નસ્ય ગરદન અને ખભાના દુખાવામાં પણ લઈ શકાય

સર્વાઇકલ સ્પૉન્ડિલૉસિસ, હાઇપોથાઇરૉઇડ, ઘ્રાણેન્દ્રિયની ઘટેલી કાર્યશીલતા જેવી સમસ્યામાં ઔષધસિદ્ધ તેલ કે ઘી ફાયદાકારક છે

nasyaઆયુર્વેદનું A 2 Z - ડૉ. રવિ કોઠારી

આયુર્વેદમાં નસ્યકર્મના આગવા ફાયદા જણાવ્યા છે. ખાસ કરીને નાક, સાઇનસ, માથું, વાળ, ગળાની સમસ્યામાં નસ્ય અપાય છે. યાદશક્તિ વધારવા તેમ જ ઘટતી અટકાવવામાં પણ નસ્યનો ઉપયોગ થાય છે. નસ્ય એટલે નાકનાં નસકોરાં વાટે ઔષધીય દ્રવ્યોને શરીરમાં દાખલ કરવાની ક્રિયા. આ ક્રિયા રોગોના શોધન-શમન માટે વપરાતી પંચકર્મ ક્રિયાનો જ એક ભાગ છે. પરંપરાગત ધોરણે નસ્યનો ઉપયોગ કરવાથી ક્રોનિક સાઇનસાઇટિસ થવું, માથામાં કફ ભરાવો, માથાનો દુખાવો થવો, માઇગ્રેન થવું, ચંચળતા થવી, વાળની સમસ્યાઓ થવી વગેરેમાં સીધો ફાયદો થાય છે. જોકે કેટલીક એવી સમસ્યાઓ છે જેમાં આ પદ્ધતિ આડકતરી રીતે પણ ખૂબ જ અસરકારક છે. સામાન્ય રીતે કલ્પના પણ ન થઈ શકે કે નાકમાં તેલ-ઘી કે ઔષધનાં ટીપાં નાખવાથી શરીરના આ ભાગોમાં અસર થશે.

નસ્ય ત્રણ કામ માટે અપાય છે. એક છે વિરેચન એટલે કે ડીટૉક્સિફિકેશન માટે. નાક, મગજ અને ગળામાં રહેલાં ટૉક્સિન્સને ખેંચીને બહાર ફેંકી દેવાની ક્રિયા થાય એ વિરેચન નસ્ય. બીજું મહત્વનું કામ છે શમનનું. કેટલીક સમસ્યાઓમાં નસ્યથી સંપૂર્ણ રોગ દૂર નથી થવાનો, પણ એનાથી પરિસ્થિતિ વધુ વણસતી બગડે છે અને બગડેલા દોષોનું શમન થઈને લક્ષણો કાબૂમાં આવે છે એ છે નસ્યનું શમન કાર્ય. ત્રીજું કાર્ય છે બૃહણનું. બૃહણ એટલે કે પોષણનું. મતલબ કે શરીરમાં કોઈ રોગ ન હોય, પણ દોષોમાં અસંતુલન ન થાય અને અવયવોને યોગ્ય પોષણ મળે એવી નસ્ય ક્રિયાને બૃહણ કાર્ય કહેવાય. સામાન્ય રીતે યાદશક્તિ જાળવી રાખવા, મગજને સતેજ બનાવવા તેમ જ વાળને પોષણ આપવા જેવાં કાર્યો માટે બૃહણ નસ્ય અપાય.

આજે આપણે જોઈશું નસ્ય ક્રિયાના જરાક હટકે અને ઓછા જાણીતા પ્રયોગો. આ એવા પ્રયોગો છે જેમાં માત્ર નસ્ય ક્રિયા દ્વારા જ જે-તે રોગ મટી નથી જતો, પણ જો શરૂઆતના તબક્કામાં એની સારવાર નિયમિત લેવામાં આવે તો રોગને વકરતો અટકાવી જરૂર શકાય.

સર્વાઇકલ સ્પૉન્ડિલૉસિસ 


આજકાલ બેઠાડુ જીવનશૈલી, કમ્પ્યુટર પર લાંબા કલાકો કામ, લાંબો સમય ડ્રાઇવિંગ વગેરેને કારણે ગરદન પાસેના સર્વાઇકલ તરીકે ઓળખાતા ભાગના મણકાની ગાદીમાં તકલીફ થાય છે. ઘણી વાર ઍક્સિડન્ટ અથવા તો પછડાટને કારણે પણ મણકાની ગાદી ડૅમેજ થાય છે. ક્યારેક ખોટી પોઝિશનમાં સૂવાથી પણ ખભા અને ગરદનની નીચેના ભાગમાં દુખાવો શરૂ થઈ જાય છે. આ બધાને કારણે સર્વાઇકલ સ્પૉન્ડિલૉસિસનાં શરૂઆતનાં લક્ષણો ઉદ્ભવી શકે છે.

આ સમસ્યામાં એક્સરસાઇઝ અને યોગાસન કરવાં અને બેસવા-ઊઠવાની સાચી પદ્ધતિ અપનાવવી એ પ્રાથમિક જરૂરિયાત છે. અવારનવાર સર્વાઇકલ રીજનનો દુખાવો થતો હોય તો નિયમિત નસ્ય કરવાથી પીડામાં રાહત રહેશે. ગાદીના પ્રેશરને કારણે ખાલી ચડવી કે નર્વ દબાવાની શરૂઆત હોય તો એ પણ પ્રિવેન્ટ થઈ શકે છે.

વ્યક્તિની પ્રકૃતિ અનુસાર પંચેન્દ્રિયવર્ધક તેલ, અણુ તેલ કે સાદું તલનું તેલ સહેજ હૂંફાળું કરીને નસ્યમાં વાપરી શકાય.

થાઇરૉઇડની સમસ્યા 


થાઇરૉઇડ ગ્રંથિમાં હૉમોર્ન્સ ઓછાં પેદા થવાને કારણે હાઇપોથાઇરૉઇડ થાય છે અને વધુ સ્ટિમ્યુલેશનને કારણે હાઇપરથાઇરૉઇડની સમસ્યા થાય છે. નસ્ય દ્વારા અંત:સ્રાવી ગ્રંથિ પર સીધી કોઈ જ અસર નથી થતી; પણ હૉમોર્ન્સની ગરબડને કારણે મગજ થાકી જવું, યાદશક્તિ ઘટી જવી, સતત ઊંઘરેટાપણું લાગવું કે પછી અત્યંત ચંચળ અને રેસ્ટલેસ ફીલ કરવું જેવાં લક્ષણોને કાબૂમાં લેવામાં નસ્ય ખૂબ મદદરૂપ થઈ શકે છે.

દરદીની તાસીર અનુસાર નસ્યમાં તેલ, ઘી કે ઔષધીય દ્રવ્યોનો સ્વરસ વાપરવાનું નક્કી થઈ શકે છે.

ઘ્રાણેન્દ્રિયની શિથિલતા 


કેટલાક લોકોની સુગંધ અને સ્વાદ પારખવાની ક્ષમતા ઘટી ગઈ હોય છે. આપણને લાગે કે સ્મેલ ન પારખી શકવી એ કંઈ બહુ મોટી સમસ્યા નથી, પણ જેમને ખરેખર ગંધ પારખવામાં તકલીફ પડે છે તેમને ખોરાકનો સ્વાદ માણવામાં પણ તકલીફ પડવા ઉપરાંત બીજી ઘણી તકલીફો થઈ શકે છે. ઘ્રાણેન્દ્રિયની ક્ષમતા ઘટી ગઈ હોય ત્યારે નાકમાં ઔષધસિદ્ધ તેલનું નસ્ય નાખવામાં આવે તો એનાથી ઘટેલી ક્ષમતા વધુ ઘટતી અટકે છે અને સ્મેલ પારખવાની ક્ષમતા સુધરે પણ છે.

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio