મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે; આ સમજ, આ અણસમજ એ જ સર્જતું હોય છે

ગુજરાતી ભાષાની આ લોકપ્રિય પંક્તિઓ ઘણાએ સાંભળી હશે; પરંતુ મનોવિજ્ઞાનમાં હિસ્ટીરિયા તરીકે ઓળખાતી બીમારી વિશે જાણીએ તો એવું લાગે જાણે આ પંક્તિઓ તેને માટે જ લખાઈ હોય, કારણ કે આ બીમારીમાં વ્યક્તિનું મન પોતાનાં દ્વંદ્વોને શારીરિક પીડાનું રૂપ આપીને દરદી પાસે એકદમ ખતરનાક ખેલ ખેલાવી શકે છે

 

histiriyaમેડિકલ વર્લ્ડ - ફાલ્ગુની જડિયા - ભટ્ટ

આપણે ઘણી વાર જોઈએ છીએ કે પરીક્ષાનો સમય આવે ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને અચૂક તાવ આવી જાય છે. તો ઘણાં નાનાં બાળકોને ભણવા બેસાડીએ ત્યારે જ તેમને પેટમાં દુખવાનું શરૂ થઈ જાય છે. બાળકો જ શું કામ, કેટલીક વાર અમુક મોટેરાઓને પણ મહત્વની કોઈ મીટિંગ હોય કે ભારેભરખમ પ્રેઝન્ટેશન આપવાનું હોય એ પહેલાં માથામાં ભયંકર દુખાવો શરૂ થઈ જાય છે. આમ તો આપણે તેમની આ પ્રકારની પીડાઓ પાછળ માનસિક તાણ જવાબદાર હોવાનું સમજીએ છીએ, પરંતુ કેટલાક એને નાટકમાં ખપાવવાની ભૂલ પણ કરી બેસે છે. વાસ્તવમાં આ આપણા અજાગ્રત મનની કોઈ મુશ્કેલ કે તાણગ્રસ્ત પરિસ્થિતિથી ભાગી છૂટવાની એક ટેક્નિક છે, જે મનોવિજ્ઞાનમાં હિસ્ટીરિયા તરીકે ઓળખાય છે. આ ટેક્નિકમાં આપણું અનકૉન્શિયસ માઇન્ડ લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષવા માનસિક તાણને શારીરિક પીડામાં કન્વર્ટ કરી દે છે, પરંતુ જ્યારે આ ટેક્નિક પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લે ત્યારે વ્યક્તિના શરીર પાસે કેવા-કેવા ખેલ ખેલાવી શકે છે એ જાણીએ તો ચોક્કસ આપણા આશ્ચર્યનો પાર ન રહે.

હિસ્ટીરિયા એટલે શું?


આ સવાલનો જવાબ આપતાં જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અશિત શેઠ કહે છે, ‘હિસ્ટીરિયા આપણા મગજનું એક એવું ડિફેન્સ મેકૅનિઝમ છે જેમાં વ્યક્તિની જાણ બહાર તેની માનસિક પીડા શારીરિક પીડામાં રૂપાંતરિત થઈ જાય છે. પૌરાણિક કાળથી હિસ્ટીરિયાને સ્ત્રીઓની બીમારી તરીકે જોવામાં આવે છે, કારણ કે આ ડિસઑર્ડર હંમેશાં ૧૪થી ૨૫ વર્ષની મહિલાઓમાં વધુ જોવા મળ્યો છે. જૂજ કિસ્સાઓમાં કોઈ પુરુષ એનો ભોગ બન્યો હોવાનું સાંભળવા મળે છે. આ બીમારીમાં દરદીને અચાનક જોર-જોરથી ખાંસી આવવી, માથામાં ભયંકર દુખાવો થવો, શ્વાસ રૂંધાઈ જવો, ફિટ આવવી, બેભાન થઈ જવુંથી માંડીને હાથ-પગ લકવાગ્રસ્ત થઈ જવા, બોલવાનું બંધ થઈ જવું કે સંભળાતું બંધ થઈ જવા સુધીનું કંઈ પણ બની શકે છે. જ્યારે દરેક પ્રકારની ટેસ્ટ બાદ પણ દરદીના શરીર સાથે આવું કેમ થઈ રહ્યું છે એ ન સમજાય ત્યારે હિસ્ટીરિયાની સંભાવના ચકાસવી જોઈએ.’

અહીં ડૉ. શેઠની વાતમાં સૂર પુરાવતાં મલાડ અને દહિસરના જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. પવન સોનાર કહે છે, ‘વાસ્તવમાં હિસ્ટીરિયાના દરદીઓ પોતાની તરફ લોકોનું ધ્યાન ખેંચવા માગતા હોય છે, પરંતુ તેમને પોતાને એ વાતની જાણ હોતી નથી એથી તેમનું અનકૉન્શિયસ માઇન્ડ આ બધાં શારીરિક લક્ષણો ઊભાં કરી અન્યોનું ધ્યાન પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરે છે. આ કારણસર આમ જનતાથી માંડીને ક્યારેક ડૉક્ટરો પણ આ બીમારીના દરદીઓ નાટક કરતા હોવાનું માનવાની ભૂલ કરી તેમની ઉપેક્ષા કરે છે, જ્યારે હકીકતમાં તો તેમને પ્રેમ અને સહાનુભૂતિની જરૂર હોય છે.’

કોને અને ક્યારે થઈ શકે?

એક સમયે આ ડિસઑર્ડર દુનિયામાંથી સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો હોવાનું પણ માનવામાં આવતું હતું, પરંતુ ડૉક્ટરો પાસે આવતા આવા કિસ્સાઓ સાંભળીએ તો સમજાય કે આ ડિસઑર્ડરના પ્રમાણમાં તસુભારનો પણ ફરક પડ્યો નથી. અહીં ડૉ. શેઠ કહે છે, ‘આધુનિક સમયમાં શહેરોમાં લોકો પોતાની જાતને વધુ એક્સપ્રેસ કરતા થયા હોવાથી હવે આ ડિસઑર્ડર ગામડાંઓની અશિક્ષિત મહિલાઓમાં વધુ જોવા મળે છે અથવા તો જેઓ શહેરમાં રહેતી હોવા છતાં સ્વભાવે આંતરમુખી કે અત્યંત શરમાળ હોય કે પોતાને યોગ્ય રીતે એક્સપ્રેસ ન કરી શકતી હોય કે પછી અન્યોથી દબાયેલી હોય એવી મહિલાઓને થતો જોવા મળે છે. એ સિવાય જેમના પરિવારમાંથી કોઈ પહેલેથી જ આ રોગનો ભોગ બન્યું હોય તેમની સાથે આવું બનવાની શક્યતા વધુ રહે છે. સાથે જ જે બાળપણમાં શારીરિક કે માનસિક શોષણનું ભોગ બન્યું હોય, જેમને પહેલેથી ફિટ જેવી ન્યુરોલૉજિકલ બીમારી હોય અથવા મૂડ કે ઍન્ગ્ઝાયટી ડિસઑર્ડર જેવી કોઈ માનસિક તકલીફ હોય તેમનામાં પણ હિસ્ટીરિયાનાં લક્ષણ ડેવલપ થવાની શક્યતા અનેકગણી વધી જાય છે. એ સિવાય સ્કિઝોફ્રેનિયા, બૉર્ડરલાઇન પર્સનાલિટી ડિસઑર્ડર જેવી કેટલીક માનસિક બીમારીઓનાં શરૂઆતનાં લક્ષણો પણ હિસ્ટીરિયા સાથે ક્યારેક મેળ ખાતાં જોવા મળે છે.’

અહીં ડૉ. સોનાર કહે છે, ‘ખાલીપો અને નિષ્ક્રિયતાને પગલે ઊભી થતી ખોટા વિચારોની હારમાળા હિસ્ટીરિયાનું સૌથી મોટું કારણ હોય છે. એ સિવાય બાળઉછેર દરમ્યાન સંતાનોની લાગણીઓના વિકાસમાં મમ્મી-પપ્પાથી રહી ગયેલી ઊણપ પણ ક્યારેક આ બીમારી પાછળ જવાબદાર બની શકે છે. તો ક્યારેક લાંબી ચાલેલી બીમારી, ડર, ચિંતા, માનસિક તાણ કે પછી પ્રિય પાત્રનું નિધન કે પ્રેમમાં દિલ તૂટી જવું જેવી પરિસ્થિતિઓ પણ હિસ્ટીરિયાનું મૂળ બની જાય છે.

દરદીને નિષ્ક્રિય બનાવીને ડરાવી દેતાં લક્ષણો


હિસ્ટીરિયાથી પીડાતા દરદીઓ સ્વભાવે જરૂર કરતાં વધારે સંવેદનશીલ હોય છે એથી તેઓ કોઈ પણ પરિસ્થિતિથી આસાનીથી હાર માની લે છે અને કંટાળી કે અકળાઈ જાય છે. ક્યારેક નાનીઅમસ્તી વાતે ગુસ્સે થઈ જાય છે તો ક્યારેક નાનીઅમસ્તી વાતથી ખુશ પણ થઈ જાય છે. પોતાની સાથે સારી રીતે વર્તનાર પર તેઓ સહેલાઈથી વિશ્વાસ કરી લે છે અને તેમની સાથે મિત્રતા કરવાથી લઈને તેમના પ્રેમમાં પણ પડી જાય છે. આવા દરદીઓને હિસ્ટીરિયાનો હુમલો થાય ત્યારે તેમને ફિટ આવે છે. આ ફિટના પ્રભાવ હેઠળ તેઓ નહીં પૂર્ણપણે જાગ્રત, નહીં પૂર્ણપણે ઊંઘમાં એવી તંદ્રા અવસ્થા (ટ્રાન્સ)માં જતા રહે છે, જેમાં તેઓ તોફાની બનીને ધમપછાડા કરવાથી લઈને ખૂબ જોર-જોરથી હસવા કે રડવા માંડી શકે છે. તેમના હૃદયના ધબકારા વધી જઈ શકે છે, માથામાં અસહ્ય દુખાવો થાય છે. તો ક્યારેક જાણે તેમના ગળામાં કંઈક ફસાઈ ગયું હોય એમ તેમનો શ્વાસ રૂંધાવા માંડે છે, તો ક્યારેક તેઓ જોરજોરથી દાંત કચકચાવવા માંડે છે અને ક્યારેક તેમને પેટમાં વળ આવે છે તો ક્યારેક હાથ-પગ ભારે થઈ જાય છે.

હકીકતમાં હિસ્ટીરિયામાં જેકાંઈ થાય છે તે વ્યક્તિના મનમાં ચાલતા યુદ્ધને પગલે થાય છે, પરંતુ એનાં લક્ષણો એકાએક તેના જીવનમાં ઘટતી કોઈ અતિશય તનાવગ્રસ્ત ઘટનાને પગલે નિર્માણ થાય છે. ઘણા કિસ્સાઓમાં આ લક્ષણો દરદીની મોટર-સ્કિલ્સ એટલે કે હાથ-પગની મૂવમેન્ટ તથા સેન્સરી ઑર્ગન્સ એટલે કે પંચેãન્દ્રયોને અસર કરે છે. તો ગંભીર કિસ્સાઓમાં તેમને દેખાતું કે સંભળાતું બંધ થઈ જાય છે. કેટલાક ખૂબ પ્રયત્ન છતાં બોલી નથી શકતા તો કેટલાકના હાથ-પગ લકવાગ્રસ્ત થઈ ગયા હોય એમ પોતાનું હલનચલન બંધ કરી દે છે. ટ્રાન્સની અવસ્થા દિવસોથી લઈ ક્યારેક અઠવાડિયાંઓ સુધી ચાલુ રહી શકે છે, જે દરમ્યાન તેઓ સતત ઊંઘમાં હોય એવું ભલે લાગે, પરંતુ સામાન્ય માણસની જેમ ઊંઘમાં તેમના સ્નાયુઓ રિલૅક્સ થતા નથી. મૂળે આ દરદીઓનો આત્મવિશ્વાસ અત્યંત નબળો હોય છે એથી મનથી તેઓ પારાવાર પ્રેમ તથા સહાનુભૂતિ ઝંખતા હોય છે અને જ્યારે એ ન મળે ત્યારે અત્યંત બેબાકળા બની જાય છે.

મનની મડાગાંઠ ઉકેલવા પર ભાર

હિસ્ટીરિયાનાં લક્ષણો માયએસ્થેનિયા ગ્રેવિસ, ગિયાન-બેરે સિન્ડ્રૉમ, પાર્કિન્સન ડિસીઝ, ફિટની બીમારી, સ્ટ્રોક, કરોડરજ્જુને થયેલું નુકસાન તથા એઇડ્સ જેવી અનેક બીમારીઓ સાથે મેળ ખાતા હોવાથી એનું નિદાન કરવા ડૉક્ટરે એનાં લક્ષણો અન્ય કોઈ બીમારીનું પરિણામ તો નથીને એ તપાસી લેવું આવશ્યક છે. એ માટે તેઓ સામાન્ય ચેકઅપથી માંડીને કેટલીક ટેસ્ટ, એક્સ-રે, પ્ય્ત્ કે મગજ તથા હૃદયને લગતી ટેસ્ટ કરવાની ભલામણ કરી શકે છે. જ્યારે આ બધી ટેસ્ટના રર્પિોટ નેગેટિવ આવે એટલે કે આ લક્ષણો અન્ય કોઈ બીમારીનું પરિણામ નથીને એ નિશ્ચિત થઈ જાય ત્યાર બાદ મોટા ભાગે મનોચિકિત્સકો સારવારની શરૂઆત કાઉન્સેલિંગ તથા સાઇકોથેરપીથી કરે છે. આ થેરપીમાં દરદી સાથે વાતચીત કરી ડૉક્ટર તેમના અંતરમનમાં ઊતરવાનો અને તેમના મનમાં ચાલતી ગડમથલ ઉકેલવાનો પ્રયાસ કરે છે. દરદીના મનની ગાંઠ ઉકેલાઈ જાય તો આ બીમારીના મોટા ભાગના કિસ્સા આપોઆપ થાળે પડી જતા હોય છે, પરંતુ જો એ ગડમથલને કારણે દરદી ડિપ્રેશન કે ઍન્ગ્ઝાયટીનો શિકાર પણ બન્યો હોય તો તેને એ માટેની દવાઓની જરૂર પડી શકે છે. એ સિવાય જેમના હાથ-પગ લકવાગ્રસ્ત થઈ ગયા હોય તેમને માટે ફિઝિયોથેરપી પણ ફાયદાકારક પુરવાર થતી હોવાનું જોવા મળ્યું છે. આ ડિસઑર્ડરના એક વધુ ઉપચાર તરીકે કેટલાક ડૉક્ટર હિપ્નોટિઝમનો ઉપયોગ કરતા પણ જોવા મળે છે, જેમાં મનોચિકિત્સક દરદીને હિપ્નોટાઇઝ કરી તેમના મનમાં રહેલા દ્વંદ્વને સમજવાનો પ્રયત્ન કરે છે અને એ અવસ્થામાં જ એમાંથી બહાર નીકળવા તેમણે શું કરવું જોઈએ એ માટેનાં સૂચનો પણ આપે છે.

સાવચેતીરૂપે શું કરી શકાય?


સામાન્ય રીતે હિસ્ટીરિયા જીવનની કોઈ પણ પ્રકારની તાણગ્રસ્ત પરિસ્થિતિને પગલે નિર્માણ થાય છે, એથી એનાથી બચવાનો એકમાત્ર રસ્તો જીવનમાં સમતુલન જાળવવાનો છે. એ માટે જરૂરી છે કે દરેક વ્યક્તિ યોગ, પ્રાણાયમ, કસરત જેવી ક્રિયાઓ દ્વારા પોતાના મનને સ્થિર કરે અને સાથે જ પોતાના કામ તથા પરિવાર વચ્ચે યોગ્ય સમતુલન જળવાઈ રહે એવી સ્વસ્થ જીવનશૈલી નિર્માણ કરે.

ભયંકર બીમારીનો રોચક ઇતિહાસ


વાસ્તવમાં હિસ્ટીરિયા નામ ગ્રીક શબ્દ હિસ્ટેરોન પરથી પાડવામાં આવ્યું છે, જેનો અર્થ યુટેરસ એટલે કે સ્ત્રીનું ગર્ભાશય થાય છે. પ્રાચીન ગ્રીકવાસીઓનું માનવું હતું કે સ્ત્રીનું ગર્ભાશય તેના આખા શરીરમાં ફરતું રહે છે. એવામાં ક્યારેક એ શરીરના કોઈ એક ભાગમાં ફસાઈ જાય તો એ અવયવ કામ કરતું બંધ થઈ જાય છે અને એ મહિલા હિસ્ટીરિયાનો શિકાર બને છે એથી તેની સારવારરૂપે એ કાળમાં આવી મહિલાઓને બને એટલી જલદી પરણાવી દેવામાં આવતી, જેથી તે ગર્ભવતી બની જાય અને તેનું ગર્ભાશય તેના મૂળ સ્થાને આવી પોતાનું મુખ્ય કામ શરૂ કરી દે. જોકે જે કિસ્સાઓમાં એ શક્ય ન હોય તેમની યોનિ સામે ધૂપ-દીપ-અગરબત્તી કરીને ગર્ભાશયને એના મૂળ સ્થાને પાછા લાવવાના પ્રયત્ન કરવામાં આવતા.

આગળ જતાં હિસ્ટીરિયાનાં લક્ષણો પાછળ સ્ત્રીઓની અતૃપ્ત કામવાસનાને કારણભૂત ગણવામાં આવી હતી. એવું માનવામાં આવતું હતું કે યૌનસંબંધ દ્વારા જાતીય પરાકાષ્ઠાનો અનુભવ ન કરી શકનારી મહિલાઓ હિસ્ટીરિયાનો શિકાર બને છે. એથી આવી  સ્ત્રીઓને ઘરે હસ્તમૈથુન કરવાની સલાહ આપવામાં આવતી હતી એટલું જ નહીં, જે સ્ત્રીઓ હસ્તમૈથુન બાદ પણ ચરમસીમાનો અનુભવ નહોતી કરી શકતી તેમને વજાઇનલ મસાજ આપવાનું કામ ડૉક્ટરો કરતા, પરંતુ સારવારની આ પદ્ધતિ સમાજ તથા વિજ્ઞાનજગતમાં ચિંતાનું કારણ બની જતાં આવી સ્ત્રીઓ માટે વાઇબ્રેટરની શોધ કરવામાં આવી. આગળ જતાં વાઇબ્રેટર એક કમર્શિયલ પ્રોડક્ટ બની ગયું અને આમ જનતામાં એનો ઉપયોગ સામાન્ય બની ગયો. જોકે એમ છતાં જ્યારે હિસ્ટીરિયાનાં લક્ષણો ચાલુ રહ્યાં ત્યારે આ બીમારી પાછળ માનસિક કારણો જવાબદાર હોવાની માન્યતા પર કામ કરવાનું શરૂ કરવામાં આવ્યું.  

આગળ જતાં ૧૯મી સદીમાં સિગ્મન્ડ ફ્રૉઇડ, માર્ટિન ચારકોટ તથા પીઅર જેનેટ જેવા સાઇકોલૉજિસ્ટ્સ અને ન્યુરોલૉજિસ્ટ્સે આ વિષય પર ઊંડાણપૂવર્‍ક અભ્યાસ કરીને વ્યક્તિની આવી ન સમજી શકાતી શારીરિક પીડાઓ પાછળ તેના મનમાં રહેલો માનસિક દ્વંદ્વ કારણભૂત હોવાનું શોધી કાઢ્યું હતું. એમાં પણ ફ્રૉઇડે કેવી રીતે માનસિક ચિંતાઓ શારીરિક લક્ષણોમાં કન્વર્ટ થાય છે એની થિયરી સમજાવીને આ ડિસઑર્ડરને કન્વર્ઝન ડિસઑર્ડર જેવું નામ પણ આપ્યું હતું.

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio