ટમેટાં તેલ વિના ન ખવાય ને પાલક સાથે લીંબુ ભળે તો ક્યા બાત હૈ

કુદરતે બનાવેલો દરેક ખાદ્ય પદાર્થ પૌષ્ટિક છે, પરંતુ પૂર્ણ નથી. ચોખામાં ભરપૂર એનર્જી છે તો લીંબુમાં ભરપૂર વિટામિન C, પાલકમાં ભરપૂર આયર્ન છે તો કઠોળમાં ભરપૂર પ્રોટીન. કોઈ પણ ખાદ્ય પદાર્થ એવો નથી જેમાં બધાં જ વિટામિન, પ્રોટીન અને જરૂરી બધાં પોષક તત્વો મળી રહે. માટે આપણે એને કૉમ્બિનેશન્સમાં ખાવા પડે છે. એકબીજાના પૂરક એવા ખાદ્ય પદાર્થોનાં ખાસ કૉમ્બિનેશન્સ વિશે જાણીએ

 જિગીષા જૈન

એકથી ભલા બે. આવી કહેવત આપણે ત્યાં છે. જેટલાં પણ સુપર ફૂડ્સ છે અથવા તો કહીએ કે પોષણથી ભરપૂર જેટલા પણ ખાદ્ય પદાર્થો છે જે આપણને કુદરત આપે છે એ બધા જ એક શ્રેષ્ઠ ગુણ ધરાવે છે; જેમ કે ચોખામાં ભરપૂર એનર્જી‍ છે તો લીંબુમાં ભરપૂર વિટામિન C, પાલકમાં ભરપૂર આયર્ન છે તો કઠોળમાં ભરપૂર પ્રોટીન. દરેક ખાદ્ય પદાર્થના પોતાના લાભ અને પોતાની આગવી ઓળખ છે, પરંતુ સમજવાની વાત એ છે કે કુદરતે કોઈ પણ વસ્તુને પૂર્ણ નથી બનાવી. કોઈ પણ એક એવો ખોરાક નથી જેને સંપૂર્ણ કહી શકાય કે જેમાં બધાં જ વિટામિન્સ, પૂરતા પ્રમાણમાં પ્રોટીન્સ અને જરૂરી પોષક તત્વો સમાયેલાં હોય. વળી એક ખાદ્ય પદાર્થ જેવો જ બીજો પદાર્થ પણ નથી બનાવ્યો. બધા અલગ-અલગ છે. બધાની પોતાની વિશેષતા છે અને આટલાબધા ખાદ્ય પદાર્થોમાંથી ઘણા એવા છે જે એકબીજાના પૂરક છે. એ સાથે મળે તો એ સંપૂર્ણ ખોરાક બને છે જેમાંથી માણસને પૂર્ણ પોષણ મળે છે. એક ખાદ્ય પદાર્થ બીજાની કમીને પૂરી કરે છે તો બીજો ખાદ્ય પદાર્થ પહેલાની કમીને. જેવી રીતે માણસોના જોડા હોય છે એમ ખોરાકમાં પણ જોડા હોય છે. ભાત ક્યારેય એકલા નથી ખવાતા, એની સાથે દાળ જોઈએ જ છે એ જ રીતે આજે જાણીએ કે કયા પ્રકારનાં કૉમ્બિનેશન એકબીજાના પૂરક છે અને એ ખાવાથી વધુ લાભ મેળવી શકાય છે.

ધાન્ય અને કઠોળ

દાળ-રોટલી, મગ-ભાત, ચણા-ગોળ, અડદની દાળ અને જુવારનો રોટલો, ઇડલી-સાંભાર, બાજરાનો રોટલો અને મગની દાળ વગેરે ધાન્ય અને કઠોળનું કૉમ્બિનેશન છે જે પારંપરિક રીતે આપણે ત્યાં ખવાય છે. આ કૉમ્બિનેશનનું મહત્વ સમજાવતાં ક્રિટિકૅર હૉસ્પિટલ-જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘આખાં ધાન્ય જેમ કે ઘઉં, ચોખા, બાજરો, જુવાર, રાગી, મકાઈ વગેરેમાં કાર્બોહાઇડ્રેટ્સ ભરપૂર માત્રામાં હોય છે. કાર્બોહાઇડ્રેટ્સ ઊર્જા‍નો મહત્વનો સ્રોત છે. શરીર અને મગજ બન્નેને ચલાવવા માટે જે બળતણની જરૂર હોય છે એને આપણે સાદી ભાષામાં એનર્જી‍ અથવા શક્તિ કહીએ છીએ જે એમાંથી જ મળે છે પરંતુ એમાં જે કમી છે એ છે પ્રોટીનની. શરીરમાં પ્રોટીન એ સ્નાયુઓના સશક્તીકરણ અને કોષો જો તૂટી ગયા હોય તો એને રિપેર કરવાનું કામ કરે છે. પ્રોટીન હોય છે જુદી-જુદી દાળ અને કઠોળમાં. દાળ અને કઠોળમાં જે પ્રોટીન હોય છે એ પહેલી કક્ષાનું પ્રોટીન નથી ગણાતું જેવું દૂધમાં રહેલું પ્રોટીન હોય છે. જ્યારે એને કાર્બોહાઇડ્રેટ સાથે લેવામાં આવે છે ત્યારે એ બને છે કૉમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ અને ઉચ્ચ ગુણવત્તાનું પ્રોટીન. માટે એ બન્નેને સાથે જ ખાવાં જોઈએ.’

ટમેટાં અને તેલ

ટમેટાંનો ઉપયોગ આપણે ઘણીબધી જગ્યાએ જુદી-જુદી રીતે કરીએ છીએ. લગભગ બધાં જ શાકમાં ટમેટાં નાખીએ છીએ. આ સિવાય સૂપ, ગ્રેવી અને સૅલડમાં પણ એનો બહોળો ઉપયોગ થાય છે. મહત્વની વાત એ છે કે ટમેટાં કાચાં ખાવાં એના કરતાં તેલમાં પકવીને ખાવા વધુ યોગ્ય છે. એ વિશે સમજાવતાં ફિમ્સ ક્લિનિક-માટુંગા અને વિલે પાર્લેનાં હીલિંગ ડાયટ સ્પેશ્યલિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘ટમેટાંની અંદર જે લાઇકોપીન નામનું ઍન્ટિ-ઑક્સિડન્ટ હોય છે એ આપણા શરીરમાંનો ઝેરી કચરો સાફ કરવાનું કામ કરે છે. તેલ કે કોઈ પણ સારી કક્ષાનો ફૅટ પદાર્થ આ લાઇકોપીનને શરીરમાં ભળાવવામાં ઉપયોગી છે. માટે આ બન્નેનું કૉમ્બિનેશન સારું ગણી શકાય.’

દાળ અને ઘી

પારંપરિક રીતે ઘણાં ઘરોમાં દાળ કે કઠોળનો વઘાર ઘીથી થાય છે. જો વઘાર ઘીથી ન કરે તો બની ગયા પછી એક ચમચી ઘી ઉપરથી નાખવામાં આવે છે. જોકે ઘીથી આજકાલ લોકો દૂર ભાગવા લાગ્યા છે, પરંતુ ઘીને સારી ફૅટ તરીકે લેવામાં આવે છે. એનો મર્યાદામાં ઉપયોગ શરીરને ફાયદો જ કરે છે, નુકસાન નહીં. ઘી સાથે કઠોળ કે દાળના કૉમ્બિનેશન વિશે વાત કરતાં ધ્વનિ શાહ કહે છે, ‘મગ, મઠ, ચણા, વાલ, છોલે, રાજમા વગેરે કઠોળ અને તુવેરદાળ, મગદાળ, ચણાદાળ, અડદદાળ જેવી દાળ પચવામાં ભારે પદાર્થો છે. જો એનું પાચન વ્યવસ્થિત ન થાય તો એમાં રહેલું પ્રોટીન શરીરને મળે નહીં. માટે એ સુપાચ્ય બને એ જરૂરી છે. એને સુપાચ્ય બનાવવાનું કામ કરે છે ઘી. ઘણા લોકોને કઠોળ કે દાળ ખાવાને લીધે ગૅસ થઈ જાય છે અને બ્લોટિંગની સમસ્યા રહે છે. જો ઘી સાથે દાળ કે કઠોળને લેવામાં આવે તો આ સમસ્યા નથી આવતી.’

પાલક અને લીંબુ

પાલકનો ઉપયોગ આપણે જૂસ, સૂપ અને શાકમાં કરીએ છીએ. લીલાં પાંદડાંવાળી શાકભાજી અત્યંત ઉપયોગી થતી હોય છે, પરંતુ એની સાથે એ જાણવું જરૂરી છે કે એને કઈ રીતે ખવાય. લીંબુનો ઉપયોગ આપણે શાક-દાળ કે ચટણીઓમાં મુખ્યત્વે કરતા હોઈએ છીએ. આ બન્નેના કૉમ્બિનેશનનું મહત્વ સમજાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘પાલકમાં ખૂબ જ સારી માત્રામાં આયર્ન રહેલું છે. આ આયર્નનું પાચન થઈને એ શરીરને પૂરતી માત્રામાં મળી રહે એ માટે શરીરમાં પૂરતી માત્રામાં વિટામિન C હોવું જરૂરી છે. આમ ખાલી આયર્ન ખાવાથી કામ નથી પતતું. જ્યારે પાલક સાથે જ લીંબુ પણ ખાઈએ છીએ ત્યારે કૅલ્શિયમ, આયર્ન અને વિટામિન C મળી રહે છે અને એ પૂરતા પ્રમાણમાં શરીરમાં ભળે છે.’

ફ્રૂટ ઍન્ટ નટ


ફળો પોતાની રીતે પોષણનો ભંડાર છે અને મોટા ભાગે એ સ્નૅકના સમયે એટલે કે સવારે ૧૧ વાગ્યે કે સાંજે પાંચ વાગ્યાની આસપાસ ખાવાં જોઈએ એવી સલાહ મોટા ભાગના ડાયટિશ્યન આપતા હોય છે. ફળોને ક્યારેય જમવા સાથે કે દૂધ સાથે ન લેવાં જોઈએ. એ જ રીતે નટ્સ એટલે કે બદામ, કાજુ, અખરોટ, પિસ્તા વગેરેને પણ સ્નૅકના સમયે જ ખાવાં વધુ યોગ્ય છે. જમવામાં એ ખવાય નહીં. સવારે ઊઠીને પણ એ ખાઈ શકાય છે. આપણે જાણીએ છીએ કે ફળો અને નટ્સ બન્ને ભરપૂર પોષણયુક્ત ખાદ્યપદાર્થો છે. આ બન્નેના કૉમ્બિનેશન વિશે વાત કરતાં ધ્વનિ શાહ કહે છે, ‘ફ્રૂટ્સ અને નટ્સને સાથે સ્નૅક-ટાઇમમાં ખાઈ શકાય છે. જેમ કે કેળા સાથે અખરોટ, સંતરા સાથે પિસ્તા, સ્ટ્રૉબેરી સાથે બદામ કે પછી મિક્સ ફ્રૂટ સાથે મિક્સ નટ્સનો એક બોલ બનાવીને ખાઈ શકાય છે જે ખૂબ જ હેલ્ધી ગણાય છે. કોઈ પણ ફ્રૂટ સાથે કોઈ પણ નટ્સનું કૉમ્બિનેશન કરી શકાય છે. ફળોમાં રહેલાં ફ્રુક્ટોઝ અને વિટામિન C નટ્સમાં રહેલા મૅગ્નેશિયમ, ઝિન્ક, કૅલ્શિયમ, સેલેનિયમ જેવાં ધાતુતત્વોને પચાવવામાં મદદરૂપ થઈ શકે છે.’

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio