૭૫ વર્ષના અમિતાભ બચ્ચનનાં પાત્રો અને ફિલ્મોના આધારે શીખવા મળતા પર્સનલ ફાઇનૅન્સના ૭.૫ બોધપાઠ

આજે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની ૭૫મી વર્ષગાંઠ છે. તેમણે ફિલ્મોમાં ભજવેલી અનેક યાદગાર ભૂમિકાઓને યાદ કરીને આપણે એમાંથી ૭૫ વર્ષ નિમિત્તે ૭.૫ બોધપાઠ લઈએ

 

baghban


અમિત ત્રિવેદી

ફેમસ ડાયલૉગમાંથી મળતા બોધપાઠ

 

deewar

૧. દીવાર : મૈં આજ ભી ફેંકે હુએ પૈસે નહીં ઉઠાતા.

પૈસા કમાવા હોય તો ગૌરવપૂર્વક કમાવા. અમિતાભ આ ફિલ્મમાં બાળપણમાં કહેલી વાત યાદ કરાવીને ઇફ્તેખાર અહમદને ઉક્ત ડાયલૉગ કહે છે.

પોતાની પાસે પૈસા હોય કે ન હોય, કોઈકે તોછડાઈથી જમીન પર ફેંકેલા પૈસા પોતે ક્યારેય ઉપાડતો નથી એવું નાયક કહે છે. એનો અર્થ એવો થયો કે તે પૈસાનો આદર કરે છે, એને ભગવાનનું રૂપ માને છે અને કામનું ગૌરવ કરે છે. અન્યો પણ એ જ આદર અને ગૌરવની ભાવના રાખે એવું કે ઇચ્છે છે. પૈસા સન્માનનીય રસ્તે જ કમાવા જોઈએ.

kalia

૨. કાલિયા : હમ જહાં ખડે હોતે હૈં, લાઇન વહીં સે શુરુ હો જાતી હૈ.

‘કાલિયા’ ફિલ્મનો આ ડાયલૉગ છે. અમિતાભ બચ્ચન જેલમાં હોય એ વખતે આ લાઇન બોલે છે. આ ફિલ્મ થિયેટરમાં અનેક વાર જોઈ અને દર વખતે દર્શકોને આ ડાયલૉગ વખતે ગાંડા થતા જોયા છે. આ કલાકાર અમિતાભ બચ્ચન છે અને તેમની ખ્યાતિ-પ્રતિભાને જોતાં તેમના મોઢે આ શબ્દો શોભે પણ છે. આપણામાંથી કેટલા લોકો રોકાણમાં પાવરધા છે? કોઈ નહીં. એથી આપણે ડાયલૉગમાં ફેરફાર કરીને કહેવા લાગીએ છીએ, જહાં લાઇન હોતી હૈ, હમ વહાં ખડે હો જાતે હૈ. બીજા લોકો રોકાણની પ્રોડક્ટ ખરીદે છે કે વેચે છે એવું જોઈને બીજા રોકાણકારો પણ લાઇનમાં લાગી જાય છે. આવી વૃત્તિને ગાડરિયો પ્રવાહ કહેવાય છે. સદીઓથી અને બધા દેશોમાં તથા રોકાણના તમામ વિકલ્પોમાં આ વૃત્તિ જોવા મળી છે. ઇક્વિટી શૅર હોય, IPO હોય, રિયલ એસ્ટેટ હોય, સોનું હોય કે બિટકૉઇન નામની વર્ચ્યુઅલ કરન્સી હોય, બધે જ આવું વલણ દેખાય છે. લાઇનમાં રહેવું અમુક પરિસ્થિતિમાં યોગ્ય છે, કારણ કે આખરે તો મનુષ્ય સામાજિક પ્રાણી છે. જોકે નાણાકીય બજારોમાં કતારમાં ઊભા રહી જનારા લોકો મોંઘા ભાવે ખરીદી કરીને સસ્તા ભાવે વેચાણ કરવા નીકળે છે. રોકાણ વિશે પૂરતી જાણકારી લીધા પછી જ સ્વતંત્રપણે નિર્ણયો લેવા. જો પોતાને ન ફાવતું હોય તો નિષ્ણાતોની મદદ લેવામાં સંકોચ ન કરવો.

satte

૩) સત્તે પે સત્તા : એક દોસ્ત કી પાર્ટી મેં ગયા થા, વહાં જબરદસ્તી ચાર બાટલી પિલા દી.

આપણે બધા જ આ ડાયલૉગ જાણીએ છીએ. એ બોલ્યા પછી અમિતાભ તરત જ બોલે છે- દારૂ પીને સે લિવર ખરાબ હોતા હૈ... જોકે ઘણા લોકો તેમના પહેલા વાક્યને જ યાદ રાખીને પોતાનું કામ કર્યે રાખે છે! રોકાણકારોને પણ ઘણી વખત કહેતા સાંભળ્યા છે કે કોઈક માણસ આવીને રોકાણની અમુક પ્રોડક્ટ વેચી ગયો. માણસો તો ગમે એ લાવીને વેચશે, તમારે યાદ રાખવું કે ખરીદદારે હંમેશાં સતર્ક રહેવું જોઈએ. કોઈ માણસ રોકાણની પ્રોડક્ટ વિશે સમજ આપતો હોય ત્યારે ન સમજાય તો પ્રશ્નો પૂછીને સંતોષ કરી લેવો. ઉતાવળે નિર્ણય ન લેવો.

 

trishul

૪. ત્રિશૂલ : આજ આપકે પાસ સારી દૌલત સહી, સબ કુછ સહી, લેકિન મૈંને આપ સે ઝ્યાદા ગરીબ આજ તક નહીં દેખા. ગુડ બાય મિસ્ટર આર. કે. ગુપ્તા.

પિતાએ ત્યજી દીધેલી માતાને સંભાળતા પુત્ર અને પિતા વચ્ચેના જંગની વાત ‘ત્રિશૂલ’માં છે. સંજીવકુમાર પોતાના પરિવાર સાથેના સંબંધોને બગાડી નાખ્યા બાદ મહેલ જેવા ઘરમાં એકલા રહી જાય છે ત્યારે પુત્રની ભૂમિકા ભજવનાર અમિતાભ આ ડાયલૉગ બોલે છે.

આના પરથી કહી શકાય કે માણસ પાસે ગમે એટલી સંપત્તિ હોય, પણ જો તેનો પરિવાર જ તેની સાથે ન હોય તો એ બધી ધન-દૌલતનો કોઈ અર્થ નથી રહેતો. આપણે પરિવાર માટે જ ધન કમાતા હોઈએ છીએ. જો કમાણીથી સંતોષ અને કૌટુંબિક સુખ ન મળે તો પૈસા નિરર્થક છે.

 

kbc

૫. લાવારિસ : અપુન વોહ કુત્તે કી દુમ હૈ, જો બારહ બરસ નાલી કે અંદર ડાલ કે નાલી ટેઢી હોતી, અપુન સીધા નહીં હોતા!

મનુષ્યના સ્વભાવને યથાર્થ વ્યક્ત કરતું આ વાક્ય છે. આપણે પોતાના ભૂતકાળના અનુભવોના આધારે નિર્ણયો લેતા હોઈએ છીએ. ફક્ત આ જન્મના નહીં, બધા જ જન્મના અનુભવોની અસર આપણા નિર્ણયો અને કાર્યો પર થાય છે.

આપણા ઘણા પૂર્વગ્રહો આપણાં કાર્યોમાં ઝલકે છે. એમાં નાણાકીય વ્યવહારો પણ આવી જાય છે. ક્યારેક આપણા પૂર્વગ્રહો કે માન્યતાઓ આપણું રક્ષણ કરે છે અને ક્યારેક મુશ્કેલીમાં મૂકી દે છે. આપણા મર્યાદિત જ્ઞાનને લીધે આપણે કયો બોધપાઠ ક્યારે અમલમાં મૂકવો એ જાણતા નથી.

ફિલ્મો પરથી મળતા બોધપાઠ

 

chupke

૬. ચુપકે ચુપકે : આ ફિલ્મમાં અમિતાભે ડૉ. પરિમલ ત્રિપાઠીની ભૂમિકા ભજવી છે. તેમને ફિલ્મમાં ડૉ. સુકુમાર સિંહાનો અંચળો ઓઢી લેવાનું કહેવામાં આવે છે. તેઓ વસુધાનું પાત્ર ભજવતાં જયા બચ્ચન સામે જાય છે ત્યારે તેમના પ્રેમમાં પડી જાય છે. એ વખતે તેમના મનમાં દ્વિધા ઊભી થાય છે કે વસુધા સામે સુકુમાર સિંહા બનવું કે પરિમલ ત્રિપાઠી. આ ગૂંચવણને લીધે તેઓ તકલીફમાં મુકાય છે.

નાણાકીય વિશ્વમાં મોટા ભાગના લોકો પોતાની ભૂમિકા વિશે મૂંઝવણમાં મુકાયેલા હોય છે. પોતે રોકાણકાર છે કે સટ્ટા રમનારા છે એ નક્કી કરી શકતા નથી. શરૂઆતમાં તેઓ રોકાણકાર બનવાનું નક્કી કરી લે છે, પરંતુ વસુધા (એ નાણાકીય સમાચાર, કોઈની ટિપ્સ, લાલચ, આશા કે ડરની લાગણી, વગેરે સ્વરૂપે હોઈ શકે છે)ને જુએ છે ત્યારે દ્વિધામાં મુકાઈ જાય છે. આવા વખતે રોકાણકાર બનવાનું ભૂલીને સટ્ટાખોર બનવા લાગી જાય છે. એને પગલે સમસ્યા સર્જા‍ય છે.

૭. બાગબાન : જીવનની સંપૂર્ણ મૂડી પોતાનાં સંતાનો પાછળ ખર્ચી નાખનારા દંપતીની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે. સંતાનો તેમની પાછલી ઉંમરે તેમને સધિયારો નથી આપી શકતા.

ઘણા લોકો પોતાના નિવૃત્તિકાળનો વિચાર કે એ માટેનું આયોજન નથી કરતા. તેમની પોતાની જીવનભરની કમાણી સંતાનોના શિક્ષણ અને લગ્ન પાછળ ખર્ચાઈ જાય છે. આ ફિલ્મ પરથી ઘણો મોટો બોધપાઠ મળે છે કે નિવૃત્તિનાં વર્ષો માટે પોતાના પૂરતી જોગવાઈ કરવા માટે પૂરતું આયોજન જરૂરી છે.

(અહીં પ્રગટ કરવામાં આવેલા વિચારો લેખકના અંગત છે. તેમણે `Riding The Roller Coaster : Lessons from financial market cycles we repeatedly forget' ર્શીષક ધરાવતું પુસ્તક પણ લખ્યું છે.)

અને હવે આવે છે ૭.૫મો બોધપાઠ

આ બોધપાઠ ‘કૌન બનેગા કરોડપતિ’ શો પરથી મળે છે.

આ કાર્યક્રમમાં શરૂઆતમાં દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે ૪૫ સેકન્ડ ફાળવવામાં આવે છે. પહેલો પડાવ પાર કરી ગયા પછી ઉપલબ્ધ સમય ૬૦ સેકન્ડનો થઈ જાય છે અને બીજા પડાવ પછી કોઈ સમયમર્યાદા નથી હોતી. અમિતાભ બચ્ચનના શબ્દોમાં કહીએ તો કાંટાબેન શાંત હો જાએગી. સંપત્તિની સાથે પણ આવું જ થતું હોય છે. તમે જેમ-જેમ ધનવાન બનતાં જાઓ એમ-એમ તમારી પાસે વધુ સમય ઉપલબ્ધ થવો જોઈએ. જો તમારી સંપત્તિ તમારા સમયને બચાવી શકતી ન હોય તો એનો અર્થ એવો થયો કે તમે સમય સાટે સંપત્તિ લઈ રહ્યા છો. આ બાબતે સૂક્ષ્મદૃષ્ટિએ વિચાર કરવા જેવો છે.

અને છેલ્લે...

બચ્ચનસા’બે ભજવેલાં પાત્રો જ નહીં, તેમનું વાસ્તવિક જીવન પણ અનેક વાતો શીખવે છે. એથી છેલ્લે તેમની ‘આનંદ’ ફિલ્મને યાદ કરી લઈએ. આ ફિલ્મમાં આનંદ ડૉ. ભાસ્કર (અમિતાભ)ને કહે છે, બાબુ મોશાય, ઝિંદગી બડી હોની ચાહિએ, લંબી નહીં. આપણે બચ્ચનજીને બડી અને લંબી ઝિંદગીની શુભેચ્છા આપીએ. તેમનું આયુષ્ય સુખ, સમૃદ્ધિ અને આરોગ્યથી સભર રહે એવી શુભેચ્છા.

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio