુરુષોત્તમ ભણતો નથી, સ્કૂલમાં સમયસર જતો નથી, કોણ જાણે એનું શું થશે ત્યારે દાદા કહેતા કે આ છોકરો બહુ મોટું નામ કમાશે. મને ત્યારે આ વાત સમજાતી નહીં. અત્યારે જ્યારે દાદાની ભવિષ્યવાણી યાદ કરું છું ત્યારે સમજાય છે કે દાદા પાસે ભવિષ્યમાં ડોકિયું કરવાની અદ્ભુત શક્તિ હતી. દાદાનું તેજ એટલુંબધું હતું કે હું મારી બાને પૂછતો કે બા, દાદાની પાછળ દીવો કોણે કર્યો છે? ત્યારે બા સમજાવતાં કે એ દીવો નહીં પણ દાદાનું તેજ છે.’

ચોટલીવાળા પશાભાઈના કૂદકા

બાળપણમાં પશાભાઈના વાળ લાંબા. વિદ્યાબા ચોટલી વાળી આપે. એ સમયે એવી કોઈ ગતાગમ નહીં એટલે હોંશથી બે ચોટલી વળાવા બેસી જાય. તોફાની બારકસ પશાભાઈને કૂવે કૂદકા મારવાનો જબરો શોખ. ગામનો કૂવો ખૂબ ઊંડો એટલે વિદ્યાબાને હંમેશાં ફફડાટ રહે કે પશાભાઈ કૂવામાં પડી ન જાય. એટલે પશાભાઈ જો કૂવે ગયા હોય તો વિદ્યાબા ત્યાં ચોકીપહેરો બેસાડે.

પશાભાઈના દીવાના ખેડૂત

પશાભાઈ પોતાના અવાજને લીધે ગામમાં અને આસપાસનાં ગામમાં બહુ પ્રખ્યાત. ક્યારેક પોતાની મોજમાં ખેતરમાંથી પસાર થતા હોય તો ખેડૂત તેમને પકડી ઊંધા લટકાવી દે અને જ્યાં સુધી પશાભાઈ ગીત ન સંભળાવે ત્યાં સુધી તેમનો છુટકારો ન થાય.

મેદાનમાં પણ ક્લીન બોલ્ડ

પશાભાઈને ક્રિકેટનો જબરો શોખ અને પાછા ઑલરાઉન્ડર. ક્રિકેટના મેદાનમાંય પોતાની ધાક જમાવે. આઉટ થયા હોય તોય મેદાન છોડે નહીં. બોલર સામે આંખો પહોળી કરી એવી રીતે જુએ કે બિચારો બોલર સાવ ઢીલોઢસ બૉલ નાખે. કોઈ તેમને મેદાનમાંથી ભગાડવાની હિંમત ન કરી શકે.

ફિલ્મના રસિયા

ફિલ્મો અને ફિલ્મી ગીતોના રસિયા પશાભાઈ પર ફિલ્મોની અસર ઘણી હતી. એ વખતે અશોકકુમાર તેમના ફેવરિટ ઍક્ટર હતા. તેમને જોઈ ઍક્ટર બનવાનું ભૂત પશાભાઈ પર સવાર હતું. ઘરેથી કહ્યા વગર ફિલ્મો જોવા ઊપડી જતા. નડિયાદની પ્રભાત ટૉકીઝમાં પાછા બધા ઓળખે એટલે વગર પૈસે ફિલ્મ જોવા મળી જતી. પોતાની ગાયકીથી બધાનાં દિલ તેમણે બાળપણમાં જ જીતી લીધાં હતાં. એમાં ને એમાં પોતાનું કામ પણ કઢાવી લેતા. ‘રામરાજ્ય’ ફિલ્મ તેમણે દસથી બાર વાર જોઈ હતી. ફિલ્મનું સંગીત ક્લાસિકલ હતું. એ સમયે તો ક્લાસિકલ અને નૉન-ક્લાસિકલની સમજ નહોતી. બસ, કર્ણને જે ગમે એ તરત આત્મસાત કરી લેતા. ‘રામરાજ્ય’ ફિલ્મનું ‘બીના મધુર મધુર કુછ બોલ...’ ગીત તો બહુ જ ગાયા કરતા.

બાળનટ માસ્ટર પુરુષોત્તમ

એ સમયમાં નાટક-કંપનીનું  બહુ જોર હતું. નાટક-કંપની જુદાં-જુદાં ગામોમાં નાટકના ખેલ કરવા આવતી. પશાભાઈના ગામના એક વડીલ પટેલ પશાભાઈને અમદાવાદની નાટક-કંપનીમાં લઈ ગયા. નાટક-કંપનીના માલિક અને બધા આર્ટિસ્ટ વચ્ચે પશાભાઈને ‘રામરાજ્ય’ ફિલ્મનું ગીત ગવડાવ્યું અને બધાએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. નાટક-કંપનીના મૅનેજરે કંપનીના માલિકને ભલાભણ કરી કે નાટકમાં પશાભાઈ પાસે ગીત ગવડાવવું. નાટકમાં એવો કોઈ સીન નહોતો, પણ પશાભાઈને ગવડાવવા એવો સીન ઊભો કરવામાં આવ્યો અને સાધુનો વેશ પહેરી પશાભાઈએ ‘અપરમાતા’ નાટકમાં ઍક્ટિંગ સાથે ગીત ગાયું, જેને ૧૭ વન્સ મોર મળ્યા હતા. એ દિવસે ગાયક પશાભાઈ બાળનટ માસ્ટર પુરુષોત્તમ બની ગયા. છાપામાં નાટકની જાહેરખબરમાં બાળનટ માસ્ટર પુરુષોત્તમનો ઉલ્લેખ જરૂર રહેતો, પણ નાટકમાં તેમણે છોકરીનાં કપડાં પહેરવાની ધરાર ના પાડી દીધી દીધેલી. નાટકમાં કામ કરતા ત્યારે મહિને પંદર રૂપિયાનો પગાર મળતો એ પૈસા પુરુષોત્તમભાઈ વિદ્યાબાને આપી દેતા.

માતા-પિતાની ચિંતા

બાળનટ તરીકે પુરુષોત્તમભાઈને નાટકોમાં કામ મળવા લાગ્યું હતું એટલે ઘરમાં વિદ્યાબા અને પિતા ગૌરીશંકરને બહુ ચિંતા રહ્યા કરતી. પિતા વૅક્સિનેશન ડૉક્ટર હતા એટલે ભાલોદ રહેતા હતા. વિદ્યાબાને ચિંતા રહેતી કે પશાભાઈ નાટકમાં કામ કરી બગડી જશે તો! પણ દાદાની ભવિષ્યવાણી સામે વિદ્યાબા ચૂપ થઈ જતાં. આમ પશાભાઈ ગાયકી અને રંગભૂમિ બન્ને જગ્યાએ છવાઈ ગયા.

બાળનટ નટખટ માસ્ટર પુરુષોત્તમનું બાળપણ ખૂબ તોફાન-મસ્તીમાં વીત્યું છે. બાળપણ હોય છે જ એટલું નિખાલસ કે એને દુનિયાદારી સાથે કોઈ લેવાદેવા નથી હોતી. પુરુષોત્તમભાઈએ તેમનો બાળપણનો ખજાનો ખોલી આપણને ખૂબ જલસો કરાવી દીધો. હવે પછીની તેમની સફરમાં આગળના તબક્કાની વાત આવતા રવિવારે.

Joomla SEF URLs by Artio