સ્ટ્રેસ હોવા છતાં મેન્ટલી હેલ્ધી રહેવું શક્ય છે

જો તમે થોડો પ્રયત્ન કરો તો ગમે એટલું સ્ટ્રેસ આવે એને સ્વસ્થતાથી મૅનેજ કરી શકો છો. આ પ્રયત્નો એટલે કયા? શું કરવાથી આ સ્ટ્રેસને મૅનેજ કરવું સરળ બને છે? આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેના દિવસે જાણીએ          

stressજિગીષા જૈન

ગઈ કાલે આપણે જોયું કે તમારું કામ તમારી માનસિક હેલ્થ પર કઈ રીતે અસર કરી શકે છે. કામમાં આવતાં નાનાં-નાનાં સ્ટ્રેસ આગળ જતાં કાયમી બની જાય છે અને એ કાયમી સ્ટ્રેસ તમારી માનસિક હાલતને ખરાબ કરે છે. આ જ કારણો થકી વ્યક્તિના જીવનમાં ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટી ઘર કરી જાય છે. આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે છે એ નિમિત્તે આજની થીમ મેન્ટલ હેલ્થ ઍટ વર્કપ્લેસ રાખવામાં આવી છે. એક વસ્તુ અહીં સમજવા જેવી છે. કામના વધતા કલાકો, ગળાકાપ હરીફાઈ, ઑફિસ પૉલિટિક્સ, પર્ફોર્મન્સનું પ્રેશર, કામનું અતિ ભારણ, લાયકાત કરતાં વધુ કામ વગેરે પરિબળોમાં આપણે ખાસ સુધાર લાવી શકીએ નહીં, કારણ કે આપણે કામ કરવાનું છોડવાના નથી. કામની પૅટર્ન બદલવી ફક્ત આપણા હાથમાં હોતી નથી. કામના કલાકો આપણે ઓછા કરીએ તો આપણા પેટ પર લાત પડી શકે છે. આમ છતાં જો આ બધાથી બચવું હોય તો શું કરવું જોઈએ? આ પરિસ્થિતિમાં પણ મેન્ટલ હેલ્થ યોગ્ય રાખી શકાય છે? જો હા, તો એ કઈ રીતે? એ આજે સમજીએ.

ઘણા લોકોને લાગશે કે બધા જ સ્ટ્રેસમાં જીવે છે એમ એક વધુ આપણે, પરંતુ બધા લોકો એકસરખા નથી હોતા. એકસરખું સ્ટ્રેસ બે વ્યક્તિ પર હોય તો એમાંથી એક એને સારી રીતે હૅન્ડલ કરી શકે છે અને વ્યવસ્થિત પર્ફોર્મ કરી બતાવે છે, પરંતુ એક છે જેને એ અસર કરી જાય છે અને તેનો પર્ફોર્મન્સ તો ખરાબ થાય જ છે એની સાથે તેના સમગ્ર જીવન પર એની અસર વર્તાય છે. સ્ટ્રેસ હંમેશાં હેલ્ધી હોવું જોઈએ જે તમને સારું કામ કરવા અને યોગ્ય નિર્ણયો લેવામાં મદદરૂપ થાય. આ પરિસ્થિતિ આવી શકે છે જો આપણે થોડું ધ્યાન રાખીએ તો. મનને હેલ્ધી કઈ રીતે બનાવી શકીએ, એનું ધ્યાન આપણે કઈ રીતે રાખીએ કે એ સ્વસ્થ રહે એ આજે સમજીએ.

પ્રાણાયામ ઉપયોગી

વર્ષોથી ભારતમાં પ્રાણાયામને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે અને પ્રાણાયામ એ ટેક્નિક્સ છે જેની શોધ ભારતમાં હજારો વર્ષો પૂર્વે થઈ હતી. આજે પિમી દેશો એના પર રિસર્ચ કરે છે અને એને અપનાવી પણ રહ્યા છે. તાજેતરમાં અમેરિકાની નૉર્થ કૅરોલિના યુનિવર્સિટીએ કરેલા રિસર્ચ અનુસાર જે લોકો નાની-નાની વાતોમાં પણ સ્ટ્રેસ લેતા હોય એવા લોકોને સ્લો બ્રીધિંગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે મલ્ટિટાસ્કિંગ દરમ્યાન સમયની મારામારીને કારણે વ્યક્તિ સ્ટ્રેસ અનુભવવા લાગે છે. ખાસ કરીને સમય વેડફાય ગયો એની ગિલ્ટ કે અપરાધભાવ, કામ નહીં થઈ શકે એનો ડર વ્યક્તિના સ્ટ્રેસને વધારે છે. આવા સમયે સ્વાભાવિક રીતે શ્વાસની ગતિ વધી જાય છે. રિસર્ચ મુજબ ત્યારે શ્વાસને ધીમા કરવાથી જે-જે લાગણીઓને કારણે સ્ટ્રેસ અનુભવાતો હોય તે લાગણીઓ ધીમે-ધીમે ચૅનલાઇઝ કરી એને ઉત્સાહ અને આનંદમાં બદલી નાખે છે. પ્રાણાયામ વડે સ્ટ્રેસને દૂર કરી શકાય કે નહીં? એ પ્રશ્નનો જવાબ આપતાં ન્યુ એજ યોગા ઑર્ગે‍નાઇઝેશન-વિલે પાર્લેનાં ફાઉન્ડર અને યોગગુરુ સંધ્યા પત્કી કહે છે, ‘બ્રીધિંગ એટલે શ્વાસ અથવા પ્રાણ અને પ્રાણાયામ એટલે પ્રાણની દરેક દિશામાં ગતિ. પ્રાણાયામ દ્વારા આપણે શારીરિક અને માનસિક પરિસ્થિતિને કન્ટ્રોલમાં રાખી શકીએ છીએ. માનસિક અને ભાવનાત્મક ડિસકમ્ફર્ટ એટલે કે અગવડતાને સ્ટ્રેસ કહે છે. શ્વાસ પરનો કાબૂ માનસિક અને ભાવનાત્મક ડિસકમ્ફર્ટને કમ્ફર્ટમાં ફેરવવાની તાકાત રાખે છે. પ્રાણાયામ દ્વારા લાગણીઓમાં પહોંચતી ખલેલ અને માનસિક કાર્યક્ષમતામાં આવતી અડચણ દૂર કરી શકાય છે. દરેક વ્યક્તિએ એક્સપર્ટ પાસેથી પ્રાણાયામ શીખવાની જરૂર છે પછી એ પોતાની રીતે પ્રૅક્ટિસ કરી શકે છે. દરરોજ ૧૦ મિનિટની પ્રાણાયામની પ્રૅક્ટિસ વ્યક્તિને માનસિક રીતે હેલ્ધી રાખવામાં ઘણી જ મદદરૂપ છે.’

ઊંઘ

અપૂરતી ઊંઘને કારણે માનસિક કાર્યો પર અસર થાય છે. ઊંઘ વગર મગજની પડતી થાય છે. ખાસ કરીને વ્યક્તિનું વર્તન એનાથી અસરગ્રસ્ત થાય છે. એનાથી કોઈ વ્યક્તિને ડિપ્રેશન આવવાની શક્યતા પણ વધી જાય છે. આ વાત સમજાવતાં સ્લીપ ડિસઑર્ડર ક્લિનિકના સ્લીપ ડિસઑર્ડર સ્પેશ્યલિસ્ટ ડૉ. પ્રીતિ દેવાનાણી કહે છે, ‘સાઇકોલૉજિકલ પ્રૉબ્લેમ્સ જેમ કે બાયપોલર ડિસઑર્ડર અને સાઇકોસિસ પણ અપૂરતી ઊંઘનાં જ પરિણામો હોય શકે છે. જે લોકો એઠ કલાકની પૂરતી ઊંઘ નથી લેતા તેમનો સેલ્ફ-કન્ટ્રોલ ઘણો ઓછો હોય છે જેથી ઇચ્છાશક્તિ નબળી હોય છે. ડિપ્રેશન, બાયપોલર ડિસઑર્ડર કે સાઇકોસિસ જેવા સાઇકોલૉજિકલ ડિસીઝ પાછળનું કારણ અપૂરતી ઊંઘ હોય શકે છે. આ ઉપરાંત મોટા ભાગના મૂડ ડિસઑર્ડર પાછળનું કારણ અપૂરતી ઊંઘ જ છે. તમારું કામ ગમે તે હોય, પરંતુ રાત્રે દસથી સવારે ૬ વાગ્યા સુધીની ઊંઘ દરેક વ્યક્તિ માટે જરૂરી છે. જો તમે એ કલાકો દરમ્યાન એક સારી ઊંઘ લેશો તો સ્ટ્રેસને ખૂબ સારી રીતે હૅન્ડલ કરી શકશો, કારણ કે મગજને જો પૂરતો આરામ મળ્યો હોય તો એ ચોક્કસ વ્યવસ્થિત કામ કરે છે અને કોઈ સાઇકોલૉજિકલ તકલીફ ઊભી થવા નહીં દે.’

ખોરાક

જે કામમાં સતત વ્યસ્ત હોય છે તેઓ એમ કહે છે કે અમને ખાવાનો પણ સમય નથી, આ ખાવું અને પેલું નહીં એવો વિચાર ક્યાંથી કરીએ, જે મળે એ ખાઈને કામે વળગો, પરંતુ હકીકત એ છે કે જો આ રીતે કામ કર્યે રાખ્યું તો શરૂઆાતનાં પાંચ વર્ષ તો ખબર નહીં પડે, પરંતુ પછી શરીર કામ કરવાલાયક નહીં બચે. આ બાબત સમજાવતાં ક્રિટિકૅર હૉસ્પિટલ-જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘પોષણયુક્ત ખોરાક માટેના તમારા પ્રયત્નો કરવા જરૂરી છે, કારણ કે એ તમારા શરીર અને મનને વધુ કામ કરવા માટે તૈયાર રાખશે. એમાં મહત્વની બે વસ્તુ છે- સમય પર ખાવું અને પોષણ મળે જેમાંથી એ જ ખાવું. જે ખોરાકમાં ટ્રિપ્ટફૅન વધુ માત્રામાં હોય છે એ ખોરાક સેરોટોનિનનું પ્રમાણ વધારે છે જેમ કે દૂધ, કેળાં, અવાકાડો, ડ્રાયફ્રૂટ્સ અને નટ્સમાંથી મળે છે. આ ખોરાક સ્ટ્રેસને દૂર કરવામાં મદદરૂપ છે.’

એક્સરસાઇઝ અને ધ્યાન

જો તમે દરરોજ એક કલાક એક્સરસાઇઝ કરો છો તો તમે શારીરિક રીતે જ નહીં, માનસિક રીતે પણ ફિટ છો. સ્ટ્રેસને દૂર કરવાનો આ પણ એક સરળ રસ્તો છે. શારીરિક રીતે જો મહેનત કરો તો સ્ટ્રેસ દૂર થાય છે, કારણ કે એક્સરસાઇઝ કરવાથી સેરેટોનિન હૉર્મોન્સનો સ્રાવ થાય છે, જેને લીધે સ્ટ્રેસ દૂર થાય છે. જે વ્યક્તિને કામ સંબંધિત સ્ટ્રેસ ઘણું વધારે હોય એમણે સમય કાઢીને દરરોજ ૨૦ મિનિટ ધ્યાન કરવું જરૂરી છે. ધ્યાન કે મેડિટેશન મનને પ્રબળ બનાવે છે. આ કોઈ સંસારથી દૂર લઈ જનારી નહીં, પરંતુ સંસારિક કાર્યો માટે જરૂરી કાર્યક્ષમતાને વધારનારું સાબિત થાય છે. આ રીતે તમે તમારા પ્રૉબ્લેમનો ઉપાય લાવી શકો છો.

શીખવાલાયક સ્ટ્રેસ-મૅનેજમેન્ટ

પ્રોફેશનલ સ્ટ્રેસ વધુ હોય ત્યારે અમુક શીખવાલાયક સ્ટ્રેસ-મૅનેજમેન્ટ જાણીએ સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અશિત શેઠ પાસેથી તમારા શરીરને ઓળખો. જો ઊંઘ ડિસ્ટર્બ થવા લાગે, નાની-નાની વાતોમાં ડર લાગે, કૉન્ફિડન્સ ઘટતો લાગે, શરીરમાં ઍસિડિટીનો પ્રૉબ્લેમ ચાલુ થાય ત્યારે સમજવું કે આપના જીવનમાં સ્ટ્રેસનો પગપેસારો થયો છે.

ઘણાં રોજબરોજનાં સ્ટ્રેસ એવાં હોય છે જેને ફેસ કરવાં જ પડે છે, પરંતુ એક વખત ટાસ્ક પત્યા પછી એક મસ્ત બ્રેક લો. જો ૧૫ દિવસ તમારા ખૂબ ભારે રહ્યા હોય તો બે દિવસનું મિની વેકેશન મનાવો, જેથી બૅલૅન્સ જળવાય રહે.

ઘણી વખત વ્યક્તિ વધારે સ્ટ્રેસફુલ ત્યારે થઈ જાય છે જ્યારે એને ના પાડતાં નથી આવડતું. બધું કામ પોતાના માથે લઈને ફરવાની જરૂર નથી. કોઈક કન્ડિશનમાં ના પાડતાં પણ આવડવું જરૂરી છે.

ઘણા લોકો બધાં જ કામ છેલ્લી ઘડીએ કરવાની આદત ધરાવતા હોય છે એને કારણે છેલ્લે-છેલ્લે કામનું સ્ટ્રેસ વધી જાય છે. આમ કામ નિયત સમયે કરવું.

જયારે કામના કલાકો ખૂબ વધી જાય ત્યારે વચ્ચે-વચ્ચે બ્રેક લેવાનું શીખો. તમારી જગ્યા પરથી ઊભા થઈ બને ત્યાં સુધી બહાર એક વૉક લો અથવા લાંબા થઈ આંખ બંધ કરી દો. થોડા ઊંડા શ્વાસ લો. મગજને જ નહીં આંખને ,પીઠને, અને હાથને આરામ આપો. એના માટે ઑફિસમાં બ્રેક લઈ થોડા સ્ટ્રેચિસ પણ કરી શકાય, જેનાથી શરીર અને મગજ બન્નેને રિલૅક્સેશન મળે.

ક્યારેક કોઈ કામમાં વ્યક્તિ ખૂબ ઘૂસી ગઈ હોય ત્યારે લાંબા સમય પછી મગજ ખૂબ થાકી જાય છે. એ સમયે મનને બીજી દિશા તરફ વાળો.

જ્યારે પણ સ્ટ્રેસમાં હો ત્યારે દારૂ, સિગારેટ, વધુપડતી ચા અને કૉફીથી દૂર રહેવું.

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio