જીવનમાં આવતી બીમારી જિંદગીનું મહત્વ અને મૂલ્ય બન્ને ખરા અર્થમાં સમજાવે

માનો કે ન માનો, પણ જીવનમાં પીડાનું અદકેરું મહત્વ હોય છે. પીડા વિના જીવન સમજવું કઠિન છે. પીડા એકલતાની યાત્રા છે અને જીવનમાં આપણે એકલા આવતા હોઈએ છીએ અને એકલા જ જવાનું હોય છે

 

srk

DEMO PIC


સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

કેટલીયે પીડાઓમાંથી પસાર થવાનું હોય છે
પ્રસંગોપાત્ત ગમખ્વાર થવાનું હોય છે

એ મૃગજળ નીકળે એ પછીની વાત છે, એ પહેલાં
ઝરણ સમજી રણને પાર કરવાનું હોય છે

જે લાગણીઓની નદીમાં સરળતાથી તરતા હોઈએ
એ જ લાગણીના કિનારે ક્યારેક ડૂબવાનું હોય છે

શબ્દો પરથી અર્થનાં પાંદડાં ખરી પડે ત્યારે
મૌનના વૃક્ષ નીચે માત્ર બેસી જવાનું હોય છે

જીવનની રાહમાં થાકી જઈએ ભલે
 પાછા ફરી શકાતું નથી, બહુ બહુ તો
રસ્તાને ક્યાંક બદલવાનું હોય છે


સામાન્ય રીતે આપણી આજુબાજુ ઘણા લોકો હોવા છતાં અથવા સતત આપણી પાસે કોઈની ને કોઈની અવરજવર રહેવા છતાં પોતાને એકલા ક્યારે લાગવા માંડીએ છીએ એનો વિચાર ક્યારેય કર્યો છે? જો તમે કોઈ લાંબી બીમારીમાંથી પસાર થયા હશો તો આ એકલતા જરૂર ફીલ કરી હશે. ભલે તમારી આસપાસ લોકો રહેતા હોય અથવા આવ-જા કરતા હોય, પરંતુ વાસ્તવમાં ભીતરથી તમે પોતાને એકલા લાગવા માંડો છો અને તમારી પોતાની જાત સાથે વાતો વધી જાય છે. બીજાઓ સાથે ભલે વાત થાય કે ન થાય, પરંતુ જાત સાથે સતત વાત થયા કરે છે. વાસ્તવમાં બીમારી જાતને મળવા માટેનો કે જાત સાથેની મુલાકાતનો સમયગાળો છે. એટલે જ બીમારી ઘણી વાર આવે એ સારું પણ હોય છે. અલબત્ત, ગંભીર બીમારી આવે કે ભયંકર પીડાદાયક બીમારી આવે એવી ઇચ્છા આપણે ન રાખીએ એ સહજ છે; પરંતુ નાની-નાની બીમારી અને એની એકલતા આવતી રહે તો કદાચ જીવનને, જગતને અને જાતને સમજવાનો અવસર મળે છે. ક્યારેક બીમારીમાં આપણને એટલીબધી નબળાઈ આવી જાય છે અથવા આપણું કૉન્ફિડન્સ-લેવલ એવું નીચે આવી જાય છે કે ક્યાંક મૃત્યુની નજીક પહોંચી ગયાનો હલકો એહસાસ પણ થઈ જાય તો નવાઈ નહીં.

પરંતુ જેવા સારા-સાજા થઈ જઈએ કે આપણે બધું ભૂલી જઈ પાછા એ જ જૂના માહોલમાં ખોવાઈ જઈએ છીએ. બીમારી વખતે મળેલો બોધ ભૂલી જઈએ છીએ, માંદગી વખતે જાત સાથે કે ઈશ્વર સાથે કરેલી વાતો પણ વીસરી જઈએ છીએ. 

જીવનમાં કોઈ પણ માનવી ક્યારેય પીડામાંથી પસાર થયો ન હોય એવું બનતું નથી. પીડા જ ખરેખર જીવનનું મૂલ્ય સમજાવે છે, અર્થ સમજાવે છે. જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહ ઔર શામ, જો જીવન સે હાર માનતા ઉસકી હો ગઈ છુટ્ટી... મનોજકુમાર અભિનીત ‘શોર’ ફિલ્મના આ ગીતની પંક્તિ જીવન વિશે ઘણુંબધું કહી જાય છે. એ જ રીતે નદિયા ચલે ચલે રે ધારા ચંદા ચલે ચલે રે તારા, તુઝકો ચલના હોગા, તુઝકો ચલના હોગા... રાજેશ ખન્નાની ફિલ્મ ‘સફર’ના આ ગીતનો મિજાજ પણ કંઈક આવું જ કહે છે. ક્યારેક આપણને દરેક માણસમાં એક બીજો એવો માણસ દેખાય છે જે ક્યાંક એકલો છે. ઘણી વાર વાચક દોસ્તો પણ ફોન કરીને પોતાના આ એહસાસનો એહસાસ આપતા હોય છે અને વધુ વિચારવા-લખવા માટે પ્રેરણા બની જતા હોય છે. મોટા ભાગે મૃત્યુને પીડા ગણવામાં આવે છે જ્યારે કે વષોર્થી જોવામાં એવું આવે છે કે જીવન જ પીડા છે. પીડા વિના જીવન હોઈ જ ન શકે. ‘મધર ઇન્ડિયા’નું ગીત છે દુનિયા મેં હમ આએ હૈં તો જીના હી પડેગા, જીવન હૈ અગર ઝહર તો પીના હી પડેગા. પણ આવું શા માટે? અલબત્ત, જીવન પીડા છે એવી વાત ક્યારેય કરવી ન જોઈએ, જેથી પહેલાં એ સ્પક્ટતા કરી દઈએ કે જીવનની પીડાને સમજીએ તો એ પૉઝિટિવ બાબત છે. પીડા વિના જીવનની મજા કંઈ નથી. પીડાને સમજી લઈએ તો એ દદર્‍ને બદલે દવા પણ બની શકે છે. તેથી આ પીડાની વાતને નેગેટિવ દ્રષ્ટિ કે ભાવથી જોશો નહીં. અને હા, યાદ કરો; પીડા કોને નથી? વેદનામાંથી વેદ જન્મે છે એમ પીડામાંથી જ પરમાત્મા જન્મે છે.

વાસ્તવમાં જીવન કે મૃત્યુ કોઈ પીડા નથી બલકે એક યાત્રા છે એ સમજાઈ જાય તો જીવન સુંદર લાગવા માંડે. ઘણી વાર આપણને કોઈ સમજતું નથી, આપણી લાગણીઓને કોઈ સમજતું નથી એવું છાનું દદર્‍ પણ આપણને સતાવતું હોય છે જે આપણી અપેક્ષાઓને આધારે સર્જા‍યું હોય છે. આપણા હુંમાંથી અને મારા-તારામાંથી જ બધી પીડા શરૂ થાય છે. તેમ છતાં વષોર્થી આપણે એને છોડી શક્યા નથી કે છોડી શકતા નથી. અરે, આપણે એવો વિચાર પણ કરી શકતા નથી. આમ તો આ જગત મુસાફરખાનું છે જ્યાં આપણે રહીએ છીએ ત્યારે એ યાદ રાખવું મહત્વનું છે કે અહીં કાયમ રહેવા કોઈને મળતું નથી, એક દિવસ અહીંની રૂમ ખાલી કરવાની હોય છે. હોટેલમાં જેમ ચેકઆઉટ હોય છે એમ દુનિયામાંથી પણ ચેકઆઉટ થવાનું નક્કી હોય છે. એમાં વધુ પૈસા ભરીને પણ વધુ રહેવા મળતું નથી અને હા, આ ચેકઆઉટ સમય પણ માણસ પોતે નક્કી કરી શકતો નથી. અંગ્રેજીમાં મૃત્યુ માટે એક શબ્દ છે પાસ્ડ અવે. અર્થાત્ પસાર થયા. એટલે કે અહીં કાયમી વસવાટ કોઈને માટે નથી, દરેક જણ કેવળ પસાર થાય છે. આ પસાર થયા વખતના સમયને લોકો આયુષ્ય કહે છે.

આપણે માત્ર એટલું યાદ રાખીએ કે આપણે અહીંથી પસાર થવાનું જ છે. આપણી સાથે કોઈ સામાન નહીં આવે, કોઈ વ્યક્તિ પણ નહીં આવે. બસ, જીવન બદલાઈ જશે. આ કોઈ ફિલસૂફીની કે ધાર્મિક-આધ્યાત્મિકતાની વાત નથી. હકીકત છે કે મારું-તારું, હું, આપણે એ બધા ભ્રમ છે. આ જીવનમાં સાથે ભલે કેટલાય લોકો દેખાતા હોય, લાગતા હોય; દરેકની  યાત્રા પોતાની-એકલાની જ છે. આપણી વાતને, આપણી ભાષાને કોઈ ન સમજે તો આપણે મૌન થઈ જવાનું હોય છે અન્યથા આપણા શબ્દોના અર્થ બદલાઈ જતા હોય છે. જીવનની રાહમાં માત્ર અને માત્ર આગળ જ રસ્તો જતો હોય છે, રસ્તો બદલીએ તોય જવાનું તો કેવળ આગળ જ હોય છે. આપણી આજુબાજુ એવા અનેક લોકો મળશે જેમની પીડા આપણા કરતાં ઘણી વધુ હશે. પરંતુ તેઓ ચૂપચાપ ફરિયાદ વિના જીવતા હશે. આ જોઈ એવો વિચાર પણ કરી શકાય કે દુનિયા મેં કિતના ગમ હૈ, મેરા ગમ કિતના કમ હૈ; લોગોં કા ગમ દેખા તો મૈં અપના ગમ ભૂલ ગયા... વાસ્તવમાં બીજાનાં સુખ જોઈ આપણે તેમના કરતાં કેટલા દુ:ખી છીએ એવું વિચારી લઈએ છીએ, પણ બીજાનાં દુ:ખ જોઈ આપણે તેમના કરતાં કેટલા સુખી છીએ એવું આશ્વાસન પણ લઈ શકતા નથી. ક્યાં જોવું અને જોયા બાદ શું સમજવું એ આપણા હાથની વાત છે.

જીવન તો ટ્રેનની મુસાફરી


ખરેખર તો કાયમી અહીં કંઈ નથી, જીવન ટ્રેનની મુસાફરી જેવું છે. જેમ ટ્રેનમાં મુસાફરી  કરતી વખતે જુદાં-જુદાં સ્ટેશન આવે જેમાં બાજુમાં બેઠેલા સહયાત્રી-મુસાફર (સ્વજન) પોતાના સ્ટેશન પર ઊતરી જાય અને નવા મુસાફર આવી બેસી જાય એમ આપણે પણ  આપણા સ્ટેશન પર ઊતરી જવાનું આવશે. આપણું સ્ટેશન કયું એ પણ આપણને ખબર નહીં હોય. એટલે જ કહે છે કે આપણે દુનિયામાંથી જસ્ટ પસાર થવાનું હોય છે. જીવન ત્યાંને ત્યાં જ રહે છે, આપણે એમાંથી પસાર થઈ જઈએ છીએ. અહીં વષોર્થી અબજો લોકો આવતા રહ્યા અને જતા રહ્યા છે. એક હિન્દી કવિની યાદગાર પંક્તિ છે...

મૌત ક્યા હૈ કૈસે સમજાઉં ઝમાને કો
મુસાફિર થા રાસ્તે મેં નીંદ આ ગયી

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio