બાળકોને જીવતી લાશ બનાવતો રોગ

છેલ્લા પાંચ દાયકાથી સાઉથ આફ્રિકામાં જેણે આતંક ફેલાવી દીધો છે એવો નોડિંગ ડિસીઝ નામનો રોગ ફક્ત ૩થી ૧૫ વર્ષની ઉંમરનાં બાળકોને જ પોતાનો શિકાર બનાવે છે અને તેમને મન તથા શરીરથી સંપૂર્ણપણે પાયમાલ કરી મૃત્યુ સુધી દોરી જાય છે


મેડિકલ વર્લ્ડ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ

આપણે હંમેશાં કહેતા-સાંભળતા આવ્યા છીએ કે આખરે ઇન્સાન જેકંઈ કરે છે એ પાપી પેટ માટે જ કરે છે, કારણ કે ભોજન જીવનની પ્રાથમિક જરૂરિયાત છે. ખોરાકમાંથી શરીરને જરૂરી પોષક તત્વોમળે છે અને એ પોષક તત્વોમાંથી જ કામ કરવાની જરૂરી ઊર્જા‍ મળે છે. એ માટે આપણને હંમેશાં ઘરનું સીધું-સાદું અને સાત્વિક ભોજન ખાવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ જો કોઈ તમને એમ કહે કે ઘરનું આવું સીધું-સાદું અને સાત્વિક ભોજન ખાઈને કોઈની તબિયત બગડી ગઈ અને એટલી હદે બગડી ગઈ કે વ્યક્તિ જોરજોરથી ધૂણવા માંડી અને ધૂણતાં-ધૂણતાં પડીને મૃત્યુ પામી તો તમે વિશ્વાસ કરો ખરા? નહીંને? પરંતુ સાઉથ આફ્રિકાના યુગાન્ડા, તાન્ઝાનિયા તથા સુદાન જેવા દેશોના અંતરિયાળ પ્રદેશોમાં રહેતા પરિવારોનાં બાળકોના જીવનની આ વાસ્તવિકતા છે. ૧૯૬૦થી આ વિસ્તારોનાં બાળકો નોડિંગ ડિસીસઝ તરીકે ઓળખાતા એક એવા વિચિત્ર રોગનો શિકાર બની રહ્યાં છે જેના વિશે અનેક સંશોધનો છતાં વિજ્ઞાન હજી સુધી કોઈ નક્કર તારણ પર પહોંચ્યું નથી, પરિણામે ૫૦ વર્ષોનાં સંશોધન બાદ પણ વૈજ્ઞાનિકો પાસે આ રોગ વિશે એટલી માહિતી નથી જેટલી ચંદ્રની સપાટી વિશે છે.

નોડિંગ ડિસીઝ એટલે શું?

આ સવાલનો જવાબ આપતાં કાંદિવલીના જાણીતા ડૉ. દિલીપ રાયચૂરા કહે છે કે ‘નોડી નામનું એક કાર્ટૂન-કૅરૅક્ટર બાળકોમાં અતિશય લોકપ્રિય છે. એ કાર્ટૂનની ખાસિયત એ છે કે એના ગળામાં સ્પ્રિંગ મૂકવામાં આવી છે એથી હાલતાં-ચાલતાં, વાત કરતાં એનું માથું સતત ઉપર-નીચે હકારમાં હલ્યા કરે છે. નોડિંગ ડિસીઝમાં દરદીઓ સાથે પણ કંઈક આવું જ થાય છે અને એ પણ પાછું ગળામાં કોઈ પણ પ્રકારની સ્પ્રિંગ વિના. વાસ્તવમાં આ રોગ દરદીને માનસિક અને શારીરિક રીતે સદંતર પાયમાલ કરી નાખનારો રોગ છે, જે ફક્ત ૩થી ૧૫ વર્ષ વચ્ચેની ઉંમરનાં બાળકોને જ પોતાનો શિકાર બનાવે છે.’

સિવિલ વૉર બાદ એક વધુ યુદ્ધ

કેટલાક લોકો નોડિંગ ડિસીઝને નોડિંગ સિન્ડ્રૉમ તરીકે પણ ઓળખે છે તો કેટલાક આ રોગ આફ્રિકાની યેઈ નદીના કિનારે વધુ જોવા મળતો હોવાથી એને રિવર-એપિલેપ્સી તરીકે ઓળખવાનું પણ પસંદ કરે છે. નોડિંગ ડિસીઝની સૌપ્રથમ શોધ ૧૯૬૦માં તાન્ઝાનિયાના એકાંત પહાડોમાં થઈ હતી. અત્યારે પણ આ રોગના સૌથી વધુ કિસ્સા દક્ષિણ સુદાન, દક્ષિણ તાન્ઝાનિયા તથા ઉત્તર યુગાન્ડામાં જ જોવા મળે છે, પરંતુ એ સિવાય એની મોજૂદગી આફ્રિકાના ૩૦થી વધુ દેશોમાં જોવા મળી છે, જેને પગલે અત્યારે પાંચ કરોડ લોકો આ રોગની અલગ-અલગ તબક્કાની સારવાર મેળવી રહ્યા છે, જેમાંથી ૧૭૦નાં આ બીમારીને પગલે મૃત્યુ થઈ ચૂક્યાં છે. બલકે ઉત્તર યુગાન્ડાના કિટગુમ જિલ્લામાં તો પરિસ્થિતિ એટલી ખરાબ છે કે બે દાયકા સુધી ચાલેલા સિવિલ વૉર બાદ આજે ૧૦૦૦ની વસ્તી ધરાવતા આ ગામડામાં ૨૦૦થી વધુ બાળકો આ રોગનો શિકાર છે. પરિણામે જ્યાં એક બાજુ ડૉક્ટરો એનાં કારણો અને ઇલાજ શોધવા દિવસરાત અથાક પ્રયત્નો કરી રહ્યા છે તો બીજી બાજુ આમ જનતા એના નામ માત્રથી થરથર કાંપવા માંડે છે.

મૃત્યુ સુધી લઈ જતાં લક્ષણો

બલકે એકાએક ત્રાટકતા અને પોતાના શિકારને કાયમ માટે નિષ્ક્રિય બનાવી દેતા આ રોગનાં લક્ષણો પણ કંઈક એવાં ડરામણાં છે કે લોકોમાં એના નામનો આતંક ન ફેલાય તો જ નવાઈ. આ રોગમાં બાળકનો માનસિક અને શારીરિક વિકાસ સંપૂર્ણપણે અને કાયમ માટે રૂંધાઈ જાય છે, જેને પગલે તેઓ માનસિક અને શારીરિક બન્ને રીતે અક્ષમ બની જાય છે. રોગના નામ પ્રમાણે એનું મુખ્ય લક્ષણ જ દરદીની ઉપર-નીચે માથું નોડ કરવાની (ધુણાવવા)ની ક્રિયામાં રહેલું છે. સામાન્ય રીતે આ ક્રિયાની શરૂઆત દરદી કંઈ ખાય ત્યારે થાય છે. તો ક્યારેક ઠંડી લાગતાં પણ તેઓ આ પ્રકારે માથું ધુણાવતા નજરે પડે છે. વાસ્તવમાં પહેલાં દરદીને ફીટ આવે છે, જેને પગલે તેઓ આ પ્રકારે માથું ધુણાવતા નજરે પડે છે. જોકે આવી ફીટનો સમયગાળો નાનો રહે છે એથી જેવું બાળક ખાવાનું બંધ કરે કે તરત તેના શરીરમાં થોડી ગરમીનો સંચાર થાય એટલે તેનું ધૂણવાનું આપોઆપ બંધ થઈ જાય છે, પરંતુ ક્યારેક આ ફીટનું જોર એટલું વધારે હોય છે કે બાળક ધૂણતાં-ધૂણતાં પડી પણ જઈ શકે છે, જેને પગલે તેને નાની-મોટી ઈજા કે કોઈક ગંભીર નુકસાન પહોંચવાનો ભય પણ રહે છે. સૌથી મોટા આશ્ચર્યની વાત તો એ છે કે આવી ફીટ બાળકોને ઘરનું સાવ સાદું પારંપરિક ખાવાનું ખાવાથી આવે છે. બિનપારંપરિક કે ચૉકલેટ જેવી કોઈ વાનગી ખાવાથી તેમને આમ થતું નથી.

આ સાથે દરદી ધીરે-ધીરે પોતાની સભાનતા પણ ગુમાવતો જાય છે એથી પોતાનું કોઈ કામ તેનાથી જાતે થઈ શકતું નથી. તેમને ખવડાવવા-પીવડાવવાથી માંડીને તેમની દરેક નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન બીજાએ રાખવું પડે છે. આવાં બાળકો ક્યાંય જતાં-આવતાં નથી, કોઈ સાથે વાતચીત કરતાં નથી, રમતાં નથી. ફક્ત એક ખૂણામાં બેઠાં રહે છે અને કોઈ અજ્ઞાત દિશામાં, કોઈ અજ્ઞાત દુનિયામાં ખોવાયેલાં નજરે પડે છે. આસપાસ શું થઈ રહ્યું છે, શું ચાલી રહ્યું છે એની તેમને કોઈ ગતાગમ રહેતી નથી.

કયું કારણ હશે જવાબદાર?

આ રોગનાં કારણોમાં સૌથી પ્રબળ માન્યતા છે શરીરમાં ઑન્કોસેરકા વૉલ્વુલસ નામના વાઇરસનો પ્રસાર થવો. અત્યાર સુધી આ રોગચાળાના જેટલા પણ કિસ્સા સામે આવ્યા છે એ બધામાં આ વાઇરસ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળ્યો છે. આ વાઇરસ આફ્રિકાની બ્લૅક ફ્લાય નામની માખી વડે મનુષ્યના સંસર્ગમાં આવે છે અને રિવર બ્લાઇન્ડનેસ નામની બીમારીના સૌથી મોટા કૅરિયર બને છે. ૨૦૦૪માં નોડિંગ ડિસીઝથી પીડાતાં મોટા ભાગનાં બાળકો આફ્રિકાની યેઈ નદી પાસેના વિસ્તારમાં રહેતાં હતાં. આ વિસ્તાર રિવર બ્લાઇન્ડનેસ માટે આખા વિશ્વમાં કુખ્યાત છે. નોડિંગ ડિસીઝ ધરાવતાં લગભગ ૯૪ ટકા બાળકોના શરીરમાં રિવર બ્લાઇન્ડનેસના દરદીના શરીરમાં જોવા મળતા વૉલ્વુલસ વાઇરસ મળી આવ્યા હતા. એના પરથી વૈજ્ઞાનિકોનું માનવું છે કે રિવર બ્લાઇન્ડનેસ તથા નોડિંગ ડિસીઝ વચ્ચે કોઈક સંબંધ જરૂર છે. અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શનના રિપોર્ટમાં પણ નોંધવામાં આવ્યું છે કે વૉલ્વુલસ વાઇરસ તથા નોડિંગ ડિસીઝ વચ્ચે કોઈ સંબંધ અવશ્ય છે, પરંતુ આ વાઇરસ મૂંઝવનારો છે, કારણ કે એ આફ્રિકાના ઘણા એવા પ્રદેશોમાં પણ મોજૂદ છે, જ્યાં નોડિંગ ડિસીઝનું નામોનિશાન પણ નથી.

એથી હવે તેઓ એ બાબતે રિસર્ચ કરી રહ્યા છે કે આ રોગ થવા પાછળ યુદ્ધમાં વપરાયેલાં કોઈ રાસાયણિક હથિયાર તો કારણભૂત નથીને. તો સાથે વિટામિન ગ્-૬ની ઊણપને પગલે આ રોગ થતો હોવાની શક્યતા પણ ચકાસવામાં આવી રહી છે. જોકે અમુક વૈજ્ઞાનિકોનો દાવો છે કે આફ્રિકાના આ વિસ્તારોમાં ભૂખમરાને કારણે ઘણા લોકો વાંદરાનું માંસ ખાતા હોવાથી તેમને આ રોગ થાય છે. તો સાથે કેટલાકનું માનવું છે કે યુનાઇટેડ નેશન્સ તથા અન્ય રાહત એજન્સીઓ તરફથી અપાતા અનાજમાં રહેલાં રસાયણોને કારણે અહીંનાં બાળકોને આ રોગ થઈ રહ્યો છે.


નહીં નિદાન, નહીં સારવાર

જેટલો આ રોગ ખતરનાક છે એટલો જ એને પિછાણવો પણ અઘરો છે, કારણ એને પકડવા માટે કોઈ સ્ટાન્ડર્ડ ટેસ્ટ નથી. ભવિષ્યમાં કદાચ મગજના સ્કૅન વડે એને પકડી શકવાની સંભાવના ઊભી થશે, પરંતુ અત્યારે તો ડૉક્ટરોએ રૂંધાયેલો શારીરિક વિકાસ અને માનસિક પંગુતા જેવાં લક્ષણો જોઈને જ નોડિંગ ડિસીઝનું નિદાન કરવું પડે છે. સારવારના નામે પણ અત્યારે તો બધો દારોમદાર ફીટને કાબૂમાં લેતી દવાઓ પર મૂકવામાં આવી રહ્યો છે. અમુક કિસ્સાઓમાં મલેરિયાની દવાઓ પણ આ રોગમાં સફળ થઈ હોવાના પુરાવા છે, પરંતુ આ બધું માત્ર પ્રાયોગિક ધોરણે જ ચાલી રહ્યું છે. નોડિંગ ડિસીઝની નક્કર સારવાર કરી શકે એવી કોઈ દવા હજી સુધી શોધી શકાઈ નથી.

પરિસ્થિતિની દયનીયતા

અત્યંત કઠોર શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે જે બાળકોને આ બીમારી લાગુ પડે છે તેમની હાલત જીવતી લાશ જેવી બની જાય છે. તેમનો શારીરિક વિકાસ એટલી હદે રૂંધાઈ જાય છે કે ૯-૧૦ વર્ષનું બાળક ૩-૪ વર્ષ જેટલું માંડ દેખાય છે. તો બીજી બાજુ માનસિક રીતે તેઓ એટલાં અભાન બની જાય છે કે ઘરમાં આગ લાગવા છતાં આવું બાળક પોતાના સ્થાને ન ખસ્યું હોય અને દાઝીને મૃત્યુ પામ્યું હોય એવા કિસ્સા પણ આ વિસ્તારોમાં બન્યા છે. તો વળી કેટલાક ચાલતાં-ચાલતાં ઘરથી દૂર નીકળી ગયા હોવાના સમાચારો પણ સાંભળવા મળ્યા છે એટલું જ નહીં, કેટલાક તો આવી રીતે ઘરથી દૂર નીકળી જતાં કોઈ અજ્ઞાત સ્થળે ભૂખનાં માયાર઼્ મૃત્યુ પામ્યાં હોય અને પછી રસ્તે રખડતા કૂતરા તેમના શબ ખેંચીને ગામમાં પાછા લઈ આવ્યા હોવાની અરેરાટીભરી ઘટનાઓ પણ આ વિસ્તારોમાં બની છે. પરિણામે ગરીબીથી પીડાતાં તેમનાં માબાપે કામ પર જતી વખતે ખુદ પોતાનાં જ બાળકોના હાથ-પગ થાંભલા સાથે બાંધીને જવા જેવી ક્રૂરતા આચરવી પડે છે. એક બાજુ જે વિસ્તારોમાં આ રોગ મહદંશે ફેલાયેલો જોવા મળે છે એ પહેલેથી ગરીબીથી પીડાઈ રહ્યાં છે, તો બીજી બાજુ બાળકોની આવી તબિયત પરિવારની નબળી આર્થિક પરિસ્થિતિને વધુ નુકસાન પહોંચાડવામાં નિમિત્ત બને છે. એમ છતાં કેટલાક વાલીઓ આ સંતાનો ભવિષ્યમાં કોઈ જ રીતે કામમાં ન આવવાનાં હોવા છતાં ફૂલની જેમ તેમનું જતન કરી રહ્યા છે તો કેટલાંક આવાં સંતાનો તરફ સદંતર દુર્લક્ષ સેવતા પણ નજરે પડે છે.

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio