કૉમ્પ્રોમાઇઝ અને વિશ્વાસ એ સફળ લગ્નજીવનની ચાવી છે : સની લીઓની

સની લીઓની કહે છે કે તમે પાર્ટનર સાથે તમામ પ્રકારની વાતચીત કરો એ પણ ખૂબ જ જરૂરી છે

sunny leoneબૉલીવુડમાં ઘણી સેલિબ્રિટીઓએ તેમના લગ્નજીવનનો અંત આણી દીધો છે તો બીજી તરફ કેટલીક સેલિબ્રિટીઓના લગ્નજીવનમાં પ્રૉબ્લેમ ચાલી રહ્યા છે ત્યારે સની લીઓની કહે છે કે સફળ લગ્નજીવન માટે કૉમ્પ્રોમાઇઝ અને વિશ્વાસ ખૂબ જ જરૂરી છે. સની લીઓનીએ ડૅનિયલ વેબર સાથે ૨૦૦૯માં લગ્ન કરેલાં  અને તેમના સફળ લગ્નજીવન પાછળનું રહસ્ય પૂછતાં તેણે કહ્યું હતું કે ‘કૉમ્પ્રોમાઇઝ અને વિશ્વાસ એ સફળ લગ્નજીવનની ચાવી છે. હું એમાં વિશ્વાસ કરું છું કે હૅપી વાઇફ હૅપી લાઇફ. પરંતુ લગ્નજીવનમાં કૉમ્પ્રોમાઇઝ, અનકન્ડિશનલ લવ અને એકબીજા સાથે તમામ પ્રકારની વાતચીત કરો એ પણ ખૂબ જ જરૂરી છે. તમે દરેક વસ્તુમાં સહમત નહીં હો એ વાજબી છે, તેથી એકબીજા માટે કૉમ્પ્રોમાઇઝ કરવું જરૂરી છે.’

સની લીઓનીએ ૨૦૧૨માં ‘જિસ્મ ૨’ દ્વારા બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું અને તેણે અગાઉ એવું કહ્યું હતું કે તેને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં તે બહારની વ્યક્તિ હોય એવું લાગે છે. સનીને પૂછવામાં આવ્યું કે તે હજી પણ એવું જ માને છે? ત્યારે તેણે કહ્યું હતું કે ‘હું ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ઘણા સારા લોકોને મળી છું અને મને એ વાતની ખુશી છે.’

હું નસીબદાર છું કે મને હવે અરબાઝ ખાન સાથે કામ કરવા મળશે : સની લીઓની

સની લીઓની પોતાને ખૂબ જ નસીબદાર માને છે, કારણ કે તે ‘તેરા ઇન્તઝાર’માં અરબાઝ ખાન સાથે કામ કરી રહી છે. શાહરુખ ખાન સાથે ‘રઈસ’માં ડાન્સ-સૉન્ગ કર્યા બાદ હવે તે અરબાઝ સાથે ફિલ્મ કરી રહી છે. આ વિશે પૂછતાં તે કહે છે, ‘હા, આ વાત સાચી છે. હું અરબાઝ સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સુક છું. મને નથી ખબર કે મને મારું જીવન કઈ સાઇડ લઈ જઈ રહ્યું છે, પરંતુ જે કંઈ થાય છે એ ચોક્કસ કારણ માટે જ થાય છે. આ માટે હું પોતાને ખૂબ જ નસીબદાર માનું છું. મારી સાથે બૉલીવુડમાં હંમેશાં સારું જ થયું છે અને એ માટે હું દરેકની આભારી છું.’