બાળકને સેરિબ્રલ પૉલ્ઝી જેવા રોગથી બચાવવા માટે આપણે કયા પ્રયત્નો કરી શકીએ?

આ રોગ બાળકમાં કાયમી શારીરિક અને માનસિકતા અક્ષમતા માટે જવાબદાર બને છે. ભારતમાં દર ૧૦૦૦ બાળકોએ ૩ બાળકો આ રોગનો શિકાર છે ત્યારે જાણીએ કે કઈ-કઈ સાવચેતી રાખવાથી આપણે બાળકને આ રોગથી બચાવી શકીએ છીએ

cerebral


WORLD CEREBRAL PALSY DAY - જિગીષા જૈન

દુનિયામાં ૧૦ ટકા લોકો કોઈ ને કોઈ પ્રકારની અક્ષમતા ધરાવે છે. ભારતમાં કુલ ૩.૮ ટકા લોકો અક્ષમ છે. બધા અક્ષમ લોકોમાં ૧૫-૨૦ ટકા અક્ષમ લોકોની અક્ષમતા સેરિબ્રલ પોલ્ઝીને કારણે છે. આ મગજનો એક એવો રોગ છે, જેને કારણે શારીરિક અક્ષમતાનો સામનો કરવો પડે છે. વળી આ રોગ જન્મજાત હોઈ શકે છે કે નવજાત બાળકને પણ થઈ શકે છે. દુનિયામાં દર ૧૦૦૦ બાળકે બે કે અઢી કેસ સેરિબ્રલ પૉલ્ઝીના હોય છે. ભારતમાં આ રેશિયો દર ૧૦૦૦ બાળકે ૩ બાળકોનો છે. ભારતમાં આજની તારીખે ૨૫ લાખ બાળકો સેરિબ્રલ પૉલ્ઝીના શિકાર છે. જોકે વાસ્તવિક આંકડો આનાથી ઘણો મોટો હોવાની પૂરી શક્યતા છે.

રોગ

સામાન્ય રીતે સમજીએ તો સેરિબ્રલ એટલે મગજ અને પૉલ્ઝી એટલે લકવો. મગજના કોઈ ભાગમાં કોઈ પ્રકારની ખામી હોવાને કારણે કે ડૅમેજ થઈ ગયું હોવાને કારણે બાળકના પૉર, તેના હલનચલન અને તેના સ્નાયુમાં રહેલો ટોન અસરગ્રસ્ત થાય છે; જેને લીધે તે હાલવા-ચાલવાનું, ઊઠવા-બેસવાનું, પકડવાનું-ફેંકવાનું વગેરે જેવાં રોજિંદાં કામો કરવામાં અક્ષમતા અનુભવે છે. આ રોગને વધુ વ્યવસ્થિત રીતે સમજાવતાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલનાં પીડિયાટ્રિક ન્યુરોલૉજિસ્ટ પ્રજ્ઞા ગાડગિલ કહે છે, ‘આ રોગ એક છે, પરંતુ તકલીફ દરેક બાળકની જુદી-જુદી હોઈ શકે છે. મગજના એક ભાગમાં ડૅમેજ થાય એ ડૅમેજ કેટલું થયું છે એને આધારે જેમ-જેમ બાળકની ઉંમર વધતી જાય એમ-એમ તમને અંદાજ આવતો જાય છે કે આ બાળકના શરીર પર કેટલી અસર આવી છે. મહત્વની વાત એ છે કે આ રોગમાં મસલ્સ એટલે કે સ્નાયુઓ, આપણી પાંચ સેન્સિસ એમાં પણ ખાસ દૃષ્ટિ, વાચા અને સાંભળવાની શક્તિ અસર પામે છે એટલું જ નહીં, માઇન્ડ અને બાળકનું ઇન્ટેલિજન્સ પણ અસર પામી શકે છે. આમ શારીરિક જ નહીં, માનસિક રીતે પણ આ રોગ અસર કરે છે.

ઓળખ

જન્મ વખતે કે જન્મ પછી કોઈ જાતની તકલીફ પડી હોય અને બાળક નીઓનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટ (NICU)માં રહ્યું હોય અને થોડા સમય પછી સ્ટેબલ થતાં ઘરે જાય ત્યારે મોટા ભાગનાં માતા-પિતાને લાગે છે કે હવે તો તે એકદમ સાજું થઈ ગયું. પરંતુ અમુક બાળકોમાં એવું બનતું નથી. જેમ-જેમ મહિને-મહિને બાળકની શારીરિક અને માનસિક પ્રગતિ દેખાવી જોઈએ એ ન દેખાય, મોડી દેખાય ત્યારે સમજવું કે કંઈક પ્રૉબ્લેમ તો છે જ. આ બાબતને વ્યવસ્થિત સમજાવતાં ડૉ. પ્રજ્ઞા ગાડગિલ કહે છે, ‘નિષ્ણાતના મતે જો તમારું બાળક સ્તનપાન બરાબર નથી કરી શકતું, ખાસ કરીને ચૂસવામાં તેને પ્રૉબ્લેમ થાય છે, તેને પડખું ફરવામાં કે બેસવામાં કે પછી ચાર પગે ચાલવામાં તકલીફ થાય છે, તેના સ્નાયુઓ સામાન્ય કરતાં વધુ કડક કે સ્ટિફ છે, બાળકનું પૉર એક તરફ ઝૂકેલું કે કંઈક અલગ દેખાય છે તો સમજવું કે તેને સેરિબ્રલ પૉલ્ઝી હોઈ શકે છે. આ પ્રૉબ્લેમ  સેરિબ્રલ પૉલ્ઝી જ છે એનું નિદાન કરતાં વાર લાગે છે, કારણ કે એના નિદાન માટે ખાસ કોઈ ટેસ્ટ નથી; પરંતુ બાળકનાં લક્ષણો અને તેની મેડિકલ હિસ્ટરી દ્વારા કહી શકાય કે બાળકને સેરિબ્રલ પૉલ્ઝી છે કે નહીં. મોટા ભાગે લક્ષણો વધારે હોય તો જલદી નિદાન થાય છે, માઇલ્ડ લક્ષણો હોય તો મોડું.

બચાવ

બાળક જ્યારે માના ગર્ભમાં હોય ત્યારે તેનો જન્મ થાય ત્યારે કે પછી જન્મ પછીના અમુક મહિનામાં કોઈ પણ રીતે જો તેના મગજને ક્ષતિ પહોંચે તો બાળકને સેરિબ્રલ પૉલ્ઝી થઈ શકે છે. આ રોગથી બચવા માટે પ્રેગ્નન્સી દરમ્યાન આપણે અમુક પગલાં લઈ શકીએ છીએ. આ પગલાંઓ વિશે જાણીએ પી. ડી. હિન્દુજા હૉસ્પિટલ, માહિમના કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક ન્યુરોલૉજિસ્ટ ડૉ. નીલુ દેસાઈ પાસેથી.

૧. પ્રેગ્નન્સી દરમ્યાન સતત દર મહિને ચેકઅપ કરાવતા રહેવું જેથી કોઈ પણ પ્રકારના કૉમ્પ્લીકેશન વિશે પહેલેથી જાણી શકાય અને બને ત્યાં સુધી એનો ઇલાજ કરી શકાય.

૨. આ દરમ્યાન કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનથી સ્ત્રીએ બચવું ખૂબ જ જરૂરી છે. આ માટે સ્ત્રીએ પ્રેગ્નન્સી પહેલાં જ રૂબેલાની રસી લઈ લેવી.

૩. પ્રેગ્નન્સી દરમ્યાન જ બાળક અને માનું બ્લડ ટેસ્ટ કરવું, જો બન્નેમાં ય્h ફૅક્ટર એટલે કે બ્લડ-ગ્રુપમાં એક પૉઝિટિવ અને બીજું નેગેટિવ હોય તો પહેલેથી જાણી લેવું જરૂરી છે. સામાન્ય રીતે પહેલી પ્રેગ્નન્સીમાં આવું હોય તો બાળકને તકલીફ થવાની શક્યતા ઘણી જ ઓછી રહે છે અને ડિલિવરી થઈ જાય પછી એની રસી લઈ લેવાથી બીજા બાળકમાં આ પ્રૉબ્લેમ આવતો નથી.

૪. જન્મ પછી બાળકને કમળો થાય તો તરત જ તેનો ઇલાજ કરાવવો. ગફલતમાં રહેવું નહીં.

૫. ડિલિવરી વખતે જરૂરી છે કે ગાયનેકોલૉજિસ્ટની સાથે-સાથે એક પીડિયાટ્રિશ્યન એટલે કે બાળરોગ નિષ્ણાત ડૉક્ટર પણ ત્યાં હાજર હોય. આ તકેદારી રાખવી મહત્વની છે. બાળકને કોઈ પણ તકલીફ હોય તો એ ડૉક્ટર તાત્કાલિક પગલું લઈ શકે છે.

૬. જન્મ પછી કોઈ પણ પ્રકારની ઇમર્જન્સી માટે એ જ હૉસ્પિટલમાં અથવા તો નજીકમાં જ નીઓનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટની (NICU) વ્યવસ્થા હોવી જરૂરી છે. જ્યારે બાળકને NICUમાં લઈ જવામાં વાર લાગે છે ત્યારે પણ આ રોગની સંભાવના વધી જાય છે.

૭. જન્મ પછી જ્યારે બાળક શ્વાસ ન લઈ શકે એટલે કે રડે નહીં તો તેના મગજમાં ઑક્સિજન ઓછો પહોંચે છે અને ત્યારે આ રોગ થવાની શક્યતા વધી જાય છે. આવી ઘટના બને ત્યારે તેને હેડ-કૂલિંગ કે બૉડી-કૂલિંગ ટેક્નિક વડે ઇલાજ આપવાથી આ રોગ થવાની શક્યતા ઘટી જાય છે અથવા તો એની અસર ઓછી થાય છે. આમ બાળકને ઘણો ફાયદો થાય છે.

૮. જે સ્ત્રીઓને લાંબો સમય લેબર ચાલે તો તેમણે રાહ જોયા રાખવા કરતાં સિઝેરિયન ડિલિવરી તરફ આગળ વધવું જોઈએ. રાહ જોવામાં ક્યારેક ઘણાં માઠાં પરિણામો આવે છે.

૯. ઘણી વખત એવું બને છે કે પ્રી-મૅચ્યોર લેબર ઊપડે અને લાગે કે ડિલિવરી રોકી શકાય એમ જ નથી, બાળક સમય પહેલાં આવી જ જશે તો એવી ઇમર્જન્સી સમયે સ્ત્રીને મૅગ્નેશિયમ સલ્ફેટ દવા આપી દેવી જોઈએ; જેનાથી બાળકમાં ખામી રહેવાની શક્યતાને નિવારી શકાય છે.

૧૦. NICUમાં બાળક હોય ત્યારે માનું દૂધ ન આપી શકાય ત્યારે બહારનું દૂધ પણ આપી દેવું, પરંતુ તેને ભૂખ્યું રાખવું નહીં; કારણ કે જો આ સમયમાં બાળકની શુગર ઓછી થાય તો પણ તેને આ રોગ થવાની શક્યતા રહે છે.

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio