Father's Day : મારા પપ્પા અને હું પપ્પા

દરેકેદરેક વ્યક્તિનો પોતાના પપ્પા સાથેનો અનોખો જ સંબંધ હોય છે. માતા પ્રત્યેના સંબંધથી અલગ પિતા પોતાના સંતાનના રોલમૉડલ,  હીરો, ફ્રેન્ડ, ફિલોસૉફર અને ગાઇડ હોય છે. આજે ફાધર્સ ડે પર પેશ છે જગતભરની કેટલીક જાણીતી હસ્તીઓની તેમના પિતા સાથેની અને પપ્પા તરીકે તેઓ પોતે કેવા છે એની હૃદયને સ્પર્શી જાય એવી વાતોસ્પેશ્યલ સ્ટોરી - જયેશ અધ્યારુ


અમિતાભ બચ્ચન

હરિવંશરાય બચ્ચને બહુ નાની ઉંમરે જ અમિતાભને શીખવી દીધેલું કે મન કા હો તો અચ્છા, મન કા ના હો તો ઔર ભી અચ્છા.

આપણે ત્યાં પિતા-પુત્રની વાત નીકળે એટલે દેશના સૌથી પ્રખ્યાત બાપ-બેટાની જોડી અમિતાભ અને હરિવંશરાય બચ્ચનનું જ નામ સૌથી પહેલું યાદ આવે. અમિતાભના પિતા હરિવંશરાય લબ્ધપ્રતિષ્ઠ કવિ અને આલા દરજ્જાના ચિંતક-વિચારક પણ ખરા. એટલે તેમની સાથેના અમિતાભના પ્રસંગોમાં જીવન જીવવાના બોધ ભરપૂર માત્રામાં પડ્યા હોય છે. વર્ષ ૨૦૦૮ના ૧૦ જૂનના પોતાના બ્લૉગમાં ખુદ અમિતાભ બચ્ચને આવા એક રસપ્રદ પ્રસંગની વાત કરી છે. તેમણે લખ્યું છે : ૫૦-૬૦ના દાયકાઓમાં આજના જેવી નોકરીની વિપુલ તકો નહોતી. મને પણ ગ્રૅજ્યુએશન પછી ક્યાંય નોકરી મળતી નહોતી. દિલ્હીના કૉફી-હાઉસમાં એક દિવસ અમે મિત્રો આ જ વાતની હૈયાવરાળ કાઢી રહ્યા હતા. ઉશ્કેરાયેલા એક મિત્રે જજમેન્ટ પાસ કર્યું કે આપણાં માતા-પિતાએ આપણને પેદા કર્યા છે એ જ સૌથી મોટી ભૂલ છે. બસ, એ દિવસે સાંજે હું બાબુજી પાસે ગયો અને જીવનમાં પહેલી અને છેલ્લી વાર તેમની સાથે ઊંચા અવાજે વાત કરી. મેં કહ્યું કે આપને હમેં પૈદા ક્યૂં કિયા? બાબુજીએ લખતાં-લખતાં અટકીને મારી સામે જોયું. કશું બોલ્યા નહીં. વિચારતા રહ્યા. આખરે કંટાળીને હું જતો રહ્યો. સવારે મારા પિતાએ મૉર્નિંગ વૉકમાં જતાં પહેલાં મને ઉઠાડીને મારા હાથમાં એક કાગળ પકડાવી દીધો. એમાં એક કવિતા હતી જે તેમણે રાત્રે લખેલી. કવિતા હતી ‘નયી લીક’. કવિતા કંઈક એવી હતી કે : ઝિંદગી ઔર ઝમાને કી કશ્મકશ સે ઘબરાકર મેરે બેટે મુઝસે પૂછતે હૈં, હમેં પૈદા ક્યોં કિયા થા? ઔર મેરે પાસ ઇસકા કોઈ જવાબ નહીં હૈ કિ મેરે બાપ ને ભી મુઝસે બિના પૂછે મુઝે પૈદા કિયા થા.... ઝિંદગી ઔર ઝમાને કી કશ્મકશ પહલે ભી થી, અબ ભી હૈ શાયદ ઝ્યાદા, આગે ભી હોગી, શાયદ ઔર ઝ્યાદા. તુમ્હી નયી લીક રખના, અપને બેટોં સે પૂછકર ઉન્હેં પૈદા કરના.

૧૪ વર્ષની ઉંમરે અમિતાભ નૈનિતાલની શેરવુડ સ્કૂલમાં ભણતા હતા ત્યારે એક નાટકમાં ભાગ લેવાના માત્ર બે જ દિવસ પહેલાં તેમને ઓરી નીકળ્યા. એ વખતે હરિવંશરાય ત્યાં આવ્યા અને રૂમમાં પથારી પર આડા પડેલા દીકરા અમિતાભને કહ્યું, મન કા હો તો અચ્છા, મન કા ના હો તો ઔર ભી અચ્છા. ટીનેજર અમિતાભે પૂછ્યું કે આપણા મનનું ન થાય એમાં સારું શું વળી? ત્યારે હરિવંશરાયે સમજાવ્યું કે આપણી ઇચ્છા મુજબનું ન થાય એનો મતલબ એ કે ત્યારે ઉપરવાળાની ઇચ્છા પ્રમાણેનું થઈ રહ્યું છે, જે આપણા માટે ક્યારેય ખરાબ ન હોય.

સચિન તેન્ડુલકર


સચિન તેન્ડુલકર માને છે કે આજે પણ તેના પિતા તેની સાથે જ છે અને સતત તેને માર્ગદર્શન આપતા રહે છે. એક પપ્પા તરીકે સચિન પણ પોતાના પપ્પા જેવો જ સાબિત થઈ રહ્યો છે.

અમિતાભની જેમ સચિન તેન્ડુલકરના પિતા રમેશ તેન્ડુલકર પણ સાહિત્યકાર હતા. મરાઠી સાહિત્યમાં તેમનું નામ ભારે આદરભેર લેવામાં આવે છે. ઈ. સ. ૧૯૯૯ના ઇંગ્લૅન્ડ ખાતે રમાઈ રહેલા વર્લ્ડ કપ વખતે જ રમેશ તેન્ડુલકરનું ૬૭ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું. સચિનને વર્લ્ડ કપ અધવચ્ચે જ છોડીને મુંબઈ આવવું પડ્યું. એવી કપરી ઘડીએ પણ સચિનની માતાએ કહ્યું કે અહીં રોકાવાને બદલે તું ફરી પાછો ટુર્નામેન્ટ રમવા જા, દેશને તારી વધારે જરૂર છે; ઈવન તારા પપ્પા હોત તો તે પણ આવું જ કહેત. સચિન પાછો આવ્યો અને કેન્યા સામેની મૅચમાં તેણે ૧૪૦ રન ફટકારીને પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપી. સચિને એકથી વધુ વખત કહ્યું છે કે મને સતત તેમની હાજરીનો એહસાસ થતો આવ્યો છે. હું જ્યારે પણ કોઈ મહત્વના નિર્ણયો લઉં ત્યારે તેઓ સતત મને માર્ગદર્શન આપતા રહ્યા છે.

પોતાના પિતા વિશે સચિને કહ્યું છે કે સૌથી મોટી વાત પપ્પાએ મને એ શીખવી કે બધાની સાથે એકસમાન રીતે જ વર્તવું પછી તે આપણા ઘરે આવતા અત્યંત પ્રતિષ્ઠિત લેખક હોય કે પછી ઘરે કચરો વાળવા આવતી વ્યક્તિ હોય. આ વાત તેમણે કહીને નહીં બલકે કહ્યા વગર અલમાં મૂકીને, એનો દાખલો બેસાડીને અમને શીખવેલી.

બીજી મહત્વની વાત તેમણે અમને એ શીખવી કે જીવનમાં બધું જ કામચલાઉ છે અને દરેક વસ્તુને એક ડેડલાઇન, એક એક્સપાયરી ડેટ હોય છે. પરંતુ એક વસ્તુ આપણા જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણી સાથે રહે છે અને એ છે આપણી પ્રકૃતિ. લોકો આપણા સ્વભાવને યાદ રાખે છે અને એટલે જ આપણે સારી-સભ્ય રીતે વર્તવું જોઈએ.

અત્યારે તો હવે સચિનનો દીકરો અર્જુન પણ ક્રિકેટ રમવા લાગ્યો છે અને તેના પર તેના પિતાની પ્રચંડ પ્રતિભાનો પડછાયો વર્તાવા લાગ્યો છે. એ વિશે પણ સચિને કહ્યું છે કે જે રીતે મારાં માતાપિતાએ મને મારી મરજી મુજબની કારકિર્દી પસંદ કરવાની તક આપેલી એ જ રીતે અજુર્‍ને પણ પોતાને જેમાં મજા પડતી હોય એ જ કારકિર્દી પસંદ કરવી જોઈએ. જો તમને કોઈ કામ કરવામાં ખરેખર મજા પડતી હોય અને ગમે તેટલું હોવા છતાં એ કામનો ભાર ન વર્તાતો હોય તો એ જ કામ પસંદ કરવું જોઈએ. અર્જુન પોતાના પૅશનથી પોતાના માટે જે કારકિર્દી પસંદ કરશે એમાં હું તેની સાથે સતત રહીશ.

બરાક ઓબામા


બરાક ઓબામા ૧૦ વર્ષના હતા ત્યારે એક જ વાર પિતા મળવા આવેલા, એટલે જ પિતા તેમના માટે જે નહોતા બની શક્યા તે આજે તેઓ પત્ની અને દીકરીઓ માટે બનવાના પ્રયત્ન કરે છે.

અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામાની માતા સ્ટૅનલી ઍન ડનહામ અને તેમના પિતા બરાક ઓબામા સિનિયર બન્ને ઈ.સ. ૧૯૬૦માં રશિયન ભાષાના ક્લાસમાં મળ્યાં, પ્રેમમાં પડ્યાં અને થોડા જ મહિનામાં પરણી પણ ગયાં. તેમનું લગ્નજીવન માત્ર છ મહિના જ ટક્યું. ૧૦૬૧ના ઑગસ્ટમાં જ્યારે તેઓ છૂટાં પડ્યાં ત્યારે બરાક ઓબામા જુનિયરનો જન્મ થઈ ચૂક્યો હતો. પછી તો કેન્યા જઈને ઓબામા સિનિયરે બીજાં લગ્ન કરી લીધાં અને માતા સ્ટૅનલીએ પણ ભણવાનું પતાવીને લગ્ન કરી લીધાં. ઓબામા જ્યારે ૨૧ વર્ષના હતા ત્યારે ૧૯૮૨માં તેમના પિતાનું એક કાર-અકસ્માતમાં મૃત્યુ થયેલું. એ પહેલાં તેઓ માત્ર એક જ વખત હવાઈમાં દીકરાને મળવા આવેલા. ત્યારે બરાક જુનિયર માત્ર દસ વર્ષના હતા. આવા જ એક ફાધર્સ ડે પર પ્રેસિડન્ટ ઓબામાએ આપેલી એક સ્પીચમાં કહ્યું હતું, વિશ્વમાં સૌથી મહત્વની કોઈ જૉબ હોય તો એ છે પિતા બનવું. આપણે ટેક્નૉલૉજીની દ્રષ્ટિએ ગમે તેટલા આગળ વધીએ, પરંતુ પ્રેમ અને સર્પોટની જગ્યા કોઈ લઈ શકે નહીં. બાળકના જીવનમાં માતાપિતાની હાજરીથી મહત્વનું બીજું કશું જ નથી. મને મારા પિતા ખરેખર કેવા હતા એની કશી ખબર જ નથી. હું એક સિંગલ મધર અને નાના-નાની પાસે મોટો થયો. તેમણે મારા માટે ભરપૂર બલિદાનો આપ્યાં અને પોતાનાથી બનતું બધું જ કરી છૂટ્યાં. પરંતુ મને સતત લાગતું કે મારી સાથે મારા પિતા હોત તો? એટલે જ મારા પિતા મારા માટે જે નહોતા બની શક્યા તે હું આજે મિશેલ અને મારી બન્ને દીકરીઓ માટે બનવાનો પ્રયત્ન કરતો રહું છું. એક પેરન્ટ બનવું જરાય સહેલું નથી. તેમના પર સતત ધ્યાન આપવું પડે છે, ઢગલાબંધ બલિદાનો આપવાં પડે છે અને અખૂટ ધીરજ રાખવી પડે છે. અને કોઈ પણ વ્યક્તિ પર્ફેક્ટ હોતી નથી. હું આજે પણ એક સારો પતિ અને સારો પિતા બનવા માટે સંઘર્ષ કરું છું. હું એટલું શીખ્યો છું કે આપણે આપણી કારકિર્દીમાં ગમે તેટલી સફળતા મેળવીએ, પરંતુ એક પરિવાર તરીકે આપણે નિષ્ફળ જઈએ તો તેની સામે આપણી બધી જ સફળતાઓ-સિદ્ધિઓ ઝાંખી લાગવા માંડે છે. હું જ્યારે પાછું વળીને જોઉં ત્યારે મેં કેવા કાયદાઓ પસાર કર્યા કે કેવી નીતિઓ ઘડી એ નહીં બલકે મિશેલ સાથેની મારી સફર કેવી રહી એ જ મને દેખાય. મને (દીકરી) સાશાની ડાન્સની પ્રૅક્ટિસ યાદ આવે કે મલિયાની ટેનિસ મૅચો યાદ આવે. શાંતિની પળોમાં અમે જે વાતો કરી એ યાદ આવે. મને એ દેખાય કે હું તેમને જરૂર હતી ત્યારે તેમની સાથે રહ્યો કે કેમ, તેમને (સંતાનોને) એવું લાગે છે કે તેમના પિતાએ તેમને પૂરતો પ્રેમ આપ્યો છે કે નહીં.

માર્ક ઝકરબર્ગ- એડવર્ડ ઝકરબર્ગ


માર્ક ઝકરબર્ગના પિતા એડવર્ડ ઝકરબર્ગને દીકરાની સિદ્ધિ પર ગર્વ છે અને હવે માર્ક પોતે પણ એક પિતા તરીકે અનુકરણીય સાબિત થઈ રહ્યો છે.

ફેસબુકનો સર્વેસર્વા માર્ક ઝકરબર્ગ વિશ્વનો સૌથી નાની વયનો સેલ્ફ મેહ બિલ્યનેર તો છે જ. સાથોસાથ તેણે દીકરી મૅક્સના જન્મ પછી પિતા તરીકેના નવા દાખલા પણ સેટ કરવા માંડ્યા છે. તેણે દીકરીના ડાયપર બદલતા, તેને રસી પીવડાવવા જતા, તેને સ્વિમિંગ કરાવતા ફોટો મૂકીને વિશ્વભરના પિતાઓને નવી પ્રેરણા પૂરી પાડી છે. પરંતુ માર્કના પિતા ડૉ. એડવર્ડ ઝકરબર્ગ વિશે ભાગ્યે જ કશું ચર્ચાય છે. માર્કના આ ડેન્ટિસ્ટ પપ્પાએ પાંચ વર્ષ પહેલાં અમેરિકાની એક રેડિયો ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં દીકરા વિશે જાતભાતની વાતો કરેલી. તેમણે કહેલું કે માર્કના જન્મના એક જ વર્ષ પછી અમે ઈ. સ. ૧૯૮૫માં મારી ઑફિસને કમ્પ્યુટરાઇઝ્ડ કરી નાખેલી. અમારાં સંતાનો ત્યાં જ મોટાં થયેલાં એટલે તેમને સ્વાભાવિક રીતે કમ્પ્યુટરો સાથે પ્રેમ થયો. મેં અને મારી પત્નીએ કાયમ એ વાતનું ધ્યાન રાખ્યું છે કે સંતાનની શક્તિઓ અને તેમનું પૅશન ઓળખીને તેમને એમાં આગળ વધવા સર્પોટ કરતા રહેવું. પેરન્ટિંગમાં કોઈ પણ પ્રકારનાં એક્સ્ટ્રીમ-દુરાગ્રહ ઘાતક નીવડે છે. બાળક પર જબરદસ્તી ન કરવી જોઈએ. પણ હા, તેમને સારા-નરસાનો ખ્યાલ તો હોવો જ જોઈએ. નાનપણથી જ મૅથ્સ અને સાયન્સમાં રસ લેતો માર્ક શાંત છોકરો છે અને ક્યારેય પોતાની સિદ્ધિઓનાં ગુણગાન નથી ગાતો. મને તેની સિદ્ધિ પર અત્યંત ગવર્‍ છે. આજે એડવર્ડ ઝકરબર્ગ પણ પોતાના ડેન્ટિસ્ટ તરીકેના વ્યવસાયને પ્રમોટ કરવા માટે ફેસબુકનો ઉપયોગ કરે છે. તેમનો દીકરો માર્ક ઝકરબર્ગ કેવો પિતા બનશે એનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય એમ છે કે તેણે દીકરી મૅક્સનો જન્મ થતાંની સાથે જ ફેસબુકના પોતાના ૯૯ ટકા શૅર દાનમાં આપી દેવાની જાહેરાત કરી દીધી હતી.

મુહમ્મદ અલી


બૉક્સિંગની રિંગમાં હરીફોને ધોઈ નાખતા મુહમ્મદ અલી એકદમ કોમળ પિતા હતા.

વિશ્વના ગ્રેટેસ્ટ સ્પોર્ટ્સમેન અને બૉક્સર એવા મુહમ્મદ અલી હમણાં ૩ જૂનના રોજ પાર્કિન્સન્સ ડિસીઝ સામેની લડાઈ હારી ગયા ત્યારે આખી દુનિયાએ શોક મનાવ્યો. મુહમ્મદ અલી ચાર પત્નીઓ અને નવ સંતાનોનો બહોળો પરિવાર ધરાવતા હતા. બૉક્સિંગની રિંગમાં પોતાના હરીફોને ક્રૂરતાથી ધોઈ નાખતા અલી પોતાનાં સંતાનો સાથે એકદમ કોમળ પિતા હતા. આ વાત તેમનાં સંતાનોએ જ કહી છે. સંતાનો ઘરે આવે ત્યારે તેમને બીવડાવવા માટે અલી દરવાજા પાછળ સંતાઈ જાય અને હાઉકલી કરીને તેમને ડરાવી દે. તેમની દીકરી મરિયમ અલીએ કહ્યું છે કે પાર્કિન્સન્સ ડિઝીસે ભરડો લીધો એ પછી પણ તેમના પિતા જાહેરમાં જ્યારે કોઈ વૃદ્ધ દંપતીને હાથમાં હાથ નાખીને જતાં જુએ તો તેમની આંખમાંથી આંસું સરી પડતાં, કારણ કે એ જોઈને તેમને પોતાનાં માતાપિતાની યાદ આવી જતી. અલી ક્યારેય પોતાની લાગણીઓ છુપાવવામાં માનતાં નહીં. તેમના પર બનેલી ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘આઇ ઍમ અલી’માં તેમની દીકરી મરિયમે કહ્યું છે, ‘હું જ્યારે અગિયાર વર્ષની હતી ત્યારે મારા પિતાએ મને પૂછેલું કે તને શું લાગે છે, મારે બૉક્સિંગ રિંગમાં પાછા ઊતરવું જોઈએ? નિરાળા અંદાજમાં તે વિવિધ મુદ્દે અમારા અભિપ્રાયો જાણવા માગતા. એક વખત તેમણે એવું પણ પૂછેલું કે જરા ગાળો બોલીને બતાવ તો. મારે જાણવું છે કે તું ગાળ બોલે ત્યારે કેવી લાગે છે.

અલી જ્યારે આઠ કે નવ વર્ષના હતા ત્યારે એક વાઇટ છોકરાએ તેના પર હાથ ઉપાડો કરેલો. કોઈએ માંડ બચાવેલા. એ વખતે નાનકડા અલીએ પોતાના પિતાને પૂછેલું કે આપણે શા માટે આ લોકો જેવા પૈસાદાર ન થઈ શકીએ? ત્યારે તેના પિતાએ અલીના હાથને સ્પર્શીને તેની ચામડીના રંગ તરફ આંગળી ચીંધીને કહેલું કે આ કારણે. એ વખતે અમેરિકામાં રંગભેદી વાતાવરણ ચરમસીમાએ હતું. પરંતુ અલીએ તમામ અવરોધોને વળોટીને પૈસા અને પ્રસિદ્ધિની ટોચ હાંસલ કરીને બતાવેલી. તેમની બૉક્સર દીકરી લૈલાએ પિતા વિશે સરસ શ્રદ્ધાંજલિમાં કહેલું, મને આનંદ એ વાતનો છે કે હવે તેમની તમામ પીડાઓનો અંત આવી ગયો છે અને તેઓ અત્યારે આ દુનિયા કરતાં ક્યાંય વધુ સારી જગ્યાએ છે. આજે તેમનાં સંતાનો વચ્ચે સંપત્તિના મુદ્દે કદાચ ઘર્ષણ ચાલતું હશે, પરંતુ પિતા વિશે પ્રશંસા કરતાં તેઓ થાકતાં નથી.

જૅકી ચૅન

જૅકી ચૅન પોતાની સંપત્તિમાંથી દીકરાને કાણી પાઈ પણ આપવાનો નથી. તેનું કહેવું છે કે દીકરો કાબેલ હશે તો જાતે કમાઈ લેશે અને તેનામાં આવડત નહીં હોય તો સંપત્તિ વેડફી જ નાખશે.

તમને ફિલ્મોમાં રસ હોય કે ન હોય, પરંતુ હૉન્ગકૉન્ગના માર્શલ આટ્ર્સ મૂવી સ્ટાર જૅકી ચૅનનું નામ સાંભળ્યું જ હોય. જૅકી ચૅનની ફિલ્મો જેટલી જ તેનાં પોતાનાં માતાપિતા અને એક પિતા તરીકે પોતાની દાસ્તાન રસપ્રદ છે. આજથી ત્રણેક વર્ષ પહેલાં જૅકી ચૅન પોતાના પિતા ચાર્લ્સ ચૅન સાથે કારમાં જઈ રહ્યા હતા ત્યારે તેમના પિતાએ દીકરા જૅકીને કહ્યું, ‘જૅકી, મારી હવે ઉંમર થઈ. કાલે સવારે ઊઠું કે નહીં એ પણ નક્કી નહીં. મારે તને એક સીક્રેટ કહેવાનું છે. તારું સાચું નામ ફોન્ગ છે.’

એક ઇન્ટરવ્યુમાં જૅકી ચૅને જ કબૂલ કર્યું છે કે તેમના પિતા ચીનમાં એક જાસૂસ હતા (જ્યારે જૅકીની માતા એક ગૅમ્બલર, અફીણની સ્મગલર હતી). ઈ. સ. ૧૯૪૯માં ચીની સરકારથી બચીને હૉન્ગકૉન્ગ આવેલા તેના પિતા ચાલીસ વર્ષ સુધી એક રસોઇયા તરીકે ઑસ્ટ્રેલિયાની અમેરિકન એમ્બેસીમાં સંતાઈ રહ્યા હતા એટલું જ નહીં, જૅકીના બે અન્ય ભાઈઓ શાઇડ અને શિશેન પણ હતા.

એક સંતાન તરીકે પોતાનાથી વર્ષો સુધી દૂર રહેનારા પિતા વિશે તેણે નાખુશી જાહેર કરતાં કહેલું કે પોતાના સંતાનને કોઈ આ રીતે તરછોડી કેવી રીતે શકે? વર્ષો પછી ૨૦૦૯માં જૅકી ચૅનને ચાઇનીઝ સરકારે ઍન્ટિ-ડ્રગ્સ ઝુંબેશનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવ્યો હતો. પરંતુ ૨૦૧૪માં જૅકી ચૅનનો જ ૩૧ વર્ષનો દીકરો જેસી ચૅન ડ્રગ્સનું સેવન કરતો અને ડ્રગ્સ રાખવાના આરોપસર પકડાઈ ગયો અને તેને છ મહિનાની કેદની સજા થઈ. એ વખતે જૅકીએ કહેલું કે ‘હું સખત આઘાતમાં છું, ગુસ્સે છું, હાર્ટબ્રોકન છું અને મારા દીકરાએ જે કંઈ કર્યું એ માટે અત્યંત શરમિંદા છું. હું મારા દીકરાને પણ કહું છું કે તેં જે કંઈ કર્યું એનાં પરિણામ તારે ભોગવવાં જ પડશે અને તમામ યુવાનોએ મારા દીકરા જેસી પરથી બોધપાઠ લઈને ડ્રગ્સથી દૂર રહેવું જોઈએ.’

જેલની સજા કાપીને બહાર આવ્યા પછી જેસીએ કહેલું કે ૨મારા પિતાએ મારી સજા ઓછી કરાવવા માટે પોતાની વગનો સહેજ પણ ઉપયોગ કર્યો નહોતો એટલું જ નહીં, મારાં મમ્મી-પપ્પામાંથી કોઈ મને આ જેલવાસ દરમ્યાન મળવા આવ્યું નહોતું. હું એને જ લાયક હતો. મારી કરતૂતનાં માઠાં પરિણામ મારા પિતાએ ભોગવવાં પડે એ હું જરાય ઇચ્છતો નથી.’

સજા પત્યા પછી બાપ-દીકરાનું તાઇવાન ખાતે પહેલી વાર મિલન થયું હતું. એ વખતે બન્નેએ પ્રેમભરી વાતો કરી અને જૅકીએ દીકરા જેસીના વાળ કાપી આપ્યા હતા. એક ચોંકાવનારા નિર્ણય પ્રમાણે જૅકી ચૅને પોતાની ૮.૭૨ અબજ રૂપિયાની સંપત્તિમાંથી સગા દીકરા જેસીને બાકાત રાખ્યો છે. જેકીએ કહ્યું છે કે ‘મારા મર્યા પછી મારી તમામ સંપત્તિ ચૅરિટીમાં જશે. જો તે ખરેખર સક્ષમ હશે તો તે પોતાની સંપત્તિ જાતે જ કમાઈ લેશે. જો તેનામાં આવડત નહીં હોય તો તે મારી મહેનતથી કમાયેલી સંપત્તિ વેડફી જ નાખવાનો છે.’

એક પિતા તરીકે અત્યંત કડક એવા જૅકીએ પોતાના દીકરાને માર્શલ આર્ટ શીખવાની બાબતમાં અત્યંત આળસુ કહ્યો છે. હૉલીવુડ સ્ટાર વિલ સ્મિથ સાથે ‘કરાટે કિડ’ નામની ફિલ્મ કર્યા પછી તેણે કહેલું કે વિલ, હું તારા દીકરાને દત્તક લઈ શકું? એક મુલાકાતમાં જૅકી ચૅને પોતાના વિશે કહેલું, ‘એક પિતા તરીકે હું સારો હતો કે ખરાબ મને ખબર નથી કારણ કે મેં ક્યારેય મારા દીકરાની સંભાળ રાખી જ નથી. હું તેને ક્યારેય સ્કૂલ મૂકવા પણ ગયો નથી. એક વાર હું તેને સ્કૂલથી તેડવા ગયેલો ત્યારે હું ખોટી સ્કૂલમાં પહોંચી ગયેલો. જેસી સાથેનો મારો સંબંધ બાપ-દીકરા કરતાં એક મિત્ર તરીકેનો વધારે. મારો મારા પિતા સાથેનો સંબંધ પણ એવો જ હતો.’

શાહરુખ ખાનસુપરસ્ટાર શાહરુખ ખાનને દેશના બેસ્ટ પપ્પાનો અનઑફિશ્યલ ખિતાબ મળી જ ચૂક્યો છે. માત્ર ૧૬ અને ૨૬ વર્ષની ઉંમરે પિતા અને માતાને ગુમાવી દેનારા શાહરુખે પોતાનાં સંતાનો સાથે એકદમ મૈત્રીપૂર્ણ સંબંધ રાખ્યો છે. આ વાત તે વખતોવખત પોતાનાં ટ્વીટ્સ દ્વારા, ઇન્ટરવ્યુમાં અને ફોટોગ્રાફમાં બયાન કરતો રહે છે. શાહરુખનો મોટો દીકરો આર્યન, દીકરી સુહાના અને સૌથી નાનો અબરામ તેની સાથે ધિંગામસ્તી કરતાં હોય એવી તસવીરો અને વિડિયો છાશવારે વાઇરલ થતાં રહે છે. શાહરુખે પોતાના પિતા વિશે વાત કરતાં એક વાર કહેલું કે ‘હું નાનો હતો ત્યારે અમારા પાડોશનાં એક સાઉથ ઇન્ડિયન આન્ટી મારી ફરિયાદ કરવા આવેલાં. મારા પિતાએ દરવાજો ખોલ્યો તો તેમણે ફરિયાદ કરી કે તમારો છોકરો મારી છોકરીની છેડતી કરે છે. ત્યારે મારા પિતાએ પૂછ્યું, તમારી દીકરી પણ તમારા જેવી જ સુંદર છે? પેલાં આન્ટીએ કહ્યું, હા. ત્યારે મારા પિતા કહે કે તો પછી એમાં મારા દીકરાનો શો વાંક? હું તમને થોડો વહેલો મળ્યો હોત તો હું પણ તમારી પાછળ લટ્ટુ થઈ ગયો હોત.’

સ્પક્ટ દેખાય છે કે શાહરુખની એકદમ શાર્પ સેન્સ ઑફ હ્યુમર તેને વારસામાં મળી છે.

શાહરુખે કબૂલ્યું છે કે હું પણ મારા પપ્પા જેવો જ ભુલકણો છું. મારા પપ્પા ક્યારેક ટૉઇલેટમાં નાસ્તો કરવા બેસી જતા. લોકોનાં નામ ભૂલી જતા. ઈવન શર્ટ, મોજાં, બૂટ પહેરીને ઘરની બહાર નીકળી જાય ત્યારે યાદ આવે કે તેમણે પૅન્ટ તો પહેર્યું જ નથી.

શાહરુખની પોતાનાં સંતાનો સાથેની કેમિસ્ટ્રી ફ્રેન્ડશિપવાળી છે એનો પુરાવો ખુદ શાહરુખે જ આપતાં કહ્યું છે કે મારી માનસિક ઉંમર પણ ૧૨-૧૪ વર્ષના બાળક જેવી જ છે એટલે હું પણ તેમના જેવો જ બની જાઉં છું. ઈવન સુહાના તો પપ્પાને ફ્રેન્ડશિપ બૅન્ડ પણ બાંધે છે. તે તેમની સાથે કૉફી ડેટ પર જાય છે, દીકરી પાસેથી જ્યોગ્રાફી પણ શીખે છે. શાહરુખ પોતાનાં સંતાનોને હિન્દુ શું કે મુસ્લિમ શું એ કહેતો નથી. તેના ઘરમાં કુરાનની બાજુમાં હિન્દુ મૂર્તિઓ પણ સ્થાપિત થયેલી છે. તેના સૌથી નાના દીકરાનું નામ અબરામ સંત અબ્રાહમ પરથી પાડ્યું છે જેમાં શ્રીરામનો પણ સમાવેશ થઈ જાય છે. તેણે ક્યારેય પોતાનાં સંતાનો પર ભણવામાં ફસ્ર્ટ આવવાનું દબાણ નથી કર્યું. શાહરુખનું કહેવું એવું છે કે ફસ્ર્ટ આવવાનો આગ્રહ રાખવો એ અમારી ફિલ્મોને ૧૦૦ કરોડની કમાણીની ક્લબમાં સામેલ કરવા જેવી બોગસ બાબત છે. તમે છો એના કરતાં થોડા સારા બનવા પ્રયત્ન કરો એ જ શ્રેષ્ઠ વસ્તુ છે. રોજ સવારે ઊઠીને તેનાં બાળકો તેને સામેથી ભેટવા અને ગુડ મૉર્નિંગ કહેવા આવે છે. તે પોતે એટલો રમતિયાળ છે કે કોઈ બિઝનેસ મીટિંગ અને બાળકો સાથે વિડિયો ગેમ રમવામાંથી એકની પસંદગી કરવાની હોય તો તે બીજો વિકલ્પ જ પસંદ કરે. શાહરુખ પોતાનાં સંતાનોને જીવનમાં આવતી નાનામાં નાની વસ્તુઓનું મહત્વ સમજાવવાનું પણ ચૂકતો નથી. નાનકડાં ફૂલોનું, કવિતાઓનું મહત્વ, સાદાઈમાં રહેલી મહાનતા, ઈશ્વરની કૃપા એ બધાં વિશે તે પોતાની હળવી સ્ટાઇલમાં સંતાનોને શીખવતો રહે છે. અને હા, તેનાં સંતાનોમાં પણ શાહરુખ બ્રૅન્ડ સેન્સ ઑફ હ્યુમર ઊતરી આવી છે.