મુંબઈ ઑલમોસ્ટ આઉટ

ગુજરાતનો ૬ વિકેટે વિજય : પુત્રીના પિતા બન્યા બાદ સતત બીજી મૅચમાં સુરેશ રૈના બન્યો મૅન ઑફ ધ મૅચ

miIPLમાં ગઈ કાલે એક નિર્ણાયક જંગમાં પહેલી સીઝન રમી રહેલી ગુજરાત લાયન્સે ગઈ સીઝનની ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને ૬ વિકેટે હરાવીને ટુર્નામેન્ટની બહાર જવાના દરવાજા પર મૂકી દીધું છે. મુંબઈ ઇન્ડિયન્સે આપેલા ૧૭૩ રનના ટાર્ગેટને ગુજરાતે કૅપ્ટન સુરેશ રૈનાના ૫૮ તથા બ્રેન્ડન મૅક્લમના ૪૮ તથા ડ્વેઇન સ્મિથના અણનમ ૩૭ રનની મદદથી ૧૭.૫ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. આ સીઝનમાં બન્ને ટીમો વચ્ચે પહેલી ટક્કરમાં પણ ગુજરાતે મુંબઈને ત્રણ વિકેટે હરાવ્યું હતું. પુત્રીના પિતા બન્યા બાદ કલકત્તા બાદ ગઈ કાલે મુંબઈ સામે સતત બીજી મૅચમાં રૈના હીરો બન્યો હતો.

કલકત્તા-દિલ્હીની ખરાબ હાર મુંબઈને બચાવી શકે

મુંબઈએ હવે પ્લેઑફમાં જવા માટે પ્રાર્થના કરવી પડશે કે આજે કલકત્તા અને દિલ્હી ખરાબ રીતે હારે. જો એમ થાય તો મુંબઈ, દિલ્હી અને કલકત્તાના એકસરખા ૧૪ પૉઇન્ટ થાય અને રન-રેટને આધારે મુંબઈ માટે પ્લેઑફમાં જવાનો રસ્તો ખૂલી શકે. હૈદરાબાદ અને કલકત્તાની મૅચ વરસાદને લીધે ધોવાઈ ગઈ તો પણ મુંબઈ આઉટ થઈ જશે.

રાણાની મહેનત પાણીમાં, રૈના હીરો

નીતીશ રાણાની ૩૬ બૉલમાં ચાર સિક્સર અને સાત ફોરની મદદથી ૭૦ રનની આક્રમક ઇનિંગ્સના જોરે મુંબઈએ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૭૨ રન બનાવ્યા હતા. ગુજરાત વતી પ્રવીણકુમાર, ધવલ કુલકર્ણી અને સ્મિથે બે-બે વિકેટ લીધી હતી. પહેલી જ ઓવરમાં ઍરોન ફિન્ચને ગુમાવ્યા બાદ ગુજરાતને મૅક્લમ અને રૈનાએ ૯૫ રનની પાર્ટનરશિપ સાથે સહારો આપ્યો હતો. સ્મિથ અને રવીન્દ્ર જાડેજા (૨૧)એ આખરે ટીમની જીત પાકી કરી આપી હતી.

આ જીત સાથે ગુજરાતનું પૉઇન્ટ ટેબલમાં પહેલું અથવા બીજું સ્થાન પાકું થઈ ગયું છે અને એ હવે મંગળવારે ક્વૉલિફાયર-વનમાં રમશે.