એકતાની સમજ - (લાઇફ કા ફન્ડા)

એક જૂના પ્રાચીન મંદિરમાં કબૂતરોનું ટોળું રહેતું હતું.(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

વર્ષો બાદ મંદિરનો જીર્ણોદ્વાર હાથ ધરવામાં આવ્યો. બિચારાં કબૂતરોને વર્ષો જૂનું સ્થાન છોડવું પડ્યું. જોકે નજીકના એક ચર્ચમાં રહેતાં કબૂતરોએ પોતાની સાથે એમને ચર્ચમાં આશરો આપ્યો. ચર્ચમાં રહેતાં કબૂતરોએ નવાં કબૂતરોને પ્રેમથી સ્વીકાર્યાં.

સમય પસાર થયો. હવે ચર્ચમાં રંગરોગાન શરૂ થયું. હવે ચર્ચમાંથી કબૂતરોએ ક્યાં જવું એ પ્રશ્ન ઊભો થયો. બધાં કબૂતરો આજુબાજુ નવી રહેવાની જગ્યા શોધવા લાગ્યાં. થોડે દૂરની એક મસ્જિદમાં રહેતાં કબૂતરોએ બધાં કબૂતરોને પોતાને ત્યાં આવકાર્યાં. બધાં કબૂતરો મસ્જિદમાં એકબીજા સાથે સંપીને રહેવા લાગ્યાં.

ત્રણ વર્ષ બાદ એક બાજુ જૂના મંદિરના જીર્ણોદ્વારનું કામ પૂરું થયું અને મસ્જિદમાં રમઝાન નિમિત્તે સાફસફાઈ અને સમારકામ શરૂ થયું. બધાં કબૂતરો હવે એકસાથે મંદિરમાં રહેવા લાગ્યાં.

એક દિવસ મંદિરના ચોકની બજારમાં એક મુસલમાન અને હિન્દુ વચ્ચે ઝઘડો થયો. વાત વધી ગઈ અને તૂતૂ-મૈંમૈંમાંથી તું હિન્દુ-તું મુસલમાન એમ એકબીજાના ધર્મ સુધી પહોંચી ગઈ. બીજા બધા પણ ઝઘડામાં જોડાયા. ધાર્મિક અંધ લોકો બસ પોતાના ધર્મ માટે ઝઘડવા લાગ્યા અને એક નાનો ઝઘડો જાતપાતના તોફાનમાં ફેરવાઈ ગયો.

મંદિરની ટોચ પરથી કબૂતરો આ ઝઘડો જોઈ રહ્યાં હતાં. કબૂતરના નાનકડા બચ્ચાએ પોતાની માને પૂછ્યું, ‘મા, આ લોકો કોણ છે અને શું કામ ઝઘડે છે?’

માએ કહ્યું, ‘બેટા, એ લોકો માણસો છે અને આ માણસોમાંથી જે મંદિરમાં પ્રાર્થના માટે જાય તેને હિન્દુ કહે છે, જે ચર્ચમાં પ્રાર્થના માટે જાય તેને ક્રિશ્ચિયન કહે છે અને જે મસ્જિદમાં પ્રાર્થના માટે જાય તેને મુસલમાન કહે છે. અહીં હિન્દુ અને મુસલમાનો આપસમાં ઝઘડી રહ્યા છે.’

નાનું નાદાન બચ્ચું બોલ્યું, ‘પણ મા, એવું શું કામ? તું કહેતી હતીને કે પહેલાં તમે બધાં મંદિરમાં રહેતાં હતાં, પછી ચર્ચમાં રહ્યાં, પછી મસ્જિદમાં રહ્યાં અને હવે આપણે પાછા મંદિરમાં રહીએ છીએ અને તો પણ કબૂતર જ કહેવાઈએ છીએ. તો પછી આ લોકો પણ પ્રાર્થના માટે ક્યાંય પણ જાય તોય માણસો જ કહેવાવા જોઈએને?!’

માતા કબૂતર બોલી, ‘તારી વાત બરાબર છે બેટા, પણ એકતા અને સંપની જેટલી સમજ આપણામાં છે એટલી માણસોમાં નથી. તેઓ ભગવાન અને ધર્મના નામે ઝઘડે છે, ભગવાનને ઓળખતા નથી. જાણતા નથી કે ઈશ્વર એક છે અને એકતામાં જ સુખ-શાંતિ અને પ્રગતિ છે.’

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio