રાહુલ ગાંધીનો બફાટ : RSSની શાખામાં મહિલાઓને ક્યારેય શોર્ટ્સમાં જોઈ છે?

ગુજરાતના પ્રવાસે આવેલા કૉન્ગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના આ સંવાદથી રાજકીય દંગલ મચ્યું : આનંદીબહેન પટેલે કહ્યું, રાહુલ ગાંધી ગુજરાતની મહિલાઓની માફી માગે

 

rahul gandhi


શૈલેષ નાયક

RSSમાં કેટલી મહિલાઓ છે? તમે ક્યારેય શાખામાં મહિલાઓને શોર્ટ્સમાં જોઈ છે? કૉન્ગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ગઈ કાલે વડોદરામાં વિદ્યાર્થીઓ સાથેના આ પ્રકારના સંવાદથી ગુજરાતમાં રાજકીય દંગલ મચી ગયું હતું. ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે રાહુલ ગાંધી ગુજરાતની માફી માગે એવી માગણી કરી છે.

ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાતમાં નવસર્જન ગુજરાત યાત્રા કરી રહેલા કૉન્ગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડોદરામાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતાં કહ્યું હતું કે ‘તમને સીધો સવાલ પૂછું છું કે RSSમાં કેટલી મહિલાઓ છે? તમે ક્યારેય શાખામાં મહિલાઓને શૉર્ટ્સમાં જોઈ છે? મેં તો નથી જોઈ. કૉન્ગ્રેસમાં દરેક લાઇનઅપમાં મહિલાઓ જોવા મળે છે. RSSમાં તમને એક મહિલા જોવા નથી મળતી. ખબર નથી પડતી કે મહિલાઓએ શું કર્યું?’


રાહુલ ગાંધીએ RSSને નિશાન બનાવીને સંઘ પર વાક્પ્રહાર કરતાં આ પ્રકારની વાતો કરતાં ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે અને એના રાજકીય પડઘા પડ્યા છે.

ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસનાં રાષ્ટ્રીય નેતા મહિલાઓ માટે આવો વિચાર રાખે છે. મને એ નથી સમજાતું કે તેમને આવા સંસ્કાર આપ્યા કોણે? રાહુલ ગાંધીને કહેવું છે કે આ મહાત્મા ગાંધીજીનું, સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે, આ સંસ્કારી ગુજરાત છે. કોઈ પણ મહિલાએ શું પહેરવું કે શું ન પહેરવું એ તેનો અંગત અધિકાર છે. આમ બોલીને તેમણે ગુજરાતની મહિલાઓનું અપમાન કર્યું છે. આવતી ચૂંટણીમાં મહિલાઓ તમારો બદલો લેશે ને લેશે, એટલું યાદ રાખજો. તમે જે શબ્દો બોલ્યા છો એ તાત્કાલિક પાછા ખેંચવા જોઈશે અને ગુજરાતની મહિલાઓની માફી માગવી જોઈશે.’

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio