પ્રતિબંધિત વનવિસ્તારમાં સિંહદર્શન કરવા બદલ મોરારીબાપુ વિરુદ્ધ હાઈ કોર્ટમાં અરજી

જૂનાગઢમાં ચાલી રહેલી માનસ નાગર રામકથા દરમ્યાન મોરારીબાપુએ ગીરના જંગલમાં જઈને સિંહદર્શન કર્યા જે ગેરકાયદે છે તો તેમની અને આ સંબંધિત જે કોઈ આરોપી અધિકારી છે એ સૌની સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવે એવી અરજી ગઈ કાલે પોરબંદરમાં રહેતા અને ગુજરાત હાઈ કોર્ટમાં પ્રૅક્ટિસ કરતા ઍડ્વોકેટ ભનુભાઈ ઓડેદરાએ કરી હતી.

morari bapu

રશ્મિન શાહ

જૂનાગઢમાં ચાલી રહેલી માનસ નાગર રામકથા દરમ્યાન મોરારીબાપુએ ગીરના જંગલમાં જઈને સિંહદર્શન કર્યા જે ગેરકાયદે છે તો તેમની અને આ સંબંધિત જે કોઈ આરોપી અધિકારી છે એ સૌની સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવે એવી અરજી ગઈ કાલે પોરબંદરમાં રહેતા અને ગુજરાત હાઈ કોર્ટમાં પ્રૅક્ટિસ કરતા ઍડ્વોકેટ ભનુભાઈ ઓડેદરાએ કરી હતી. ભનુભાઈ ઓડેદરાએ કહ્યું હતું કે ‘અત્યારે ગીરના જંગલમાં પ્રવાસીઓ પર પ્રવેશબંધી છે જે સૌકોઈને ખબર છે એવા સમયે વનવિસ્તારના પ્રતિબંધિત વિસ્તારમાં જવું અને જઈને સિંહદર્શન કરવાં એ ગેરકાનૂની છે. આના માટે કોઈ પણ વ્યક્તિ હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.’

મોરારીબાપુ ઉપરાંત તેમને સિંહદર્શન કરાવવામાં જે કોઈએ મદદ કરી હોય એ સૌની સામે પગલાં લેવાની માગણી પણ ભનુભાઈએ પોતાની અરજીમાં કરી છે. ભનુભાઈએ કહ્યું હતું કે ‘પંદર જૂનથી પંદર ઑક્ટોબર દરમ્યાન જો કોઈ પણ ગીરના જંગલમાં દાખલ થાય તો તેની પાસેથી હજારો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવે છે, પણ એવાં કોઈ પગલાં બાપુ કે પછી તેમની સાથે ગયેલા અન્ય લોકો સામે પણ લેવામાં નથી આવ્યાં તો એ પગલાં શું કામ નથી લેવામાં આવ્યાં એના વિશે પણ તપાસ થવી જોઈએ.’

મોરારીબાપુએ રવિવારે આઠ સિંહ જોયા હતા અને તેમના સિંહ સાથેના ફોટોગ્રાફ્સ પણ તેમની સાથે રહેલી અન્ય વ્યક્તિઓ દ્વારા પાડવામાં આવ્યા હતા. આ જ ફોટોગ્રાફ્સ ભનુભાઈએ પોતાની અરજી સાથે જોડ્યા છે. આ અગાઉ રવીન્દ્ર જાડેજા પણ આ જ રીતે ગાડીમાંથી નીચે ઊતરીને સિંહ સાથે સેલ્ફી લેવાની બાબતમાં દંડાઈ ચૂક્યો છે. રવીન્દ્ર પોતાની વાઇફ સાથે ગીરમાં ગયો હતો અને ત્યારે તેણે સિંહદર્શન કર્યા હતાં.

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio