મિડલ ઑર્ડર મજબૂત થતાં ધોની પર પ્રેશર ઓછું થઈ ગયું છે : વિરાટ

ઇન્ડિયન કૅપ્ટનને લાગે છે કે કેદાર જાધવ અને હાર્દિક પંડ્યાના શાનદાર પર્ફોમન્સ અને આક્રમક રમતને લીધે ભૂતપૂર્વ કૅપ્ટન હવે ચિંતામુક્ત થઈને રમતો જોવા મળશે

kohli


ગુરુવારથી શરૂ થઈ રહેલી મિની વર્લ્ડ કપ સમાન ચૅમ્પિયન્સ ટ્રોફીમાં તાજનું રક્ષણ કરવા ભારતીય ટીમ ઇંગ્લૅન્ડ પહોંચી ગઈ છે.  આ વખતે પણ ભારતીય ટીમ ચૅમ્પિયન્સ ટ્રોફી જીતવા માટે હૉટ-ફૅવરિટ છે અને સોમવારે ન્યુ ઝીલૅન્ડ સામે ટીમ ઇન્ડિયા પહેલી પ્રૅક્ટિસ-મૅચ રમશે.

ઇંગ્લૅન્ડ પહોંચ્યા બાદ પહેલી પ્રેસ-કૉન્ફરન્સમાં કૅપ્ટન વિરાટ કોહલીએ ટીમના બૅલૅન્સ અને યુવા ખેલાડીઓનાં ફૉર્મ અને પર્ફોમન્સને લીધે ફરી ચૅમ્પિયન્સ ટ્રોફી ભારતમાં લઈ આવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કેદાર-હાર્દિકે આપી મજબૂતી

ટીમ વિશે વાત કરતાં વિરાટે કહ્યું હતું કે ‘ફરી ચૅમ્પિયન બનવા માટે અમારે મિડલ અને લોઅર અ બૅટિંગ ઑર્ડર મજબૂત કરવાની જરૂર હતી. ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં અમે એ તરફ ધ્યાન આપ્યું હતું અને અમે એમાં મોટા ભાગે સફળ રહ્યા છીએ. ખાસ કરીને કેદાર જાધવ અને હાર્દિક પંડ્યાના પર્ફોમન્સને લીધે અમારો મિડલ ઑર્ડર ખૂબ સ્ટ્રૉન્ગ થઈ ગયો છે અને ટીમમાં બૅલૅન્સ આવી ગયું છે. છેલ્લાં બેએક વર્ષથી અમે નોંધ્યું હતું કે ટૉપ ઑર્ડરની નિષ્ફળતા બાદ મહેન્દ્ર સિંહ ધોની પર જીત અપાવવા ખૂબ પ્રેશર આવી જતું હતું. ધોની અમને એ વાત કરી નહોતા શકતા, કેમ કે અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો કે તેમની સાથે ઊભો રહીને મૅચ ફિનિશ કરાવી શકે, પણ હવે કેદાર અને હાર્દિકને લીધે ધોનીની જવાબદારી થોડાઘણા અંશે ઓછી થઈ ગઈ છે અને વહેંચાઈ ગઈ છે.’

યુવા ટીમમાં બે અનુભવી ખેલાડીઓ ધોની અને યુવરાજ સિંહ વિશે વિરાટે કહ્યું હતું કે ‘બન્ને ખેલાડીઓ અનુભવી મૅચવિનરો છે. હું ઇચ્છું છું કે તેઓ ટુર્નામેન્ટમાં ટેન્શન વગર તેમની સ્વાભાવિક રમત રમે.’

ટીમ બૅલૅન્સ છે, હવે પર્ફોમ કરવું પડશે

ટીમના બૅલૅન્સ વિશે વિરાટે કહ્યું હતું કે ‘યુવા રોહિત શર્મા, અજિંક્ય રહાણે, કેદાર જાધવ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર તથા અનુભવી મહેન્દ્ર સિંહ ધોની તથા યુવરાજ સિંહ ઉપરાંત ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાને લીધે ટીમ બૅલૅન્સ લાગી રહી છે. બધા જ બૅટ્સમેનો અને બોલરો ફૉર્મમાં છે, પણ તમે વર્લ્ડની બેસ્ટ ટીમ હો પણ મેદાનમાં જઈને બરાબર ન રમો તો તમારી ટૅલન્ટનો કોઈ મતલબ નથી. એટલે આવી મોટી ટુર્નામેન્ટમાં જરૂરી હોય છે તમે રણનીતિ પ્રમાણે કેવું રમો છો?’

વિરાટની પ્રથમ વર્લ્ડ ઇવેન્ટ

કૅપ્ટન બન્યા બાદ ઇન્ટનૅશનલ ક્રિકેટ કાઉન્સિલની ઇવેન્ટમાં પ્રથમ વાર કૅપ્ટન્સી કરી રહેલા વિરાટે કહ્યું હતું ‘હું મારી આ પ્રથમ અને સૌથી મોટી જવાબદારી માટે તૈયાર છું. હવે હું માનસિક રીતે વધારે મજબૂત થયો છું. ઇંગ્લૅન્ડમાં બૅટિંગ માટે ખૂબ મુશ્કેલ હોય છે. હું વ્યક્તિગત રીતે આ ચુનૌતીઓનો સામનો કરી કમબૅક કરવા માગું છું.’

ચાર મહિનાથી વન-ડે નથી રમ્યા

ભારત છેલ્લા ચારેક મહિનાથી ટેસ્ટ અને T૨૦ મૅચો જ રમી રહ્યું છે. ભારતીય ટીમ છેલ્લે બાવીસ જાન્યુઆરી છેલ્લી વન-ડે ઇંગ્લૅન્ડ સામે રમી હતી. વિરાટે આ બાબતે કહ્યું હતું કે અમે છેલ્લા ચારેક મહિનાથી વન-ડે ન રમ્યા હોવા છતાં મને પૂરો ભરોસો છે કે અમે બે પ્રૅક્ટિસ-મૅચ દ્વારા ફરી વન-ડે મોડમાં આવી જઈશું.

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio